કોરોના રાજકોટ LIVE:બીજા દિવસે તમામ નેગેટિવ, 3 દર્દીને રજા આપવામાં આવી, કુલ કેસ 64 કેસ થયા

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજકોટમાં 132 સેમ્પલના તમામ રિપોર્ટ નેગેટિવ, ત્રણ દર્દી સાજા થતા રજા અપાઇ
  • રાજકોટ જિલ્લા કલેક્ટરે એકસાથે શ્રમિકો માટે 9 ટ્રેન બુક કરાવી
  • રાજકોટમાં 132 સેમ્પલમાંથી 93 નેગેટિવ અને 39ના રિપોર્ટ આવવાના બાકી
  • સહકાર સોસાયટીના યુવાનને ડિસ્ચાર્જ કરાયો
  • ગોંડલમાં એસઆરપી જવાન ઘરે ગયા ન હતા પણ તકેદારી માટે સઘન સર્વેલન્સ

રાજકોટમાં શુક્રવાર સાંજની સ્થિતિએ જિલ્લા આરોગ્ય વિભાગે નોંધેલા રિપોર્ટ મુજબ 132 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે તમામ નેગેટિવ આવ્યા છે જ્યારે કોરોનાના 3 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. સહકાર સોસાયટીના યુવાન રવિ અકબરી સહિત જંગલેશ્વરમાં રહેતા યુસુફ મૂંડસ તેમજ અવેશ રાજકોટિયાને સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા હવે રાજકોટમાં કુલ 36 કોરોના પોઝિટિવની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 65 દર્દીઓ નોંધાયા છે જેમાં શહેરના 63 અને ગ્રામ્યના 2 કેસ છે. સમરસ હોસ્ટેલમાં 88 લોકો ફેસેલિટી ક્વોરન્ટાઈન કરાયા છે. અત્યાર સુધીમાં કુલ 3183 સેમ્પલ લેવામાં આવ્યા છે. અમદાવાદથી ફરજ નિભાવીને ગોંડલ પરત આવી રહેલી એસઆરપીની ટુકડી પૈકી એક જવાન કોરોના પોઝિટિવ આવ્યા છે. જો કે આ તમામ ગોંડલમાં ગયા જ ન હતા તેમની આરોગ્ય તપાસ થાય તે માટે બેરેકમાં જ ક્વોરન્ટાઈન કરાયા હતા. આમ છતાં જિલ્લા આરોગ્ય વિભાગે ગોંડલમાં સઘન સર્વેલન્સ શરૂ કરી તકેદારીના પગલાં લીધા છે.
બોટાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ
બોટાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં હોટસ્પોટ વિસ્તાર વોરાવાડમાં 80 વર્ષના વૃદ્ધ અને 4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોટાદના વોરાવાડ વોર્ડ નંબર 9ના 20 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા સાળંગપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા  છે. બોટાદ જિલ્લામાં અત્યાર સધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 51 થઇ છે. જેમાં 11 લોકો સાજા થયા, 2ના મોત અને 36 દર્દી હાલ સાળંગપુર કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભાવનગરમાં વધુ એક કેસ નોંધાતા પોઝિટવ કેસની સંખ્યા 84 થઇ છે. શહેરના આંબાચોક વિસ્તારમાં રહેતા રોશનબેન મહમદઅલી લાખાણી (ઉ.વ.62)ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ભાવનગરમાં આજે વધુ ચાર દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો છે. જેમાં રોલીંગ મિલના માલિક કુમાર વોરોએ કોરોના પર જીત મેળવી છે. ચારેય દર્દીને રજા આપવામાં આવી છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. રાજકોટમાં 132 સેમ્પલના તમામ રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. તેમજ ત્રણ દર્દી સાજા થતા રજા આપવામાં આવી હતી.

ભાવનગરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને દવાની સાથોસાથ તેના મનમાંથી ભય કાઢી હિંમત આપી ખુશ રાખવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે

ભાવનગરમાં 84 કેસ નોંધાયા છે. જેમાંથી 6ના મોત થયા અને 29ને ડિસ્ચાર્જ રજા આપવામાં આવી છે. જ્યારે 49 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. આ બાબતે ભાવનગર સર.ટી હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર હાર્દિકભાઈ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારીને પહોંચી વળવા માટે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરને આઇસોલેશન બિલ્ડીંગમાં પરિવર્તન કરીને ટ્રોમાં સેન્ટરમાં તમામ સગવડતા સાથે 70 બેડ તેમજ નવ નિર્મિત કેન્સર હોસ્પિટલમાં પણ 70 બેડ તમામ સગવડો સાથે ટોટલ 140 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે  અને હાર્દિકભાઈએ કહ્યું કે હોસ્પિટલના તમામ ડોકટરો, લેબના તમામ ડોક્ટરો સહિત તમામ સ્ટાફ રાત દિવસ જોયા વગર કોરોનાના દર્દીઓ કેમ સાજા થાય તે માટે મહેનત કરી રહ્યાં છે . કોરોનાના દર્દીઓ માનસિક રીતે થોડા ભય અનુભવતા હોય ત્યારે આઈસોલેશનમાં ફરજ બજાવતા ડોકટરો અને સ્ટાફ દવાની સાથોસાથ દર્દીના મન મગજ પરથી ભય દૂર થાય તે પ્રકારની વાતચીત કરી તેને ખુશ રાખવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. જેથી દર્દીની તબિયતમાં ઝડપી દવાની અસર  થાય છે તેવું અમે અનુભવી રહ્યાં છીએ.

આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી

રાજકોટના આરોગ્ય કેન્દ્રની બેદરકારી બહાર આવી છે. જેમાં ભગવતીપરામાં રહેતા મહેશ મહિપાલ નામનો વ્યક્તિ અમદાવાદ દર્દીને મુકીને પરત ફર્યો હતો. બાદમાં તેને આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરન્ટીન કરાયો હતો. તેને બહાર જવા મંજૂરી આપી હતી. રાશન મેળવવા માટે ક્વોરન્ટીન વ્યક્તિને મંજૂરી આપી હતી. તંત્ર દ્વારા જ નિયમ ભંગ કરાવ્યો છે. હોમ ક્વોરન્ટીન થયેલી વ્યક્તિને આરોગ્ય કેન્દ્ર બોલાવી મંજૂરી પંત્ર લખાવી આપ્યો હતો. લેટરમાં ખુદ આરોગ્ય કેન્દ્ર દ્વારા હોમ ક્વોરન્ટીન થયેલ છે. રાશન પહેલા આપવા વિનંતી કરવામાં આવી હતી. હોમ ક્વોરન્ટીન વ્યક્તિ નિયમ અનુસાર બહાર ન નીકળી શકે.

ગોંડલમાં પાન, બીડીની હોલસેલની દુકાનના તાળા તૂટ્યા 

ગોંડલમાં જેતપુર રોડ પર ત્રણ ખુણીયે આવેલી પાન, બીડીની હોલસેલની દુકાનના તાળા તૂટ્યા છે. રૈયારાજ સેલ્સ એજન્સી નામની દુકાનના તાળા તૂટ્યા છે. દુકાનમાંથી બીડી, તમાકુ, સોપારી સહિતની ચોરી થઇ છે. દુકાનના તાળા તૂટતા એલસીબી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

જંક્શનમાં માલગાડી નીચે કૂદી યુપીના યુવાનનો આપઘાત

રાજકોટના જંકશન રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-3 પાસે એક યુવાને માલગાડી હેઠળ પડતું મુકી જિંદગી ટૂંકાવી લીધી હતી. રેલવે પોલીસની તપાસમાં મૃતક પાસેથી આધારકાર્ડ મળ્યું છે. જેમાં રામાશ્રય શિવરતન (ઉ.વ.34-રહે.ગોધના થાના ઘોસી, તહેસીલ ઘોસી જી. મઉ-યુ.પી.) લખેલુ છે. આ આધારકાર્ડની વિગતોયુ.પી. પોલીસને મોકલવામાં આવી છે. મૃતક પાસેથી દરજીનું એક વિઝિટીંગ કાર્ડ પણ મળ્યું હતું. રેલવે પોલીસે દરજી પાસે જઇને પણ તપાસ કરી હતી. પરંતુ મૃતક રાજકોટમાં ક્યાં રહેતો હતો અને કોની સાથે રહેતો હતો તેની વિગતો મળી નથી. આપઘાતનું કારણ પણ બહાર આવ્યું નથી..

