માગ:નામકરણને લઇ વિવાદ, કોંગ્રેસના આગેવાને સૌ.યુનિ.નું નામ ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાખવા CMને પત્ર લખ્યો

રાજકોટ10 મહિનો પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર.
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઝવેરચંદ મેઘાણીનું નામ મળે તે સારી વાતઃ કુલપતિ

આજે સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૃષિમંત્રી આર.સી. ફળદુએ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને ખુલ્લી મુકી હતી. પરંતુ કોંગ્રેસના આગેવાન નિદત બારોટે જન્મજયંતીના દિવસે જ નામકરણને લઇ રાજકીય વિવાદ છેડ્યો છે. નિદત બારોટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ બદલી ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાખવા માગ કરી છે.

મેઘાણીની કૃતિઓમાં એક એકથી વધુ પીએચ.ડી થઇ શકે તેટલું ઊંડાણ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં નિદત બારોટે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના પનોતા પુત્ર, રાષ્ટ્રના માટોગજાના શાયક, કવિ, સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની આજે 125મી જન્મજયંતીની ઉજવણી થઇ રહી છે. ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ કસુંબીનો રંગ, સૌરાષ્ટ્રની રસધારા, રંગ છે સહિતની કૃતિઓ પર એક એકથી વધુ પીએચ.ડી થઇ શકે તેટલું ઊંડાણ તેમાં રહેલું છે. આ કૃતિઓની રચના એ ઇશ્વરે ઝવેરચંદ મેઘાણીને નિમિત્ત બનાવ્યા હોય તો જ થઇ શકે. ત્યારે તેમની 125મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે તેઓનું નામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડવું જોઇએ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આભૂષિત કરવી જોઇએ.

મુખ્યમંત્રીને લખેલો પત્ર.
મુખ્યમંત્રીને લખેલો પત્ર.

મેઘાણીનું નામ જોડવાથી માર્કશીટ અને ડિગ્રી પણ ચોક્કસ વજનવાળી બનશે
વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હેમચંદ્રાચાર્યજીના નામ સાથે જોડાયેલી છે, દક્ષિણ ગુજરાતયુનિવર્સિટી વીર નર્મદના નામે જોડાયેલી છે. જૂનાગઢ યુનિવર્સિટી નરસિંહ મહેતાના નામ સાથે જોડાયેલી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરીકે બદલાવીને તેઓની 125મી જન્મજયંતીની ઉજવણીના આ વર્ષને આપણે યાદગાર બનાવી શકીશું. આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રીમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નામ જોડાવાથી આ માર્કશીટ અને ડિગ્રી પણ ચોક્કસ વજનવાળી બનશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઝવચંદ મેઘાણીની તસવીરનું અનાવરણ કરાયું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઝવચંદ મેઘાણીની તસવીરનું અનાવરણ કરાયું.

યુનિવર્સિટી સાથે મેઘાણીનું નામ મળે તે સારી વાતઃ કુલપતિ
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ આવી રજૂઆત થઇ હતી. પરંતુ કોઇ નિર્ણય થયો નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઝવેરચંદ મેઘાણીનું નામ મળે તે સારી વાત પરંતુ નિર્ણય થતો નથી.

અન્ય સમાચારો પણ છે...