આ માતાની તોલે કોઈ ન આવે:રાજકોટમાં ધો.10માં પ્રવેશતા જ કોરોનાએ પિતાનો ભોગ લીધો, ડિપ્રેશનમાં આવેલા પુત્રને માતાએ હિંમત આપી, મેળવ્યા 99.93 PR

રાજકોટ19 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • કોરોનાની બીજી લહેરમાં પિતાની સાથે માતા પણ કોરોનાગ્રસ્ત બન્યા હતા
  • માતા આરતીબેન પોસ્ટ ઓફિસમાં એજન્ટનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે

રાજકોટના કોઠારિયા રોડ પર નંદાહોલ પાસે રહેતા હિતેશભાઈ ભીમજીયાણીનું કોરોનાની બીજી લહેરમાં અવસાન થયું હતું. પરંતુ દુખ એ વાતનું હતું કે, તેનો પુત્ર કેવલ ધો.10માં આવ્યો હતો. એક તરફ ધો.10ના બોર્ડનું વર્ષ અને બીજી તરફ પિતાનું અવસાન. આ પરિસ્થિતિમાં કેવલ થોડા દિવસ ડિપ્રેશનમાં પણ આવી ગયો હતો. પરંતુ માતા આરતીબેન ઘરનું એવું વાતાવરણ બનાવ્યું કે કેવલને તેના પિતાની યાદ જ ન આવવા દીધી અને હિંમત આપી ભણાવ્યો. માતાની આ મહેનતથી કેવલે આજે ધો.10માં 99.93 PR મેળવ્યા છે.

આરતીબેન પણ કોરોનાગ્રસ્ત બન્યા હતા
કોરોનાની બીજી લહેરમાં હિતેશભાઈની સાથે તેમના પત્ની આરતીબેન પણ કોરોનાગ્રસ્ત બન્યા હતા. પરંતુ પતિનો સાથ આટલા પુરતો સિમીત હોય તેમ હિતેશભાઈએ અનંતની વાટ પકડતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જ્યારે આરતીબેન કોરોનામાંથી બહાર આવી પહેલા તો કેવલના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા. આરતીબેન પોસ્ટ ઓફિસમાં એજન્ટ તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં કેવલને ધોળકિયા સ્કૂલનો બહુ જ સપોર્ટ મળ્યો અને આજે તેણે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે.

કેવલના પિતાનું કોરોનાની બીજી લહેરમાં અવસાન થયું હતું.
કેવલના પિતાનું કોરોનાની બીજી લહેરમાં અવસાન થયું હતું.

સ્કૂલે આપેલું રોજે રોજનું હું હોમવર્ક કરતો ગયોઃ કેવલ
કેવલ ભીમજીયાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારે 99.93 PR આવ્યા છે અને 96.16 ટકા આવ્યા છે. કોરોનાની બીજી લહેરમાં મારા પિતાનું અવસાન થયું હતું. પરંતુ મને થયું કે, સ્કોલરશીપની ખૂબ જરૂર હતી, આના માટે મારે મહેનત તો કરવી પડશે તેવું મન બનાવ્યું. પિતાના અવસાનથી થોડા દિવસ હું ડિપ્રેશનમાં આવી ગયો હતો. પરંતુ મને થયું કે. હવે મહેનત કરવી પડશે અને પછી મેં મહેનત કરવાનું ચાલુ કરી દીધું. સ્કૂલમાં શિક્ષકો કહેતા એ પ્રમાણે રોજે રોજનું હું હોમવર્ક કરતો ગયો. આગળ મારે સાયન્સમાં B ગ્રુપમાં અભ્યાસ કરી ડોક્ટર બનવું છે.

દિવ્ય ભાસ્કર સાથે વાત કરી ત્યારે કેવલના માતા ગળગળા થઈ ગયા હતા.
દિવ્ય ભાસ્કર સાથે વાત કરી ત્યારે કેવલના માતા ગળગળા થઈ ગયા હતા.

કેવલને તેના પપ્પા યાદ આવે તેવા પ્રયાસો કર્યાઃ માતા
આરતીબેન ભીમજીયાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા દીકરાના પરિણામથી હું બહુ જ ખુશ છું, વિચાર્યા કરતા વધુ પરિણામ મળ્યું છે. આ પરિણામ સ્કૂલના સપોર્ટના કારણે જ મળ્યું છે. કેવલનું ધો.10માં આવ્યો અને તેના પિતાનું અવસાન થયું હતું. કેવલ મૂંઝાઇ નહીં તે માટે સ્કૂલે બહુ જ સપોર્ટ કરતા આજે આ સ્ટેજ પર આવીને ઉભો છે. ઘરનું વાતાવરણ વ્યવસ્થિત જળવાઇ રહે અને તેના પપ્પાની ખામી ન લાગે એના માટે મારી બનતી કોશિશ મેં કરી. કેવલને તેના પપ્પા ક્યાંય યાદ ન આવે, અમે તેમને ક્યારેય ભૂલી તો શકવાના જ નથી પણ યાદ ન આવે તેવી ઘરની પરિસ્થિતિ ઉભી કરી. સ્કૂલેથી માહિતી આપતા તે કેવલ ફોલો કર્યા કરતો હતો.

સ્ટેશનરીનો વ્યવસાય કરતા હિમાંશુભાઈ મહેતાના પુત્ર આર્યએ 99.88 PR મેળવ્યા.
સ્ટેશનરીનો વ્યવસાય કરતા હિમાંશુભાઈ મહેતાના પુત્ર આર્યએ 99.88 PR મેળવ્યા.

સ્ટેશનરીનો વ્યવસાય કરતા પિતાનો પુત્ર ચમક્યો
રાજકોટની પી.વી. મોદી સ્કૂલમાં અભ્યાસ કરતા આર્ય મહેતાએ 99.88 PR સાથે 95.68% હાંસલ કર્યા છે. તેમના પિતા હિમાંશુભાઈ સ્ટેશનરીનો વ્યવસાય કરે છે. પોતાની મહેનત અંગે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા આર્ય મહેતાએ જણાવ્યું હતું કે, મને સાયન્સ અને સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક પ્રાપ્ત થયા છે. મારા અભ્યાસની વાત કરીએ તો હું દરરોજ 6થી 8 કલાક અભ્યાસ કરતો હતો. ગત વર્ષે કોરોનાની ત્રીજી લહેર આવી હતી. ત્યારે અભ્યાસમાં અવરોધ ઉત્પન્ન થયો હતો. પણ મારા પપ્પા હિમાંશુભાઈ અને મમ્મી કૃતિબેને મારા અભ્યાસને આડે આવતા અવરોધને અટકાવ્યો હતો અને મને ખલેલ પહોંચવા દીધી નહોતી. હવે આગળ મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે અને મારા માતા-પિતાનું નામ રોશન કરવું છે.

અન્ય સમાચારો પણ છે...