કોરોના કહેર:અનલોક-2માં રાજકોટ પર કોરોના કહેર નવા 36 કેસ સાથે ત્રીજા દિવસે નવો રેકોર્ડ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં નવા 16 કેસ સાથે કુલ આંક 211 થયો : જિલ્લામાં ધોરાજીમાં નવા 15 કેસ, હોટસ્પોટ બન્યું
  • ગામડામાં કોરોના વકરી રહ્યો છે ત્યારે સૌથી વધુ કેસ ધરાવતો રાજ્યનો પહેલો જિલ્લો બનશે

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસમાં નવા વિક્રમ બની રહ્યા છે. શનિવારે 36 નવા કેસ સાથે વધુ એક વિક્રમ બન્યો છે. રાજકોટ શહેરમાં શનિવારે એક પછી એક 16 કેસ આવ્યા છે જેથી શહેરનો કુલ આંક 211 થયો છે. નવા કેસમાં ગોકુલધામ સોસાયટી, કોઠારિયા ગામ, આસ્થા રેસિડેન્સી, શાસ્ત્રીનગર નાનામવા રોડ, સ્વામિનારાયણ ચોક, ગોંડલ ચોકડી, કરણપરા, રામદેવપીર ચોક, સંતકબીર રોડ, ઢેબર રોડ, મોરબી રોડ, ગુંદાવાડી, ગુરુપ્રસાદ ચોક સહિતના વિસ્તારોમાંથી આવ્યા છે. કેસ જે આવી રહ્યા છે તે કોઇને કોઇના સંપર્કમાં જ હોવાનું પ્રાથમિક તબક્કે આવી રહ્યું છે જો કે હવે ઘણા કિસ્સાઓમાં ટ્રાવેલ હિસ્ટ્રી કરતા કોન્ટેક્ટ ટ્રેસિંગ પર ધ્યાન અપાઈ રહ્યું છે.

જિલ્લામાં ધોરાજી એક હોટસ્પોટ તરીકે ઊભરી રહ્યું છે, ધોરાજીમાં સતત ત્રણ દિવસથી કેસો આવ્યા બાદ શનિવારે એકદમથી 15 કેસ આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્યાં પોઝિટિવના સંપર્કમાં આવ્યા હોય તેવાને પણ  હોમ ક્વોરન્ટાઈન કરાયા હતા અને ફેસિલિટી ક્વોરન્ટાઈન ઓછું કરાયું હતું જેને કારણે હોમ ક્વોરન્ટાઈન કરાયેલા લોકોમાંથી એક પછી એક ચેપ વધતો જતા કેસ આવી રહ્યા છે. ઘણા લોકો ક્વોરન્ટાઈન કરી નાખશે તેવી બીકે કોન્ટેક હિસ્ટ્રી પણ છુપાવી રહ્યા છે. 

રાજકોટ જિલ્લામાં મનપા વિસ્તાર કરતા બમણા કેસ આવી રહ્યા છે અને બંને વિસ્તાર વચ્ચેના પોઝિટિવ કેસનું અંતર ધીરે ધીરે ઘટી રહ્યું છે. જો આ જ રીતે રહ્યું તો થોડા જ દિવસોમાં જિલ્લાનો આંક મનપા કરતા પણ વધી જશે જો આવું થશે તો રાજકોટ એવો પહેલો જિલ્લો બનશે જ્યાં મનપા કરતા વધુ કેસ ગ્રામ્ય અને જિલ્લા વિસ્તારમાં નોંધાયા હશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર આ રેટથી કેસ વધ્યા તો જિલ્લામાં સંખ્યા શહેર કરતા વધી જશે પણ તેમાં ઘણા પરિબળો છે જેમ કે હાલ જે કેસ આવી રહ્યા છે તે ગ્રામ્ય કરતા નગરપાલિકા વિસ્તારના છે અને ત્યાં શહેર જેવો જ ગીચ વસવાટ છે તેમજ જે પણ કેસ આવે છે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ, સુરત, વડોદરા તેમજ મુંબઈ જેવા શહેરોમાંથી આવે છે. 

રાજકોટ શહેરમાં છેલ્લા સાત દિવસમાં 56 કેસ પોઝિટિવ
રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન કેસની સંખ્યા વધતી જ રહી છે. છેલ્લા બે સપ્તાહથી કોરોનાના નવા કેસ નવી ટોચ બનાવી રહ્યા છે જેથી ગ્રાફ સતત ઉપર ચડી રહ્યો છે. 28 જૂનથી 4 જુલાઈ સુધીમાં જ 56 કેસ નોંધાઈ ચૂક્યા છે. ગ્રાફની સ્થિતિ જોતા એકદમથી કેસોની સંખ્યા વધશે તેવું લાગી રહ્યું છે.

એપેડેમિક ઓફિસરને એક સપ્તાહ ધોરાજીની કમાન સોંપાઈ 
ધોરાજીમાં કેસની સંખ્યા વધતા જિલ્લા રોગનિયંત્રણ અધિકારી ડો. નિલેશ રાઠોડને એક સપ્તાહની ખાસ ડ્યૂટી પર મુકાયા છે. આ દરમિયાન તેઓ કોન્ટેક્ટ ટ્રેસિંગ, ક્વોરન્ટાઈન તેમજ સર્વેલન્સ સહિતની કામગીરી સુપેરે કરાવશે આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોના સ્થાનિકોને મળીને શક્ય તેટલું ઘરમાં જ રહીને અને બજારોમાં જવાનું ટાળવામાં આવે તે વાત મનાવવા જનજાગૃતિનું કામ પણ કરશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. 

જામનગર જિલ્લામાં 4 અને મોરબી જિલ્લામાં બે કેસ
જામનગર જિલ્લામાં શનિવારે  ધ્રોલમાં 4, લાલપુર, સચાણા, મોટી ખાવડી, ખંભાળિયામાં 1 કેસ નોંધાયો છે. જામનગરમાં 1 કેસ નોંધાયો હતો. મોરબીના પિતા-પુત્ર બાદ  તેમના દાદીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. શનિવારે વધુ બે કેસ નોંધાયા છે.

જૂનાગઢ શહેરમાં સાત સહિત જિલ્લામાં 16 કેસ
ગિર સોમનાથ જિલ્લામાં 1 તાલાલાના ગુંદરણ અને 1 કેસ કોડીનાર સહિત પાંચ નોંધાયો છે.વડિયા તાલુકાના જંગર કોલડામાં 1 કેસ અને અમરેલી શહેરમાં 2 કેસ નોંધાયા છે.

કોરોના આંકડાકીય રીતે 

  • શહેરમાં નવા 16 કેસ સાથે કુલ 211
  • જિલ્લામાં નવા 20 કેસ સાથે 179
  • રાજકોટમાં કુલ નવા 36 સાથે 390
  • કુલ કરાયેલા ટેસ્ટ 9523
  • હોસ્પિટલમાંથી 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
  • હાલ સારવાર હેઠળ 124 દર્દીઓ
અન્ય સમાચારો પણ છે...