કોરોના સૌરાષ્ટ્ર LIVE:કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ કોરોના સંક્રમિત, રાજકોટમાં 96 કેસ, 24 કલાકમાં 31નાં મોત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયેશ રાદડીયાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
જયેશ રાદડીયાની ફાઇલ તસવીર.
  • રાજકોટમાં ટ્રાફિક ACP સહિત 11 પોલીસ કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, જામનગરમાં 101 કેસ નોંધાયા
  • કોવિડ-19ના દર્દીઓના સ્વજનોને મળવા આવેલ NCP નેતા રેશમા પટેલની અટકાયત
  • ભાવનગરમાં IDBI બેંકની વાઘાવાડી શાખામાં બે કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • રાજકોટ ભાજપના નેતા કશ્યપ શુક્લ અને મેયરના PAનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • બોટાદ જિલ્લામાં આજે નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા અને 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. જયેશ રાદડીયાએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો અને તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમ ક્વોરન્ટીન છે અને તબિયત સારી છે. છેલ્લા અઠવાડિયામાં તેમના સંપર્કમાં આવેલા લોકોને સ્વેચ્છાએ કોરોના ટેસ્ટ કરાવવા તેમણે વિનંતી કરી છે.

રાજકોટમાં આજે વધુ 96 કેસ નોંધાયા છે. રાજકોટમાં 24 કલાકમાં 31 લોકોના મોત થયા છે. રાજકોટ શહેરના 24, ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના 3 દર્દીના મોત થયા છે. કોવિડ મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4538 પર પહોંચી છે. રાજકોટમાં હાલ 1444 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં રોજ 100ની આસપાસ કોરોના કેસ નોંધાય રહ્યા છે. રાજકોટ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. કોરોના સંક્રમણ વધતા આજે બપોર બાદ દાણાપીઠમાં તમામ દુકાનો બંધ રહેશે.રાજકોટમાં કોરોના વોરિયર્સ જ કોરોનાનો શિકાર બની રહ્યા છે. ટ્રાફિક ACP ભરત ચાવડા સહિત પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 11 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જામનગરમાં આજે 101 કેસ નોંધાયા છે.

ભાજપના નેતા અને મેયરના PAનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને ભાજપના નેતા કશ્યપ શુક્લની તબિયત લથડતા કોરાના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના ભાઈને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બંને ભાઈને સારવાર માટે એરપોર્ટ રોડ પર આવેલા પેટ્રીયા કોવિડ સેન્ટર ખાતે ખસેડાયા છે. તેમજ રાજકોટના મેયર બીનાબેન આચાર્યના PAનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં 100 બેડની સુવિધાઓ સાથે કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ
કોરોના મહામારીમાં વિશ્વ વિખ્યાત અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે 100 બેડની સુવિધા ધરાવતી G.M.B. કોલોનીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલ શરૂ કરાય છે. જેનું સંચાલન જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન નીચે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને સોંપવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય વિભાગના સહકારથી આ વિભાગનું સંચાલન તેમજ મેનેજમેન્ટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા સંભાળવામાં આવશે અને દર્દીઓને આરોગ્યની તેમજ ભોજન અને જરૂરી દેખરેખ અને સારવારની સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

સંસ્કાર કોરોના હોસ્પિટલે વધુ નાણા પડાવતા બે દર્દીઓને નાણા પરત કર્યા
રાજકોટમાં કોરોના દર્દીઓની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો સરકારે નક્કી કરેલા ચાર્જ કરતા વધુ નાણા પડાવે છે તેવી ઉઠેલી ફરિયાદમાં કલેકટરે આવી ફરિયાદના નિવારણ માટે રચેલી કમિટી સમક્ષ ગઇકાલે સંસ્કાર કોરોના હોસ્પિટલ સામે થયેલી બે ફરિયાદમાં બંને દર્દીઓને પાત્રીસ-પાત્રીસ હજાર રૂપિયા દર્દીને પરત કરાવ્યા હતા. બીજી તરફ કોરોનાના પેશન્ટની સારવાર કરતી પરમ હોસ્પિટલ સામે ફરિયાદ થતા દર્દીઓ ખોટા હોવાની વિગતો બહાર આવતા ચકચાર જાગી છે. રાજકોટમાં કોરોના દર્દીઓની સારવાર કરતી 25 જેટલી ખાનગી હોસ્પિટલો સામે વધુ નાણા પડાવતા હોવાની ફરિયાદો માટે કમિટીએ તપાસ કરી હતી.