પોલીસ કમિશનરનું જાહેરનામું

પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં  કોઈ પણ સંજોગોમાં સાંજે 7 પછી બહાર નિકળશો તો સખ્ત કાર્યવાહી થશે.  આજી નદી પર આવતા પુલો બંધ કરાયા છે. ફક્ત કેસરી હિંદ પુલ ચાલુ રહેશે. મહિલા કોલેજ બ્રિજ સિવાયના તમામ ગરનાળા, બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. 150 ફૂટ રિંગ રોડ પર માત્ર ઈમરજન્સી માટે બીઆરટીએસ રૂટ ચાલુ રખાશે. બાકી સંપૂર્ણ રોડ પર અવરોધો ઉભા કરીને રોડ બંધ કરવામાં આવ્યા છે. અનેક રસ્તા અને પુલ બંધ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

રાજકોટમાં અમદાવાદથી રાજકોટ કોઇ પણ પ્રકારની મંજૂરી લીધા વગર પહોંચી જનાર સ્નેહલ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી પોલીસે સ્નેહલ મહેતા, તેની પત્ની નીલમબેવ અને શૈલેષ શાહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.  સ્નેહલ મહેતા અમદાવાદ તેના સસરાના ઘરેથી રાજકોટ આવ્યા હતા. ચાર મેના રોજ સવારે 10.30 વાગે રાજકોટ આવ્યા હતા.

પત્ની 8 મહિનાથી પ્રેગનન્ટ, પાસ માટે સાઈટ ખૂલી નહીં નાછૂટકે નીકળ્યા
‘મારી પત્નીનું પિયર અમદાવાદમાં છે. તે ગર્ભવતી હતી અને ત્યાં રોકાઈ હતી તેના પરિવારમાં માત્ર તેના પિતા એટલે કે મારા સસરા જ છે બીજુ કોઇ નહીં એટલે હું તેને તેડવા ગયો હતો અને બીજા જ દિવસે લોકડાઉન થતા ત્યાં ફસાઈ ગયો હતો. તેની દવા રાજકોટમાં ચાલે છે અને બે મહિનાથી ત્યાં કોઇ દવા મળતી ન હતી. 8મો મહિનો ચાલતો હતો અને તેની હાલત બગડતી મને લાગી ત્યાં બધા દવાખાના બંધ હતા. મંજૂરી માટે સતત ઓનલાઈન ટ્રાય કરી પણ સાઈટ ખૂલતી જ ન હતી. નાછૂટકે પરિવારની ચિંતામાં મારે ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. ગ્રીનલેન્ડ ચોકડીએ ચેક કરીને સિક્કા મારી હોમ ક્વોરન્ટીન રહેવા કીધું હતું. ઘેર ગયા તો લોકોએ રહેવા ન દીધા એટલે ફાર્મહાઉસ રહેવા ગયા. જ્યાં તબિયત બગડતા હોસ્પિટલ પહોંચ્યા હતા. રિપોર્ટ પોઝિટિવ આવતા હું હોસ્પિટલમાં છું જ્યારે પરિવાર હોસ્ટેલમાં છે’ - સ્નેહલ મહેતા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને  767 વિદ્યાર્થીઓની નોંધણી મળી

કોરોના વઇયરસ સામે વોરીયર  બનીને ગુજરાતની જનતા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે તેમને બિરદાવવા પોતાની સંવેદનાને અને ચિત્ર, નિબંધ, અને કાવ્ય સ્વરૂપે યુવાનો આ ઉત્કૃષ્ટ કાર્યમાં જોડાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ગુગલ ફોર્મ દ્વારા ઈ-મેઈલથી ભાગ લીધો છે.સ્પર્ધાનુ નામ ગુગલ ફોર્મ  તથા ઇમેઇલ દ્વારા ચિત્ર સ્પર્ધામાં  કુલ 330, નિબંધ સ્પર્ધામાં કુલ 204 અને કાવ્ય સ્પર્ધામાં કુલ 233 મળીને કુલ 767 વિદ્યાર્થીઓની નોંધણી યુનિવર્સિટીને પ્રાપ્ત થઇ છે. 

રાજકોટ જિલ્લા કલેક્ટરે એકસાથે શ્રમિકો માટે 9 ટ્રેન બુક કરાવી

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને એક સાથે 9 ટ્રન બુક કરાવી છે. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર સુધી શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવશે. આગામી 5 દિવસમાં અલગ અલગ 9 ટ્રેનો જશે. મધ્યપ્રદેશ તરફ 3 ટ્રેન, ઉત્તરપ્રદેશ તરફ 5 ટ્રેન અને બિહાર તરફ એક ટ્રેન મોકલવામાં આવશે.

