ફૂગનો કહેર:રાજકોટમાં કોરોનાનો રિકવરી રેટ 97.95%એ પહોંચ્યો પણ મ્યુકોરમાઈકોસિસ હજી 10%એ જ અટક્યો છે, આ રોગ અંકુશમાં આવતા 1 મહિનો લાગશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ. - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ.
  • હજી પણ રાજકોટમાં 5થી 7 દર્દી સારવાર માટે આવી રહ્યા છે

રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 19 કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી રોજના સરેરાશ 20ની આસપાસ પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નહિવત થવા તરફ છે. કારણ કે છેલ્લા બે દિવસમાં 3થી 4 કેસ જ રોજના નોંધાય છે. કોરોનાનો રિકવરી રેટ 97.95% નોંધાયો છે. જ્યારે કે મ્યુકોરમાઈકોસિસના હજુ પણ 680 જેટલા દર્દી સારવાર હેઠળ છે અને જેનો રિકવરી રેટ માત્ર 10% નોંધાયો છે. આ રોગને અંકુશમાં આવતા હજુ એક મહિનાથી વધુ સમય લાગે તે વાત નિશ્ચિત છે.

સિવિલ હોસ્પિટલમાં 680 જેટલા દર્દી દાખલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 40થી ઓછા દર્દી સારવાર લઇ રહ્યા છે. પરંતુ તેની સામે 680 જેટલા દર્દીઓ કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસ થતા દાખલ છે. અત્યારસુધીમાં આ મહામારીના કુલ 895 દર્દીઓ માત્ર સિવિલમાં દાખલ થયા હતા અને એટલા જ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયાનો અંદાજ છે. સિવિલમાં માત્ર 82 દર્દીઓ એટલે કે આશરે 10 ટકા જ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

મ્યુકોરકોસિસિના 500થી વધુ દર્દીના ઓપરેશન
મનપાના રિપોર્ટ મુજબ શહેરમાં કોરોનાના કુલ 42543 દર્દીઓ નોંધાયેલા છે જેમાં 41666 ડિસ્ચાર્જ થયા છે. એટલે કે તેઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલમાં આજે પણ મ્યુકોરમાઈકોસિસના 5થી 7 દર્દી સારવાર માટે આવી રહ્યા છે અને આ મહામારી પર અંકુશ આવતા હજુ એક મહિનાથી વધુ સમય લાગી શકે તેમ છે. મ્યુકોરમાઈકોસિસના 500થી વધુ દર્દીના ઓપરેશન થયા છે.

12 કલાકમા રોજની 20 જેટલી સર્જરી કરાઇ છે
મ્યુકોરમાઈકોસિસના 500થી વધુ દર્દીઓની સર્જરી કરી એક નવો જ રેકોર્ડ સિવિલ હોસ્પિટલે સ્થાપ્યો છે. સિવિલની હિસ્ટ્રીમાં આટલા ઓપરેશન આટલા ટૂંકા ગાળામાં ક્યારેય પણ થયા નહીં હોવાનુ ઈ.એન.ટી. સર્જન ડો. સેજલ મિસ્ત્રીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલના ઈ.એન.ટી. વિભાગમાં 5 ઓપરેશન થિએટરમાં સવારના 8.30થી રાત્રિના 8:30 દરમિયાન 12 કલાકમા રોજની 20 જેટલી સર્જરી કરવામાં આવે છે. જેમાં ઈ.એન.ટી. ડોક્ટર્સ ડો. સેજલ, ડો. પરેશ ખાવડુ તેમજ ડો. સંદીપ વાછાણીની આગેવાનીમાં સિનિયર રેસિડન્ટ ડોક્ટર્સ, જરૂર મુજબ આંખના અને દાંતના ડોક્ટર્સ અને ખાસ તો એન્સ્થેટિકની ટીમનો ખૂબ અગત્યનો રોલ હોય છે.