ભાવનગરમાં IDBI બેંકની વાઘાવાડી શાખામાં બે કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ભાવનગરમાં IDBI બેંકની વાઘાવાડી શાખામાં બે કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બેંકને સેનિટાઈઝ કરવામાં આવી છે અને બે દિવસ માટે બેંક બંધ રાખવામાં આવશે.
ભાવનગર શહેરમાંથી આજે નવા 25 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1 દર્દીનું મોત નીપજ્યું છે.

રાજકોટ મનપા દ્વારા એસ.ટી. તંત્રને મુસાફરોના રેન્ડમ એન્ટીજન ટેસ્ટ કરવા માટેની કિટની વ્યવસ્થા કરી આપવામાં આવશે
કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ મોરચે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે એસ.ટી. બસ ઓથોરિટી સાથે એક મહત્વપૂર્ણ મિટિંગ મળી હતી અને કોરોનાનો સામનો કરવા માટે લેવામાં આવી રહેલા જુદા જુદા પગલાઓ ત્વરિત અમલી બનાવવામાં આવી રહ્યા છે તે વિશે ઘનિષ્ઠ ચર્ચા થઇ હતી. આ બેઠકમાં નક્કી થયા અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એસ.ટી. તંત્રને મુસાફરોના રેન્ડમ એન્ટીજન ટેસ્ટ કરવા માટેની કિટની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

કોરોના સંક્રમણની ચેઈન તોડવામાં શહેરના પ્રાઇવેટ તબીબોનો સહકાર
રાજકોટ શહેરમાં કોરોનાને રોકવા અને કોરોનાની ચેઈનને તોડવા માટે રાજકોટ મહાનગરપાલિકા સહિત ખાનગી તબીબોનો પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરના ખાનગી તબીબો પાસે ચેકઅપ માટે ગયેલા દર્દીને જો શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત જ તેને મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટિંગ માટે રીફર કરવામાં આવે છે. જેનાથી કોરોનાની વહેલી સારવાર મળી શકે અને કોરોનાનું સંક્રમણ થતું અટકાવી શકાય છે. શહેરના તમામ ફિઝિશિયન તથા જનરલ પ્રેક્ટિસ કરતા તબીબો દ્વારા શરદી, ખાંસી, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફવાળા દર્દીઓની માહિતી મનપાને પૂરી પાડે છે. તેમજ મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટિંગ માટે મોકલે છે. જેમાં રોજના 100થી 150 રીફર કરાયેલા દર્દીઓનું વિનામૂલ્યે ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેનો ભંગ કરવા બદલ કાર્યવાહી
સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવી છે. લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળો અને માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પાસે તુરંત જ દબાણ હટાવ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા 15 આસામીઓ પાસેથી રૂપિયા 15 હજાર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 ચા-પાનના ધંધાર્થીઓ પાસેથી રૂપિયા 6 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મનપાની કચેરીની માફક પ્રાઈવેટ સંકુલોમાં પણ કોરોના સામે જાગૃતિ દાખવવા સ્ટીકર લગાવાયા
કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ મોરચે યુદ્ધના ધોરણે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં એક મહત્વપૂર્ણ બાબત છે જનજાગૃતિ. મનપા દ્વારા લોકોને જાગૃત અને સતર્ક કરવા કચેરીમાં પીળા રંગના સ્ટીકર લગાવવામાં આવેલા છે. જેમાં ફેઈસ માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા, સ્વચ્છતા જાળવવા, છીંક કે ઉધરસ આવતી વખતે મોં રૂમાલથી કવર કરવા, પગથીયા ચડતી વખતે રેલિંગને સ્પર્શ ન કરવા, હાથ મિલાવીને અભિવાદન કરવાને બદલે નમસ્તે મુદ્રાનો પ્રયોગ કરવા સહિતના સૂત્રો લખી કોરોના સામેની લડતમાં નાગરિકોને સતર્ક રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

