વિવાદ:સમાજના આગેવાનોને છોડી બાવળિયા એકલા જ પાટીલને મળવા જતા વિવાદ

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ સાંસદ ફતેપરાએ આક્ષેપ કર્યો કે ‘બાવળિયાએ રામ-લક્ષ્મણની જોડી તોડી છે’
  • વેલનાથ સેનાના નેજા હેઠળ સંમેલન કરી રણનીતિ નક્કી કરવાની ફતેપરાની જાહેરાત

સમસ્ત કોળી સમાજના નામે રવિવારે રાજકોટમાં યોજાયેલા સંમેલનમાં પૂર્વ સાંસદ ફતેપરા અને ધારાસભ્ય બાવળિયા એકમંચ પર હાજર રહ્યા હતા અને કોળી સમાજની રાજકીય અવગણના થઇ રહી હોવાનો સૂર વ્યક્ત કરી પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલને આગેવાનો મળીને લાગણી વ્યક્ત કરશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ બુધવારે બાવળિયા તેના ટેકેદારો સાથે પાટીલને મળવા જતા રહેતા ફતેપરા રોષે ભરાયા હતા અને બાવળિયાએ રામ-લક્ષ્મણની જોડી તોડી હોવાનો આક્રોશ વ્યક્ત કરી આગામી દિવસોમાં રાજકીય રણનીતિ નક્કી કરવાની જાહેરાત કરી હતી.

સુરેન્દ્રનગરના પૂર્વ સંસદ સભ્ય અને ભાજપના આગેવાન દેવજીભાઇ ફતેપરાએ બુધવારે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, સમસ્ત કોળી સમાજની રાજકીય અવગણના થઇ રહી છે અને તે માટે યોગ્ય કક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય લેવા માટે રવિવારે રાજકોટમાં કોળી સમાજનું સંમેલન મળ્યું હતું, તેમાં પોતાના ઉપરાંત ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા પણ સ્ટેજ પર હતા, આગેવાનો અને સમાજના લોકો સાથે ચર્ચાના અંતે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને કોળી સમાજના આગેવાનો રૂબરૂ મળીને સમાજની લાગણી વ્યક્ત કરશે, આ માટે કેટલા કેટલા આગેવાનોને લઇ જવાના તેની યાદી તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

પરંતુ બુધવારે ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા તેના કેટલાક ટેકેદારો સાથે પ્રદેશ પ્રમુખ પાટીલને મળવા જતા રહ્યા હતા, જેમાં દેવજીભાઇ ફતેપરાને લઇ જવામાં આવ્યા નહોતા એટલું જ નહીં તેમને જાણ પણ કરવામાં આવી નહોતી, ફતેપરાએ આક્રોશ સાથે કહ્યું હતું કે, પોતે અને કુંવરજીભાઇ રામ-લક્ષ્મણની જોડી હતી પરંતુ તે જોડી બાવળિયાએ તોડી છે અને શા માટે તોડી તેનું કારણ તો તે જ કહી શકે, આગામી દિવસોમાં વેલનાથ સેનાના નેજા હેઠળ તમામ તાલુકા જિલ્લા કક્ષાએ સંમેલન યોજવામાં આવશે અને તેમાં સમાજના હિતમાં આગામી ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...