• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Corona Made Paper Style Easier, Objective Questions Of 24 Marks Out Of 80 In Standard 10 While MCQ Of 20 Marks Out Of 100 In Standard 12, Short Questions Of 10 Marks.

ભાસ્કર બ્રેકિંગ:કોરોનાને કારણે પેપર સ્ટાઈલ સરળ કરી, ધોરણ 10માં 80માંથી 24 માર્કના હેતુલક્ષી પ્રશ્નો; ધોરણ 12માં 100માંથી 20 ગુણના MCQ, 10 માર્કના ટૂંકા પ્રશ્નો

રાજકોટ6 મહિનો પહેલાલેખક: નિહિર પટેલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બોર્ડના વિદ્યાર્થીઓને રાહતનો ડોઝ - કેવા-કેટલા ગુણના પ્રશ્નો પૂછાશે વાંચો સૌથી પહેલા દિવ્ય ભાસ્કરમાં
  • કોરોના મહામારીના બે વર્ષ બાદ પ્રથમ વખત ઓફલાઈન લેવાતી બોર્ડની પરીક્ષામાં પેપર સ્ટાઈલ સરળ કરાઈ
  • ધોરણ10 અને 12 બંનેમાં વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શન અપાશે
  • સરળ કરેલી પેપર સ્ટાઈલથી આ વર્ષે બોર્ડનું પરિણામ પણ ઊંચું આવવાનો આશાવાદ

કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા ઓફલાઈન લેવાઈ રહી છે ત્યારે કોવિડ-19ની સ્થિતિને લીધે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ગંભીર અસર પડી છે. આ વર્ષે શિક્ષણ બોર્ડે બંને પરીક્ષાની પેપર સ્ટાઈલમાં ફેરફાર કરી સરળ બનાવી છે.

શિક્ષણ બોર્ડે બદલેલી પેપર સ્ટાઈલ કેવી છે, પ્રશ્નો કેવા અને કેટલા માર્કના પૂછાશે તેની માહિતી રાજ્યભરના બોર્ડના વિદ્યાર્થીઓને મળી શકે અને તેઓ સરળતાથી પેપર સ્ટાઈલ સમજીને પરીક્ષા આપી શકે તે માટે ‘‘દિવ્ય ભાસ્કરે’ નિષ્ણાતો દ્વારા પેપર સ્ટાઈલ વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વર્ષે બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઈલ સરળ બનાવાઈ છે, જેમાં ધો.10માં 80માંથી 24 માર્કના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે અને ધો.12માં 100માંથી 20 ગુણના એમસીક્યુ તથા 10 માર્કના ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવશે.

ધો.10 અને 12ના સમગ્ર પેપરમાં જનરલ ઓપ્શન આપી વિદ્યાર્થીઓની ચિંતા હળવી કરાશે. નિષ્ણાતોના મતે, નવી પેપર સ્ટાઈલ એકદમ સરળ હોવાને કારણે આ વર્ષે બોર્ડની પરીક્ષાના પરિણામ પર પણ તેની અસર દેખાશે અને રિઝલ્ટ પણ ઊંચું આવશે. આગામી 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન ધો. 10ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે, જ્યારે ધો.12ની પરીક્ષાઓ 4થી 12 એપ્રિલ દરમિયાન યોજાશે.

એક્સપર્ટ પાસેથી આવી રીતે સમજો ક્યાં સેક્શનમાં પ્રશ્નો કેવા અને કેટલા માર્કના પૂછાશે
- નિલેશ સેંજલિયા, શિક્ષણવિદ્

