ભાવનગર:મનપાના નામે બોગસ રિસીપ્ટ આપી હોમ આઈસોલેશનમાં રહેલા કોરોના દર્દી પાસેથી અજાણી વ્યક્તિએ રૂ. 4900 પડાવી લીધા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોહનભાઈ નામના દર્દીને આપેલી પહોંચમાં પહોંચ નં. 2776 છપાયેલો હતો
  • આ કૌભાંડમાં કોર્પોરેશનની અંદરની વ્યક્તિની સંડોવણી છે કે બહારની તે તપાસ બાદ બહાર આવશે

ભાવનગરમાં કોરોનાની મહામારીના સમયમાં માનવી માનવતા છોડીને રૂપિયા કમાય લેવાની વૃત્તિઓએ જોર પકડ્યું છે. થોડા દિવસ પૂર્વે કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ પરથી સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ સહિતની ચોરીઓ સર.ટી હોસ્પિટલમાં થઈ હતી. હજુ તેનો આરોપી ઝડપાયો નથી ત્યાં મહાનગરપાલિકાની બોગસ પહોંચ આપી હોમ આઇસોલેશનમાં રહેલા દર્દી પાસેથી રૂપિયા પડાવી લીધા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મહાનગરપાલિકના નામે બોગસ રિસીપ્ટ આપી અજાણી વ્યક્તિએ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દી પાસેથી 4900 રૂપિયા પડાવી લીધા હતા.

14 દિવસના ખર્ચના રૂ.4900
સુભાષનગર ભોળાનાથ સોસાયટીમાં રહેતા રોહનભાઈ વિજયભાઈ જોષીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. સરકાર દ્વારા હોમ આઇસોલેશનમાં રહેલા દર્દી પાસેથી રૂપિયા લેવામાં આવતા નથી. ત્યારે રોહનભાઈ જોષીને અજાણી વ્યક્તિએ હોમ આઈસોલેશનના 14 દિવસના ખર્ચના રૂ.4900 ભાવનગર મહાનગરપાલિકાની પહોંચ આપી વસુલી લીધા છે. આ કૌભાંડની વાત બહાર આવતા ખળભળાટ થયો છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહાનગરપાલિકાની બોગસ પહોંચ છપાવી આ પ્રકારે બીજા કેટલા લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હશે તે તપાસમાં બહાર આવશે. પરંતું રોહનભાઈને આપેલી પહોંચમાં પહોંચ નં. 2776 છપાયેલો છે તે મહત્વની બાબત છે. આ કૌભાંડમાં કોર્પોરેશનની અંદરની વ્યક્તિની સંડોવણી છે કે બહારની તે તપાસ બાદ બહાર આવશે.

(ભરત વ્યાસ, ભાવનગર)