સિવિલ હોસ્પિટલમાં રોજ 20 જેટલા ઓપરેશન કરાય છે.
સિવિલ હોસ્પિટલમાં રોજ 20 જેટલા ઓપરેશન કરાય છે.

મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને હાઈલી સ્કિલફુલ સર્જરી જરૂરી
દર્દીઓની સર્જરી અને ટ્રીટમેન્ટ વિશે જણાવતા ડો. સેજલે કહ્યું હતું કે, મોટેભાગે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ ડાયાબિટીક દર્દીઓ તેમજ પોસ્ટ કોરોના દર્દીઓ હોય તેમની ઇમ્યુનિટી અને બીજા ફેક્ટર ધ્યાનમાં રાખી હાઈલી સ્કિલફુલ સર્જરી કરવી પડે છે. આ સર્જરી નાકમાં દૂરબીન નાખી કરવામાં આવતી હોય છે. સર્જરી દરમિયાન સાયનસના ભાગે ખૂબ સાવચેતી રાખવી પડે છે. જેની સીધી અસર આંખ અને મગજના તાળવે થતી હોય છે. અંદરની ત્વચા ખૂબ જ નાજુક હોય જરા પણ ડેમેજ ન થાય તે રીતે ધીરજપૂર્વક સર્જરી કરવી પડે છે.

માસ્ક રોજેરોજ ધોયેલા પહેરવા તેમજ ભીના માસ્ક ન પહેરવા
ઈ.એન.ટી. સર્જન ડો. સંદીપ વાછાણીએ જણાવ્યું હતું કે, મ્યુકોરમાઈકોસિસ ન થાય તે માટે ખાસ તો માસ્ક પહેરવા, માસ્ક રોજેરોજ ધોયેલા પહેરવા તેમજ ભીના માસ્ક ન પહેરવા. પર્સનલ હાઇજીન અને એન્વાયરમેન્ટ હાઇજીન પર ખાસ ભાર મુક્ત તેઓ જણાવે છે કે, ભેજયુક્ત વાતાવરણથી દૂર રહેવું, શુદ્ધ હવા મળી રહે તે માટે યોગ્ય વેન્ટિલેશન જરૂરી છે. દર્દીને રજા અપાયા બાદ દર્દીને આંખ કે તાળવાની નુકસાની થયે પરિવારજનોનો માનસિક સધિયારો ખુબ જ જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના બાદ મ્યુકોરમાઈકોસીસની સારવાર માટે યુદ્ધના ધોરણે મેન પાવર તેમજ જરૂરી સાધન સહાય પુરી પાડી લાખો રૂપિયાના ખર્ચે થતી નિઃશુલ્ક સારવાર અને સ્વસ્થ ગુજરાતની નેમ સાથે સાચા અર્થમાં સંવેદનશીલ અને નિર્ણાયક સરકાર સાબિત થઈ છે.

હાલ રાજકોટ સિવિલમાં મ્યુકોરમાઈકોસિસના 680 જેટલા દર્દી દાખલ.
હાલ રાજકોટ સિવિલમાં મ્યુકોરમાઈકોસિસના 680 જેટલા દર્દી દાખલ.

ફંગસથી આ રીતે બચી શકાય
કોરોનાની સારવાર દરમિયાન ડોક્ટર્સે આઇસીએમઆરની ગાઇડલાઇન મુજબ દવા અને સ્ટિરોઇડનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઇએ તેમજ દર્દીને જરૂરી હોય તો જ ઓક્સિજન પર રાખવા જોઇએ, ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ શુગર લેવલ કન્ટ્રોલમાં રાખવું જોઇએ. મ્યુકોરમાઈકોસિસ ન થાય તે માટે ખાસ તો માસ્ક પહેરવા, માસ્ક રોજેરોજ ધોયેલા પહેરવા, તેમજ ભીના માસ્ક ન પહેરવા, ભેજયુક્ત વાતાવરણથી દૂર રહેવું, શુદ્ધ હવા મળી રહે તે માટે યોગ્ય વેન્ટિલેશન જરૂરી છે.