કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટ TDO અને રેસિડેન્ટ તબીબ સહિત 72 પોઝિટિવ, 6 દર્દીનાં મોતઃ કુલ 1470 પોઝિટિવ કેસ થયા

રાજકોટએક વર્ષ પહેલા
 • સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગમાં ચિંતા
 • એડવોકેટનો રિપોર્ટ પોઝિટિવ આવતા ત્રણેય કોર્ટ કેમ્પસ સેનિટાઇઝ કરાયા
 • પાલિતાણામાં 10 લાખના ખર્ચે 10000 ઘરને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ

રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે નવો રેકોર્ડ બન્યો છે. શહેરમાં 52 અને ગ્રામ્ય વિસ્તારમાં 20 સહિત નવા 72 પોઝિટિવ આવ્યા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 1470 થયો છે. રવિવારે છ મોત નીપજ્યાં હતા. જેમાં રાજકોટના 3 હતા. ઉપરાંત 39ને ડિસ્ચાર્જ કરાયા છે. જે નવા કેસ આવ્યા તેમાં રાજકોટ તાલુકા વિકાસ અધિકારી પી.બી. પરમારનો સમાવેશ થાય છે. તેઓએ ગુરુવારે તાલુકાના તલાટીઓ સાથે બેઠક કરી હતી અને બાદમાં આ તલાટીઓએ સ્પીપામાં તાલીમ લીધી હતી તેથી કોન્ટેક્ટ ટ્રેસિંગમાં ઘણા નામો સામે આવી શકે છે.

સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ
જ્યારે સિવિલના મેડિસિન વિભાગના રેસિડેન્ટ તેમજ કોવિડ વોર્ડમાં ફરજ નિભાવતા ડો.રાજપૂત પણ પોઝિટિવ આવ્યા છે. આ સાથે સિવિલમાં તબીબ અને સ્ટાફ પોઝિટિવ આવવાનો આંક પણ વધતો જાય છે. બાઈક ચોરીમાં બે આરોપી ઝડપાયા હતા તે પૈકીના બેના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પકડવાની કામગીરી કરનાર પોલીસ જવાનોને ક્વોરન્ટાઈન કરાયા છે. બીજી તરફ પીજીવીસીએલના ઈજનેર જે. યુ. ભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મનપાએ દરરોજ 200 સેમ્પલ લેવાની વાત કરી હતી પણ રવિવારે 178 સેમ્પલ લેવાયા હતા જેમાંથી 52 પોઝિટિવ એટલે કે, પોઝિટિવિટી રેશિયો 29 ટકા જેટલો ઊંચો આવ્યો છે.

શહેરમાં પોઝિટિવ આવેલા 4 લોકોના નામ મનપાની યાદીમાંથી ગાયબ!
મનપા દરરોજ પોઝિટિવ આવનાર કુલ દર્દીઓનો આંક જાહેર કરે છે તેમાંથી 4 દર્દીના નામ ગાયબ હોવાનું બહાર આવ્યું છે. 19મીએ પોઝિટિવ આવેલા હરસુખભાઈ સોનછત્રા દ્વારિકા હાઈટ્સમાં રહે છે અને ત્યાં ક્વોરન્ટાઈનની કામગીરી પણ કરાઈ છે છતાં નામ આવ્યું નથી. આ મામલે ડેપ્યુટી કમિશનર બી.જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તે વિસ્તાર માધાપરમાં આવે છે ગામ તો શહેરમાં ભળી ગયું પણ હજુ આરોગ્યના કેટલાક કામો બાકી છે તેથી કામ તો મનપા કરે છે પણ નોંધ કદાચ જિલ્લામાં થઈ હશે. બીજી તરફ રવિવારે વૈશાલીનગરમાં રહેતા મહેતા પરિવારના 3 સભ્યોના ખાનગી લેબમાં ટેસ્ટ થયા હતા તેમના પણ નામો આવ્યા નથી. તેની પાછળ ખાનગી લેબે પોર્ટલ પર એન્ટ્રી ન કર્યાનું બહાનું અપાયું છે અને બીજા દિવસના રિપોર્ટમાં તેનો સમાવેશ કરાશે તેવું ડે. કમિશનરે જણાવ્યું છે.

સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં 122 કેસ, 5 મોત
જૂનાગઢ જિલ્લામાં 20 કેસ નોંધાયા હતા અને કોરોના સહિત અન્ય બિમારીથી બેનાં મોત થયા છે. અમરેલીમાં 38 કેસ નોંધાયા હતા અને એક વ્યકિતનું શંકાસ્પદ રીતે મોત થયુ છે. ગીર-સોમનાથ જિલ્લામાં 16, પોરબંદરમાં 4 કેસ અને 1 વ્યકિતનું કોરોનાથી મોત થયુ છે. મોરબી જિલ્લામાં પ્રથમવાર એક સાથે 20 કેસ પોઝિટિવ આવ્યા છે અને પીપળી ગામમાં જ એક સાથે 8 લોકોના પોઝિટિવ આવ્યા છે અને તેમાં 9 વર્ષના બાળક પણ ઝપટમાં આવી ગયો છે. તેમજ લાયન્સનગરમાં રહેતા વૃધ્ધનું મોત નીપજ્યું છે. જામનગર શહેરમાં 15, ગ્રામ્યમાં 6 અને દ્વારકા જિલ્લામાં 3 વ્યકિત સંક્રમિત થયા છે.