રાજકોટના 18 વોર્ડમાં 692 કોવિડ કો-ઓર્ડીનેટરની નિમણૂક કરાઈ
કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ પગલાંઓ હાથ ધરવામાં આવ્યા છે. શહેરની જુદી જુદી સોસાયટીઓ, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ વગેરેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગનથી ટેમ્પરેચર માપવું, કોઈને તાવ કે શરદી દેખાય તો તરત જ આવશ્યક પગલાં લઇ શકાય તે માટે ત્વરિત જાણકારી મેળવવા શહેરના 18 વોર્ડમાં કુલ 692 કો-ઓર્ડીનેટરોની નિયુક્તિ કરવામાં આવી છે તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વોર્ડ વાઈઝ નિમાયેલા કો-ઓર્ડીનેટરની સંખ્યા
શહેરના વોર્ડ વાઈઝ કો-ઓર્ડીનેટરની નિમણૂક કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં. 1 માંથી 20, વોર્ડ નં. 2 માંથી 37, વોર્ડ નં. 3 માંથી 21, વોર્ડ નં. 4 માંથી 18, વોર્ડ નં. 5માંથી 2, વોર્ડ નં. 6માંથી 47, વોર્ડ નં. 7માંથી 51, વોર્ડ નં. 8માંથી 4, વોર્ડ નં. 9માંથી 56, વોર્ડ નં. 10માંથી 48, વોર્ડ નં. 11માંથી 92, વોર્ડ નં. 12માંથી 73, વોર્ડ નં. 13માંથી 8, વોર્ડ નં. 14માંથી 142, વોર્ડ નં. 15 માંથી 7, વોર્ડ નં. 16માંથી 5, વોર્ડ નં. 17માંથી 19, વોર્ડ નં. 18માંથી 42 એમ શહેરના તમામ 18 વોર્ડમાંથી 692 કો-ઓર્ડીનેટરની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ કો-ઓર્ડીનેટર રાજકોટ મહાનગરપાલિકા અને નાગરિકો વચ્ચે કડીરૂપ ભૂમિકા નિભાવશે. જેથી કોરોના વાયરસના સંક્રમણની ચેઈન તોડવા માટેના પ્રયાસોને વધુ અસરકારક બનાવી શકાય.

રેલવેના મુસાફરોના સ્ક્રિનિંગ અને એન્ટીજન ટેસ્ટિંગ મનપા કરી આપશે
કોરોના વાયરસના ચેપને પ્રસરતો શકય તેટલો અટકાવવાના પ્રયાસોરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં રાજકોટ રેલવે તંત્રને જરૂરિયાત મુજબ મુસાફરોના સ્ક્રીનિંગ અને એન્ટીજન ટેસ્ટ રાજકોટ મહાનગરપાલિકા તરફથી કરી આપવામાં આવશે. આજી અને ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ઉદ્યોગોમાં પણ એન્ટીજન ટેસ્ટ થશે. એરપોર્ટ ઓથોરિટી સાથે રાજકોટ મનપાની બેઠક યોજાઈ હતી. જેમાં પેસેન્જરોના સ્ક્રિનિંગ અને રેન્ડમ એન્ટીજન ટેસ્ટની વ્યવસ્થા મનપા કરશે.