વાલીઓ પાસે ફિ ઉઘરાવતી RKC શાળાને નોટિસ પાઠવી

એક તરફ લોકડાઉન છે બીજી તરફ લોકોના ધંધા રોજગાર પણ બંધ છે. આવા સમયે કેટલાક શાળા સંચાલકો ભાન ભૂલી અને વાલીઓ પાસે ફીની માંગ કરી રહ્યા છે. રાજકોટની મોદી સ્કૂલ બાદ RKC સ્કૂલ દ્વારા પણ વાલીઓ પાસે ફીની માંગ કરતી હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને મળતા નોટિસ પાઠવી પરિસ્થિતિ રાબેતા મુજબ ન થાય ત્યાં સુધી કોઇ પાસે ફી ન માંગવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ ખાનગી શાળા સંચાલકના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે, રાજકોટની બે ખાનગી શાળા ફી માટે વાલીને ફોર્સ કરતી હોવાની ફરિયાદ મળતા સંચાલક મંડળે નોટિસ પાઠવી છે. સાથોસાથ જ્યાં સુધી પરિસ્થિતિ નોર્મલ ન થાય ત્યાં સુધી ફી ન લેવા નિર્ણય કર્યો છે. ઉપરાંત હાલમાં વેકેશનનો સમય હોવાથી JEE અને NEET સિવાય કોઈ પણ શાળાએ ઓનલાઈન ક્લાસીસ પણ ન ચલાવવા સૂચના આપવામાં આવી છે.

ભાવનગરમાં રોલીંગ મિલના માલિક સહિત 4 લોકોએ કોરોનાને પરાસ્ત કર્યો

ભાવનગરમાં વઘુ ચાર કોરોનાગ્રસ્ત દર્દીઓના બંને રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. ટોટલ 29 દર્દીઓ રોગ મુક્ત થયા છે. ભાવનગરના કાજીવાડ ગજ્જરનો ચોક નજીક રહેતા અરબાઝ ઇદરીશભાઇ કુરેશી (ઉં.વ. 22)ને તા. 18 એપ્રિલના રોજ પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો. ગીતાચોક પ્રભા વિલામાં રહેતા કુમારભાઇ રસિકભાઇ વોરા (ઉં.વ 42)ને  તા. 24 એપ્રિલે પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો. સંઘેડીયા બજાર મોચી શેરીમાં રહેતા રૂક્ષાનાબેન મુખ્તારભાઇ શેખ (ઉં.વ 45)ને  તા.24 એપ્રિલે પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો અને સિહોરના જલુના ચોકમાં રહેતા યાસીનભાઇ હનીફભાઇ દસાડિયા (ઉં.વ 22)ને  તા.26 એપ્રિલના રોજ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.  આ ચારેય કોરોનાગ્રસ્ત દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. સઘન સારવાર બાદ ચારેયના બંને રિપોર્ટ નેગેટિવ આવતા આજે રજા આપવામાં આવી છે.  ભાવનગરમાં 84 કેસ નોંધાયા છે. જેમાંથી 6ના મોત,  29 દર્દીઓ રોગમુક્ત થતા રજા આપવામાં આવી છે અને 49 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

ધોરાજીના ધારાસભ્યએ સુરતથી વતન આવવા લોકો માટે ફોન નંબર જાહેર કર્યા 

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ સુરતથી વતન કામ માટે આવવા ઇચ્છતા લોકો માટે પોતાના અને પોતાની ટીમના મોબાઇલ નંબર સોશિયલ મીડિયા પર જાહેર કર્યા છે.  અમે આપની મદદ માટે આપની વચ્ચે જ છીએ તેવું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યું છે. 

જામનગરના ચાર તબીબનોને અમદાવાદમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ

જામનગરથી અમદાવાદ ફરજ પર ગયેલા વધુ બે તબીબને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અગાઉ બે તબીબને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી કુલ ચાર તબીબો કોરોનાની ચપેટમાં આવ્યા છે. હાલ ચારેયની સારવાર અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ચાલી રહી છે., 

(ભરત વ્યાસ, ભાવનગર/હસિત પોપટ, જામનગર)

અન્ય સમાચારો પણ છે...