કોરોના રાજકોટ LIVE:પેટ્રોલ પંપ એસોસિએશનનો નિર્ણયઃ સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી આવશ્યક સેવાના વાહનો સિવાય પેટ્રોલ નહીં પૂરે

રાજકોટ2 વર્ષ પહેલા
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ભાવનગરમાં વધુ પાંચ કેસ નોંધાતા પોઝિટિવ કેસની સંખ્યા 81 થઇ છે

લોકડાઉનના ચુસ્ત અમલ માટે રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે સાંજના 7 વાગ્યાથી સવારે 7 વાગ્યાથી આવશ્યક વાહનો સિવાય કોઇને પેટ્રોલ પૂરી આપવામાં આવશે નહીં. ભાવનગરમાં મોડી રાત્રે વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરના ગીતા ચોકમાં રહેતા અને સિહોર નજીક રોલીંગ મિલ ધરાવતા કુમાર વોરાનો થોડા દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેના પરિવારજનોને સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયા હતા. જેમાં ત્રણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કોરોના પોઝિટિવ કેસમાં આનંદ નિલેશ વોરા (ઉ.વ.18), આંગી કુમાર વોરા (ઉ.વ.13) અને આગમ નિલેશ વોરા (ઉ.વ.18)નો સમાવેશ થાય છે. જ્યારે પાલીતાણમાં પહેલીવાર દંપતીને પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં ચંદુભાઇ નરોત્તમભાઇ સોરઢીયા (ઉ.વ.65) અને ભાદાબેન ચંદુભાઇ સોરઢીયા (ઉ.વ.58)નો સમાવેશ થાય છે. આ દંપતીને આરોગ્ય સર્વેલન્સ ટીમ દ્વારા કોરોના શંકાસ્પદ જણાતા તેમના સેમ્પલ લીધા હતા. પરંતુ બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાત્રે જ બંનેને 108 મારફત ભાવનગર સર ટી. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમા ખસેડવામાં આવ્યા છે. ભાવનગરમાં બપોર બાદ વધુ એક કેસ પોઝિટિવ આવતા કુલ સંખ્યા 82 થઇ છે. બોટાદના વોરાવાડમાં રહેતી 23 વર્ષની મહિલા, 30 વર્ષનો પુરૂષ, 15 વર્ષની બાળકી અને 23 વર્ષની મહિલા તેમજ બોટાદના તુરખા ગામેથી 55 વર્ષીય મહિલા, 45 વર્ષની મહિલા અને 9 વર્ષની બાળકી મળીને સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. બોટાદ જિલ્લામાં કુલ 48 કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત અને  7 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. 40 દર્દી સાળંગપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજકોટમાં સાંજના 7થી સવારના 7 સુધી મેડિકલ સિવાય કોઇ પણ દુકાનો ખોલવા પર પ્રતિબંધ

દેશમાં વધુ બે અઠવાડિયા સુધી લોકડાઉન-3 જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સાંજના 7થી સવારના 7 વાગ્યા સુધી દુકાનો ખોલવા તથા ખૂબ જ અગત્યના કામકાજ સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સમયગાળ દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખોલી શકાશે નહીં. માત્ર મેડિકલ સ્ટોરને છૂટ આપવામાં આવી છે. આ સમય દરમિયાન કોઇએ દુકાનો ખોલવી નહીં અને બહાર નીકળવું નહીં. ખૂબ જ અગત્યના કામકાજ સિવાય બહાર નીકળશે તેની વિરૂદ્ધ 7 મેના રોજથી રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બાબરાના ઇંગોરાળામાંથી 100થી 200 પરપ્રાંતીયો પગપાળા વતન જવા નીકળ્યા 

બાબરા તાલુકાના ઇંગોરાળા ગામના 100થી 200 પરપ્રાંતીય મજૂરો પગપાળા પોતાના વતન જવા નીકળી પડ્યા હતા. આઠ દિવસથી તંત્રએ મજૂરોનું લિસ્ટ મગાવી લીધું હતું. પરંતુ બાદમાં તંત્રએ કોઇ જવાબ આપ્યો નહોતો. આખરે તમામ મજૂરો પોતાના વતન તરફ નાના બાળકો સાથે આકરા તાપમાં પગપાળા જવા નકળી પડ્યા હતા. ગામના સરપંચ દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી. આખરે પોલીસ પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને તમામને પરત મોકલ્યા હતા. થોડા દિવસમાં બસની વ્યવસ્થા કરી આપવાનું તંત્રએ જણાવ્યું હતું.

ભાવનગરના ગંગાજળીયા તળાવ નજીક આવેલી મુખ્ય શાક માર્કેટ જવાહર મેદાનમાં શરૂ કરવામાં આવી 

ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ જવાહર મેદાનમાં વેપારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે પ્રમાણે માર્કીગ કરી વેપારીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.  આજે સવારથી જવાહર મેદાન ખાતે શાક માર્કેટ શરૂ થઈ ગઈ હતી અને લોકો શાકભાજી, ફ્રૂટ સહિતની ખરીદી કરવા માટે આવવા લાગ્યા હતા. પરંતું લોકો અને વેપારીઓ પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા હોય તેવું નીહાળવા મળ્યું હતું. જવાહર મેદાન ખાતે પોલીસ અને તેમના વાહનમાં લાગાવેલા લાઉડ સ્પીકર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સતત સુચનાઓ આપવામાં આવી રહી હતી. પરંતું કોરોનાને આમંત્રણ આપવા સમાન લોકો અને વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરી રહ્યાં હતા. પોલીસની અનેકવારની સૂચના છતાં અમલ નહીં થતાં એક વેપારી સામે 188 હેઠળ કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાએ જવાહર મેદાનમાં માત્ર માર્કીગ કરી હાથ ખંખેરી નાખ્યા હતા. વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે પ્રમાણે આડશ કે રેલીંગ ઉભી કરવી જોઈએ તે કરી નથી. વેપારીઓ અને ગ્રાહકોને આકરા તાપમાં રક્ષણ મળી રહે તેવું  કંઈ કર્યું નથી. પીવાના પાણી સહિતની અન્ય કોઈ પણ સગવડતા ઉભી કર્યા વગર શાકમાર્કેટ શરૂ કરી દેવામાં આવતા વેપારીઓ અને ગ્રાહકોમાં નારાજગીનો સૂર વ્યક્ત કરી રહ્યાં હતા.

અન્ય જિલ્લાના 1302 લોકો રાજકોટમાં આવ્યા 

અન્ય જિલ્લામાંથી રાજકોટમાં 1302 લોકો આવ્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 225 વ્યક્તિએ અન્ય જિલ્લામાંથી પ્રવેશ મેળવતા તેમના વાહનોની ચાવી ગ્રામ પંચાયતે જમા લીધી છે. 14 દિવસ સુધી તમામ લોકોને ઘરમાં જ રહેવા રાજકોટ ડીડીઓ અનિલ રાણાવસીયાએ અપીલ કરી છે. રાજકોટ જિલ્લામાં પ્રવેશતા કુલ 30 પોઇન્ટ પર મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે.

5 રેનબસેરામાં 160 લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના અટકાયતીના પગલારૂપે સઘન આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે માનવીય અભિગમ અપનાવી, 5 મેના રોજ રેનબસેરામાં રહેતા 160 લોકોની મેડીકલ ચેકઅપની કામગીરી કરાવી હતી. સાથોસાથ કોરોના સામે રક્ષણ મેળવવા માટે દરેકને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પ્રાથમિક આરોગ્ય ચકાસણી મોબાઈલ ડિસ્પેન્સરી મારફત કરવામાં આવી હતી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના ભોમેશ્વર સોસાયટી રેનબસેરા, બેડીનાકા રેનબસેરા, મરચાપીઠ રેનબસેરા, રામનગર રેનબસેરા, આજીડેમ ચોકડી રેનબસેરા એમ પાંચ રેનબસેરામાંથી 160 લોકોનું મેડિકલ ચેકઅપ તથા થર્મલ સ્ક્રીનીંગ કર્યું હતું. આ કામગીરી આરોગ્ય આરોગ્ય વિભાગની પાંચ ટીમ તથા પ્રોજેક્ટ શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.160 વ્યક્તિના પ્રાથમિક ચકાસણી કરતા 41 લોકોને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી. 

પરપ્રાંતીયો માટે પોલીસે વોટ્સઅપ નંબર જાહેર કર્યા

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી જેસીપી ખુરશીદ એહમદ તેમજ ડીસીપી રવિ મોહન સૈની તથા એસીપી એચએલ રાઠોડની સૂચનાથી થોરાળા પોલીસ સ્ટેશન દ્રારા પરપ્રાંતીય મજદૂરોના નામ, ક્યાં રહે છે,અને ક્યાં જવા માંગે છે તે તમામ માહિતી માટે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. જેમાં બધી જ માહિતીની એન્ટ્રી કરી શકાશે. જેથી પરપ્રાંતીય મજૂરોને પોતાની માહિતી આપવા લાઈનોમાં ઉભું ના રહેવું પડે અને તેમના વતન જવામાં સરળતા થઈ શકે. તમામ પરપ્રાંતીય મજૂરોને જ્યાં સુધી પોલીસ સ્ટેશનથી ફોન આવે નહીં ત્યાં સુધી તેઓએ આવવાનું નથી. જ્યારે પોલીસ સ્ટેશન ઉપરથી ફોન આવે ત્યારે જ જણાવેલી જગ્યાએ સમયસર પહોંચવાનું રહેશે. જેનું રજીસ્ટ્રેશન થયેલું હશે અને ફોન આવેલ હશે તેમને જ બોલાવેલી જગ્યાએ જવાનું રહેશે અને તમામને પોતાના વતન મોકલવાની તૈયારી શરૂ હોય કોઇએ વતનમાં જવાની ખોટી ઉતાવળ કરવી નહીં.

કારખાનેદારો એકત્ર થઇ યુનિટ શરૂ કરવા માંગ કરી 

રાજકોટના કોઠારીયા વિસ્તારમાં કારખાનેદારો પોતાના યુનિટ શરૂ કરવાની માંગ સાથે ભેગા થયા હતા.જંગલેશ્વર વિસ્તારથી દૂર હોવા છતાં મંજૂરી મળતી નથી. શ્રમિકોને સમયસર પગાર ચુકવવામાં આવે છે. તમામ કારખાનેદાર દ્વારા  કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા છતાં ધ્યાન નથી આપવામાં આવતું તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તંત્ર ધ્યાન નથી આપતું ન હોવાના પણ આક્ષેપો કર્યા હતા.

(ભરત વ્યાસ, ભાવનગર)

અન્ય સમાચારો પણ છે...