ધોરણ 10 - 24 માર્કના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, જેથી વિદ્યાર્થીઓને પાસ થવામાં સરળતા રહેશે
સેક્શન-A : ધો. 10માં અત્યાર સુધી સેક્શન-A માં હેતુલક્ષીના 16 માર્કસના 16 પ્રશ્ન પૂછાતા, તેમાં ચાલુ વર્ષે 24 માર્કસના 24 પ્રશ્ન પૂછવામાં આવશે, જેથી વિદ્યાર્થીને પાસ થવામાં સરળતા રહેશે.
સેક્શન-B : અત્યાર સુધી 10 પ્રશ્ન ઈન્ટરનલ ઓપ્શન સાથે પૂછાતાં તેમાં ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને 13 પ્રશ્ન પૂછાશે તેમાંથી કોઈપણ 9 પ્રશ્નના જવાબ આપવાના રહેશે. કોઈપણ 4 પ્રશ્ન વિદ્યાર્થીઓ છોડી શકશે.
સેક્શન -C : 24 માર્કસના ફરજિયાત પ્રશ્નો પૂછાતા હતા. આ વર્ષે 18 માર્કસના કુલ 9 પ્રશ્ન પૂછાશે જેમાંથી કોઈપણ 6 પ્રશ્નના જવાબ આપવાના થશે. તેમાં કોઈ પણ ત્રણ પ્રશ્ન છોડી શકાશે.
સેક્શન D : ગયા વર્ષે 20 માર્કસના પ્રશ્નો પૂછાતા હતા. આ વર્ષે પણ 20 માર્કના જ પૂછાશે. ગત વર્ષે 5 પ્રશ્નના જવાબ ફરજિયાત આપવાના થતા હતા. જ્યારે આ વર્ષે 8 પ્રશ્નમાંથી કોઈપણ 5 પ્રશ્નના જવાબ આપવાના થશે અને ત્રણ પ્રશ્ન છોડી શકાશે.

ધોરણ 12 કોમર્સ - સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થી હિતને ધ્યાને રાખીને 30% પ્રશ્નો ઓબ્જેક્ટિવ પૂછાશે
સેક્શન A : મુખ્ય વિષયમાં અત્યાર સુધી 10 પ્રશ્ન MCQ (બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો) પૂછાતા. તેમાં ચાલુ વર્ષે 100% નો વધારો કરી 20 પ્રશ્ન MCQ પૂછાશે. જેથી વિદ્યાર્થી સરળતાથી તેમાં વધુ માર્કસ મેળવી શકશે.
સેક્શન-B : 10 પ્રશ્ન અતિ ટૂંકા પ્રકારના પૂછાતા, તે પણ ચાલુ વર્ષે જેમના તેમ ચાલુ રાખ્યા છે જેથી ઉપરોક્ત 30% પ્રશ્નો હેતુલક્ષી (ઓબ્જેક્ટિવ) ટાઈપ પૂછાતા વિદ્યાર્થીઓને પાસ થવામાં સરળતા રહેશે.
સેક્શન-C : ઇકોનોમિક્સ અને વાણિજ્ય વ્યવસ્થામાં 15 પ્રશ્ન પૂછાશે જેમાંથી વિદ્યાર્થીઓએ કોઈપણ 12 પ્રશ્નના જવાબ આપવાના રહેશે.
સેક્શન-D : અત્યાર સુધી એકના અથવામાં એક પ્રશ્ન પૂછાતો, આ વર્ષે કુલ 10 પ્રશ્ન પૂછાશે જેમાંથી વિદ્યાર્થીઓએ 7 લખવાના રહેશે.

વૈકલ્પિક પ્રશ્નોનું પ્રમાણ વધારી બોર્ડે પેપર સ્ટાઈલ સરળ કરી
દર વર્ષ કરતા આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શિક્ષણબોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં પેપર સ્ટાઈલ સરળ કરી છે. દર વર્ષે જે પેપર સ્ટાઈલ હતી તેના કરતા આ વર્ષે વૈકલ્પિક પ્રશ્નો અને એક-એક માર્કના ટૂંકા પ્રશ્નોનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શનનો લાભ પણ અપાતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી સહેલી બનશે. > બી.એસ.કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ

ધોરણ-12 સાયન્સ - વિજ્ઞાન પ્રવાહમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 50% પ્રશ્નો MCQ આધારિત હશે અને 50% પ્રશ્નો સબ્જેક્ટિવ પૂછાશે. પરંતુ આ વર્ષે સબ્જેક્ટિવ સેક્શનમાં પૂછાયેલા પ્રશ્નોમાં જનરલ ઓપ્શનનો લાભ અપાશે.

અન્ય સમાચારો પણ છે...