ભૂતિયા કેસ:બે શહેર વચ્ચે પ્રવાસ કરનારામાંથી કોરોના કેસ નીકળે છે પણ ક્યાંય નોંધ જ નથી કરાતી

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મુંબઈથી રાજકોટ આવેલા દંપતીમાંથી વૃદ્ધનું મોત
  • મનપાએ કેસ બહારનો ગણાવ્યો પણ મુંબઈને જાણ ન કરી
  • જ્યાં પોઝિટિવ આવે ત્યાંના જ કેસ ગણવાના હોય છતાં કેસની સંખ્યા ન વધે તે માટે ખો દેવાનો નવો દાવ શરૂ કરાયો

કોરોના પોઝિટિવના કેસ સતત વધી રહ્યા છે ત્યારે હવે આ કેસ ક્યાં જિલ્લા કે શહેરમાં વધે છે તેના પર સૌની નજર હોય છે. જ્યારે પણ કેસ પોઝિટિવ આવે તો તેની નેશનલ હેલ્થ પોર્ટલમાં એન્ટ્રી કરવાની હોય છે જેથી તે આંક જે તે જિલ્લા અને રાજ્યમાં સીધો ગણાઈ જાય છે.  તેવામાં એક શહેરથી બીજા શહેરમાં જતા લોકો પોઝિટિવ આવે તો તેમને જ્યાંથી આવ્યા છે ત્યાંના જ ગણવાની નીતિ રાજ્યના કેટલાક શહેરોમાં શરૂ થઈ છે. તે શહેર હેલ્થ પોર્ટલ પરથી એન્ટ્રી કરતું અને બીજા શહેરને તો ખબર પણ નથી હોતી અથવા ખબર હોય તો તેમને ત્યાં નથી પોઝિટિવ આવ્યો તેમ કરી પોતે પણ એન્ટ્રી કરતા નથી. આ કારણે આવા કેસ એકપણ જગ્યાએ નોંધ્યા વગર રહી જાય છે અને ભૂતિયા કેસ રાજ્યમાં ઘણા હોઈ શકે. રાજકોટની એક ઘટના પરથી દિવ્ય ભાસ્કરે તપાસ કરતા આખો મામલો સામે આવ્યો છે. ઼

જિલ્લા આરોગ્ય અધિકારીએ  કેસને રાજકોટમાં ગણાવ્યો નથી
મુંબઈના માટુંગામાં રહેતું એક વૃદ્ધ દંપતી દિલીપભાઈ અને વાસંતીબેન સંઘાણી રાજકોટ તેમના પરિવારને મળવા આવ્યું હતું. મુંબઈથી આવ્યા હોવાથી તેઓએ આરોગ્ય તપાસ માટે ખાનગી હોસ્પિટલમાં જ 26મીએ ક્વોરન્ટાઈન થયા હતા. 26મીની સાંજે સેમ્પલ લેવાયા હતા અને રાત્રે જ રિપોર્ટ પોઝિટિવ આવી ગયા. બંનેને ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા જો કે બીજા જ દિવસે દિલીપભાઈનું મોત થયું હતું. મનપાના આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીએ  કેસને રાજકોટમાં ગણાવ્યો નથી એમ કહ્યું છે કે, મુંબઈના રહેવાસી છે ત્યાંથી જ આવ્યા એટલે ત્યાં ગણાશે. બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકાના અધિકારી પાટિલનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, જ્યાં પોઝિટિવ આવે ત્યાં જ કેસ ગણાય. આ સ્થિતિને કારણે જે રાજકોટમાં કેસ અને મોત આવ્યા છે તેની કોઇ જગ્યાએ નેશનલ હેલ્થ પોર્ટલમાં એન્ટ્રી કરાઈ નથી એટલે કે હવે તે ભૂતિયા કેસ બની ગયા છે. અગાઉ અમદાવાદથી આવેલા યુવતીનો કેસ પણ રાજકોટમાં નોંધાયો નથી. આ રીતે માત્ર રાજકોટમાં નહીં પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં પોતાના પોઝિટિવ કેસનો આંક ન વધે તે માટે ખો દેવાનો દોર ચાલી રહ્યો છે અને સેંકડો કેસ નોંધ્યા વગરના છે. 

 જ્યાં કેસ આવે તે શહેરના જ ગણવાના હોય
 જે વ્યક્તિ જ્યાંથી સસ્પેક્ટ થયું હોય અને ત્યાંથી સેમ્પલ લેવાયા હોય અને પોઝિટિવ આવ્યા હોય તો ત્યાંનો જ પોઝિટિવ કેસ ગણાય છે. મુંબઈથી આવેલા દંપતીના કિસ્સામાં શું બન્યું છે તેના માટે જિલ્લા આરોગ્ય અધિકારી પાસેથી વિગતો મગાવી છે અને શું કર્યું છે તે પણ માગ્યું છે. - ડો. પ્રકાશ વાઘેલા, અધિક નિયામક, આરોગ્ય વિભાગ 

આઈસીએમઆરને જાણ કરી પણ મુંબઈને ન કરી  
મુંબઇથી વૃધ્ધ દંપતી રાજકોટ આવ્યાની થોડી જ કલાકોમાં સેમ્પલ લઈ લેવાયા હતા. પોઝિટિવ અને મોતની માહિતી આઈસીએમઆરને મેલથી જાણ કરી દીધી છે નેશનલ હેલ્થ પોર્ટલમાં તેની એન્ટ્રી કરી નથી. મુંબઈને જાણ કરી નથી.  - ડો. રિંકલ વિરડિયા, આરોગ્ય અધિકારી, મનપા

મુંબઇના હોવાથી રાજકોટમાં આ કેસ ન ગણાય   
બંને વ્યક્તિ મુંબઈથી રાજકોટ આવ્યા છે અને રહેવાસી પણ ત્યાંના જ છે. અહીં હોટેલમાં ક્વોરન્ટાઈન થયા હતા અને તુરંત પગલાં લેવાયા હતા. અહીંના રહેવાસી ન હોવાથી રાજકોટના કેસ ગણાય નહીં એટલે અન્ય જિલ્લામાં ગણાયા છે અને રાજકોટના કેસમાં વધારો ન કહેવાય. - ડો.મિતેશ ભંડેરી, જિલ્લા આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...