અમરેલીમાં કુલ કેસની સંખ્યા 329
અમરેલી જિલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 38 કેસ નોંધાયા છે. અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ આજે કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 329 થઈ છે. અત્યાર સુધીમાં 16ના મોત અને 125 દર્દી સારવાર હેઠળ છે. તેમજ 188 લોકો સાજા થયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નવા 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગોંડલમાં 14 કેસ નોંધાયા
ગોંડલના સુલતાનપુર તેમજ વેકરીમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે.હંસાબેન પાનસુરિયા (ઉં.વ.70 રહે.વેકરી) અને જયંતીભાઈ વિઠ્ઠલભાઇ (ઉં.વ.61 રહે.સુલતાનપુર)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત બપોર બાદ વધુ 12 કેસ સાથે આજે એક જ દિવસમાં ગોંડલ તાલુકામાં 14 કેસ નોંધાયા છે. હેલ્થ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હેલ્થ ટીમ દ્વારા વિસ્તારમાં સર્વે તેમજ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ગોંડલમાં આવેલા પોઝિટિવ કેસની યાદી

 1. ચુનીલાલ બિતાવિભાઇ માંડલ (ઉ.વ.26) સબ જેલ ગોંડલ
 2. કાંતિભાઈ ટપુભાઇ બોરસિયા (ઉ.વ.62) કૃષ્ણ નગર - 2 બસસ્ટેન્ડ સોસાયટી ગોંડલ
 3. દિલીપભાઈ ગોકવદાસ રાજાણી (ઉ.વ.73) શાસ્ત્રી નગર - 2 ગોંડલ
 4. મકસુદભાઈ યુનુસભાઈ માંડવીયા - (ઉ.વ.54) આંબલી શેરી ગોંડલ
 5. સબનાબેન મકસુદભાઈ માંડવીયા - (ઉ.વ.50) આંબલી શેરી ગોંડલ
 6. અબ્દુલભાઇ મકસુદભાઈ માંડવીયા - (ઉ.વ.25) આંબલી શેરી ગોંડલ
 7. શર્મિષ્ઠાબેન અંકુરભાઈ વૈષ્નાની (ઉ.વ.29) રાજ નગર ગોંડલ
 8. હેમંતભાઈ રણછોડભાઈ સોલંકી (ઉ.વ.33) સબ જેલ ગોંડલ
 9. સરદુરભાઈ ધીરુભાઇ તલાવીયા (ઉ.વ.39) સબજેલ ગોંડલ
 10. વિશાલભાઈ રમેશભાઈ બારન (ઉ.વ.19) સબ જેલ ગોંડલ
 11. લબધીરસિંહ પરબતસિંહ જાડેજા (ઉ.વ.63) સહજાનંદ નગર ગોંડલ
 12. વનીતાબેન દેવદાસભાઈ લુણાગરિયા (ઉ.વ.75) ગાયત્રી નગર ગોંડલ
 13. જેન્તીભાઈ વિઠ્ઠલભાઇ ગોંડલીયા (ઉ.વ.62) સુલતાનપુર
 14. હંસાબેન પાનસૂરિયા (ઉ.વ.70) વેકરી

જસદણમાં ચાર કેસ નોંધાયા
જસદણમાં 2, વિરનગરમાં 1 અને સાણથલીમાં 1 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. જસદણનાં સાણથલીમાં આજે એક કોરોના પોઝિટિવ આવ્યા બાદ જસદણ શહેરમાં બે અને વિરનગરમાં એક કેસ પોઝિટિવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે. જસદણનાં સીતારામ વાડી વિસ્તારમાં રહેતા વિપુલભાઈ કેશુભાઈ હિરપરા (ઉં.વર્ષ 37), પુનમબેન મયંકભાઇ ઉનડકટ (ઉં.વર્ષ 30) અને વિરનગરના નાગજીભાઈ રાજાભાઈ વેકરીયા (ઉં.વર્ષ 45)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાણથલી ગામના વલ્લભભાઈ ચનાભાઇ ધડુક (ઉં.વ. 72)નું મૃત્યુ થયું છે.

પાલિતાણામાં 10 હજાર મકાનોને સેનિટાઈઝ કરાશે
પાલિતાણામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે નાગરિક શરાફી મંડળી મેદાનમાં આવી છે. 10 લાખના ખર્ચે 10000 ઘરને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાય છે. તે ઉપરાંત 50000 લોકોને હ્યુમિનિટી વધારવાની દવાઓ, આયુર્વેદિક ઉકળાઓ, અને સેનિટાઇઝર આપવાની શરૂઆત કરવામાં આવી છે.

ભાવનગરમાં કેસની સંખ્યા 1150 થઈ
રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1336 પર પહોંચી છે. ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1150 પર પહોંચી છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી સરેરાશ 55 કેસ નોંધાય રહ્યા છે. ગઈકાલે શનિવારે એક જ દિવસમાં રાજકોટ શહેરમાં રેકોર્ડબ્રેક 50 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 15 કેસ નોંધાયા હતા.

(ભરત વ્યાસ, ભાવનગર/દેવાંગ ભોજાણી, ગોંડલ)