રાજકોટ:કોરોના પોઝિટિવ વૃદ્ધાને બચાવવા બેંગ્લોર મંગાવેલું 37 હજારનું ઇન્જેક્શન આપ્યાની 15 મિનિટ બાદ દમ તોડી દીધો, મૃતદેહ 6 કલાક સિવિલમાં રહ્યો

રાજકોટ2 વર્ષ પહેલા
વૃદ્ધાનો મૃતદેહ 6 કલાક સિવિલમાં રહ્યો અને તેને બચાવવા માટે બેંગ્લોરથી 37 હજારનું ઇન્જેક્શન મંગાવ્યું હતું તેની તસવીર
  • નવ દિવસ પહેલા વૃદ્ધાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, તબીયત લથડતા બે દિવસથી વેન્ટિલેટર પર હતા

રાજકોટમાં 59 કોરોના કેસ નોંધાયા છે. પરંતુ ગઇકાલે પહેલું મોત થયું હતું. 65 વર્ષના વૃદ્ધા મોમીનાબેન ઝીકરભાઇને 9 દિવસ પહેલા કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું મોત થયું હતું. બે દિવસથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગઇકાલે વૃદ્ધાને બચાવવા માટે બેંગ્લોરથી 37 હજારનું 10 એમએલનું ટોસીલીઝુમાબ એક્ટેંમર નામનું ઇન્જેક્શન મગાવ્યું હતું. ઇન્જેક્શન આવ્યા બાદ આઇવી ફ્લૂઇડ એટલે કે બાટલા વડે તેમના શરીરમાં અપાયું હતું. ઇન્જેક્શન શરીરમાં અસર શરૂ કરે ત્યાં 15 મિનિટ બાદ વૃદ્ધાએ દમ તોડી દીધો હતો. વૃદ્ધાના મોત બાદ તેનો મૃતદેહ 6 કલાક સુધી સિવિલ હોસ્પિટલમાં પડી રહ્યો હતો. બાદમાં મોડી રાત્રે તેની દફનવિધિ કરવામાં આવી હતી.

મોત બાદ પ્રોસીઝરમાં વાર લાગે એટલે મૃતદેહ સિવિલમાં હતો: સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ડ ડો. મનિશ મહેતાએ જણાવ્યું હતું કે, મોમીનાબેનનો સિવિલ હોસ્પિટલમાં 6 કલાક સુધી રઝળ્યો એવું નથી. મૃત્યુ પછી થતી પ્રોસીઝરમાં વાર લાગે. કારણ કે તેના સગા સંબંધીઓ દફનવિધિ ક્યા કરવી તે નક્કી કરે પછી આગળની કાર્યવાહી થતી હોય છે. તેમજ તેમના બે દીકરા પણ પોઝિટિવ છે તો તેને પણ દૂરથી મોઢુ બતાવ્યું હતું. આથી નિયમ મુજબ કાર્યવાહી થતી હોય તે કરવી પડે છે. જેને કારણે મૃતદેહને સિવિલમાં રાખવામાં આવ્યો હતો. 

બે પુત્રોને પણ પોઝિટિવ, માતાને છેલ્લીવાર જોઇ શક્યા

મોમીનાબેન અને તેમના પતિ ઝીકરભાઇ એકસાથે કોરોના પોઝિટિવ આવ્યા હતા. આથી તેમના પરિવારને સમરસ હોસ્ટેલમાં ફેસિલીટી ક્વોરન્ટીન કરાયા હતા. જો કે મોમીનાબેનના બે પુત્ર ફારૂક અને મહેબૂબનો બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ દરમિયાન જ મોમીનાબેનની હાલત ગંભીર બની હતી અને ગુરૂવારે બપોરે બંને પુત્ર માતાને મળવા દેવાયા હતા. બંને પુત્રો માતાને મળી પોતાના વોર્ડમાં જતા રહ્યા હતા. ગઇકાલે માતાનું મોત થતા બંને પુત્રોને છેલ્લીવાર દૂરથી મોઢુ બતાવવામાં આવ્યું હતું. જ્યારે પુત્રીએ માતાનું છેલ્લીવાર મોઢુ જોવા માટે વલખા માર્યા હતા. પરંતુ ખાસ બેગમાં મૃતદેહને પેક કરવામાં આવ્યો હતો.   બાદમાં મોડીરાત્રે ભાવનગર રોડ પર આવેલા કબ્રસ્તાનમાં વૃદ્ધાની દફનવિધિ કરવામાં આવી હતી.  

અન્ય સમાચારો પણ છે...