વિવાદના પડઘા:સૌ.યુનિ.નો ભરતી વિવાદ રાજકોટથી કમલમ સુધી પહોંચ્યો, પૂર્વ CM રૂપાણીના નજીકના સિન્ડિકેટ સભ્યોનો ભોગ લેવાય તો નવાઈ નહીં!

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર.
  • સી.આર.પાટીલ ઈચ્છે તો વર્ષો જૂના પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોમાં પણ હવે નો રિપીટ થિયરી થઈ શકે
  • ભૂતકાળમાં કોઇ દિવસ આટલી ઝડપથી ગાંધીનગરથી તપાસ ટીમ આવી નથી, VC-PVCને કોનો ડર?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારિત પ્રોફેસરોની ભરતી કૌંભાડમાં રાજ્ય સરકાર અંગત રસ લઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. પરંતુ ક્યારેય આટલી ઝડપથી રાજ્ય સરકારે તપાસ કમિટી એક જ દિવસમાં મોકલી નથી. જોકે યુનિવર્સિટીમાં ભાજપના જ સિન્ડિકેટ સભ્યોની દરમિયાનગીરી સામે ભાજપ સરકારે લીધેલા પગલાંથી સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે સિન્ડિકેટ સભ્યોની ચેટના સ્ક્રિનશોટ્સ વાઇરલ થયા છે તે તમામ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નજીકના કહેવામાં આવે છે. ત્યારે આ વિવાદ યુનિવર્સિટી પૂરતો સિમીત ન રહેતા કમલમ સુધી પહોંચ્યોં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે યુનિવર્સિટીનો આ ભરતી વિવાદ સિનિયર સિન્ડિકેટ સભ્યો પાસેથી તેનું પદ પણ છીનવી શકે છે. કુલપતિ અને ઉપકુલપતિ કોના ડરથી આંખ આડા કાન કરે છે? તેવો સવાલ ઉઠ્યો છે.

તપાસ કમિટીએ ભરતી અંગેના દસ્તાવેજો એકઠા કર્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારિત પ્રોફેસરોની ભરતીના વિવાદને લઇને આજે શિક્ષણ વિભાગ દ્વારા એક ટીમને યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવી હતી. આ ટીમ દ્વારા યુનિવર્સિટીના કુલપતિ, પાંચ ભવનના ડીન અને તમામ 28 જેટલા ભવનના HODને સાંભળવવામાં આવ્યા હતા અને તેની પાસેથી ભરતી પ્રક્રિયાને લઇને નિવેદનો લેવામાં આવ્યા હતા. આ ટીમ દ્વારા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને મહેસૂલ વિભાગ પાસેથી ભરતી પ્રક્રિયા કંઇ રીતે પૂરી કરવામાં આવી તેની માહિતી પણ મેળવવામાં આવી હતી. આ ટીમના તપાસ અધિકારી એ.એસ.રાઠોડના કહેવા પ્રમાણે રાજ્ય સરકારની સૂચના અનુસાર ભરતી પ્રક્રિયાના તમામ દસ્તાવેજો એકત્ર કરવામાં આવ્યા છે તે સરકારને સોંપવામાં આવશે અને આ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જોકે, આ ભરતીમાં યુનિવર્સિટી દ્વારા સગાવાદ ચલાવવા માટે નિયમોને નેવે મૂકવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે

કોંગ્રેંસના નેતા નિદત બારોટે યુનિવર્સિટી સામે સવાલો ઉભા કર્યા.
કોંગ્રેંસના નેતા નિદત બારોટે યુનિવર્સિટી સામે સવાલો ઉભા કર્યા.

યુજીસીના નિયમોનું ઉલ્લંઘન
આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી તેમાં યુજીસીની 2018 પહેલાના પરિપત્રને ગ્રાહ્ય રાખવામાં આવ્યો છે. જે મુજબ ઉમેદવારના 60 માર્ક મેરિટ આધારિત જ્યારે 40 માર્ક ઇન્ટરનલ ગ્રાહ્ય રાખવામાં આવ્યા હતા જે અયોગ્ય છે. વાસ્તવમાં 2018ના પરિપત્ર પ્રમાણે કોઇ પણ પ્રોફેસરની ભરતી મેરિટ આધારિત જ કરવાની હોય છે અને ગુજરાતની અન્ય યુનિવર્સિટી આ જ રીતે ભરતી કરે છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ નિયમોનું પાલન કેમ ન કર્યું?

ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં પણ લાલિયાવાડી
યુજીસીના નિયમ પ્રમાણે જો કોઇ ફેકલ્ટીમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવાની હોય તો તેમાં જેટલા ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવે તેમાંથી વધારે મેરિટવાળા 6 જેટલા ઉમેદવારોને આખરી ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવતા હોય છે. જ્યારે આ ઇન્ટરવ્યુમાં દરેક ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા. જેમાં જે માનીતા હતા તેમને ઇન્ટરનલ માર્ક વધારે આપીને તેમના પર પસંદગી ઉતારવામાં આવી હતી.

તપાસ કમિટીના સભ્ય એ.એસ.રાઠોડ.
તપાસ કમિટીના સભ્ય એ.એસ.રાઠોડ.

રાજ્ય સરકારના પરિપત્ર વિરુદ્ધ પગાર વધારો
કરાર આધારિત પ્રોફેસરોની ભરતી અંગે રાજ્ય સરકારનો પરિપત્ર છે. જેમાં કોઇ પણ પ્રોફેસરને મહત્તમ 25 હજાર રૂપિયા પગાર આપી શકાય છે. પરંતુ આ ભરતી પ્રક્રિયામા 15 હજારથી લઇને 60 હજાર રૂપિયા સુધીનો પગાર મંજૂર કરવામાં આવ્યો છે. જેની ચૂકવણી રાજ્ય સરકાર કરતી હોય છે ત્યારે યુનિવર્સિટી દ્વારા ક્યાં આધારે આ પગાર વધારો કર્યો તે એક સવાલ છે. આ અંગે કોંગ્રેંસના નેતા નિદત બારોટે યુનિવર્સિટી સામે સવાલો ઉભા કર્યા છે અને તટસ્થ તપાસની માંગ કરી છે. ઉપરની તમામ માહિતી નિદત બારોટ દ્વારા જાહેર કરવામાં આવી છે અને આ અંગે સરકાર દખલગીરી કરીને એક્શન લે તેવી પણ માંગ કરવામાં આવી છે.

કુલપતિ ડો.નીતિન પેથાણી (જમણી બાજુ) અને ઉપ કુલપતિ વિજય દેસાણી (ડાબી બાજુ)ની ફાઇલ તસવીર.
કુલપતિ ડો.નીતિન પેથાણી (જમણી બાજુ) અને ઉપ કુલપતિ વિજય દેસાણી (ડાબી બાજુ)ની ફાઇલ તસવીર.

કુલપતિ અને ઉપકુલપતિએ આંખ આડા કાન કર્યા
જે સોશિયલ મીડિયા ગ્રુપના સ્ક્રિનશોટ્સ વાઇરલ થયા છે તે ગ્રુપનું નામ બીજેપી સિન્ડિકેટ 21-24 ગ્રુપ છે. તેમાં ભાજપના સિન્ડિકેટ મેમ્બરો અને તેની સાથે કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણી પણ આ ગ્રુપમાં સામેલ હતા. તેમ છતાં તેમના દ્વારા જ્યારે આ નામોની ચર્ચા ચાલી રહી હતી ત્યારે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. નામો પર સિન્ડિકેટ સભ્યો અંતિમ મહોર લગાવી રહ્યા હતા ત્યારે કુલપતિ મૂક પ્રેક્ષકની જેમ જોઇ રહ્યા હતા. જેનો મતલબ છે કે તેઓની સંમતિથી જ આ ચર્ચાઓ થઇ રહી હતી અને તેઓ આંખ આડા કાન કરી રહ્યા હતા. તેવું નામ ન દેવાની શરતે સિન્ડિકેટ સભ્ય પણ ચર્ચા કરી રહ્યા હતા. સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે યુનિવર્સિટીના આ ભરતી વિવાદમાં ભાજપનો જ જુથવાદ સામે આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...