કોરોના રાજકોટ LIVE:કોરોના વકર્યો, 24 કલાકમાં 34ના મોત, બપોર સુધીમાં નવા 150 કેસ નોંધાયા, મનપાએ 1500 શિક્ષકોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ફરજ સોંપી.

એક વર્ષ પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોના મુક્ત બન્યા બાદ લોકસાહિત્યકાર બિહારીદાન ગઢવીના પત્નીનું નિધન
  • મોતનો આંક વધતા ઇલેટ્રિક સ્મશાનમાં વેઇટિંગના કારણે લાકડાથી અંતિમ સંસ્કાર કરી શકાશે

રાજકોટમાં કોરોના કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યામાં પણ જેટ ગતિએ વધારો નોંધાઇ રહ્યો છે. હોસ્પિટલોમાં દર એક કલાકે એક દર્દીનું મોત નીપજી રહ્યું છે. પણ તંત્ર દ્વારા સત્ય છૂપાવવાની કોશિષ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે શહેરમાં 24 દર્દીના મોત અને આજે બપોર સુધીમાં નવા 150 કેસ નોંધાયા છે જયારે 34 દર્દીઓના મોત નિપજ્યા છે, ઉલ્લેખનીય છે કે ગઈકાલે શહેરમાં રેકોર્ડબ્રેક 427 કેસ નોંધાયા હતા. આથી કુલ કેસની સંખ્યા 21579 પર પહોંચી હતી.આ ઉપરાંત હાલ વધતા સંક્રમણ વચ્ચે રાજકોટ મનપાએ 1500 જેટલા શિક્ષકોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સર્વેલન્સ કરવાની ફરજ સોંપી છે.

કોરોના મુક્ત બન્યા બાદ લોકસાહિત્યકાર બિહારીદાન ગઢવીના પત્નીનું નિધન
આ ઉપરાંત જાણીતા લોકસાહિત્યકાર બિહારીદાન ગઢવીના ધર્મપત્ની અરુણાબેનનું પણ નિધન થયું છે, તેઓ વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જ્યાં કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે. તેમના નિધન કલા સાહિત્ય જગતમાં શોકની લાગણી ફરી વળી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 દિવસની રજા
કોરોનાની ચેઇન તોડવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. સોમવારની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજા રખાશે. શનિ-રવિ રજા છે, તેમજ મંગળ અને બુધવારે પણ જાહેર રજા છે. આથી સોમવારની રજા રાખી 5 દિવસ સુધીની રજા રાખવાનો નિર્ણય લીધો છે. આગામી 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી બંધ યુનિવર્સિટી રહેશે.

કોરોનાની ફેમિલી બન્ચિંગ પેટર્નના શિકાર બન્યા પૂર્વ મેયર અને પૂર્વ ડેપ્યુટી
રાજકોટમાં અગાઉના બે રાઉન્ડમાં કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા હોય તે પરિવારમાં ટેસ્ટ કરવામાં આવે તો એવું બનતું કે અન્ય કોઈ સભ્યોને કોરોના પોઝિટિવ ન હોય. પરંતુ હાલના ત્રીજા રાઉન્ડમાં રાજકોટ શહેરમાં કોરોનાએ ‘ફેમિલી બન્ચિંગ પેટર્ન’થી પૂરપાટ ઝડપ પકડી હોવાનું મહાપાલિકાના ગ્રાઉન્ડ ઝીરો લેવલે કામ કરતાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ધ્યાન પર આવ્યું છે. તાજેતરમાં ચાલુ મહિનામાં જ એવા 30 કિસ્સા ધ્યાને આવ્યા છે કે જેમાં સમગ્ર પરિવારના તમામ સભ્યો એક સાથે કોરોના પોઝિટિવ આવ્યા હોય! કોરોનાની આ નવી પેટર્નથી રાજકોટ ભાજપના મેયર સંધ્યાબેન વ્યાસનો સમગ્ર પરિવાર કોરોનાની લપેટમાં આવી ગયો છે. હાલ તેઓ પરિવાર સાથે હોમ આઇસોલેટ થયા છે. આ ઉપરાંત ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દૂધાત્રા પણ કોરોના કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ થયા છે.

માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનને લઇ મિટિંગ યોજાઇ
રાજકોટ શહેરમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સંક્રમણ ફેલાતું અટકાવવા અને સંક્રમણની ચેઈન તોડવાના પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવા અને તેને આનુસાંગિક આવશ્યક કામગીરી અનુસંધાને જરૂરી ચર્ચા વિચારણા કરવા માટે આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને એક ખાસ મિટિંગ યોજાઈ હતી.

મેયર, મનપા કમિશનર કોવિડ સેન્ટરની મુલાકાતે
રાજકોટ શહેરમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા જુદા જુદા પગલાઓ લઇ રહી છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.10માં આવેલા અમુત ઘાયલ કોમ્યુનિટી હોલમાં કોવિડ સેન્ટરની આજે સ્થળ મુલાકાત લેતા મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય કમિટી ચેરમેન રાજેશ્વરીબેન ડોડીયા, સિટી એન્જી. ગોહિલ, ચીફ ફાયર ઓફિસર ખેર વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...