સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુજી અને પીજીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તરવહીમાં સારું પ્રેઝન્ટેશન કરવા માટે મોટા અક્ષરે લખાણ કરતા હોય છે, કોઈ લખાણ વચ્ચે મોટી જગ્યા છોડતા હોય છે તો કોઈ પેપર લખતી વખતે બિનજરૂરી રીતે એક લીટીમાં લખાણ કરી બીજી લીટી કોરી છોડી દેતા હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિયમો કડક કર્યા હતા. જેમાં ગઈકાલે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આપવામાં આવતી 24 પાનાંની ઉત્તરવહીમાં બિનજરૂરી રીતે જગ્યા છોડીને કે લીટીઓ છોડીને લખાણ કર્યું હશે તેવા વિદ્યાર્થીઓને પૂરક ઉત્તરવહી નહીં આપવા નિર્ણય કર્યો હતો. પરંતુ આ નિર્ણયનો વિવાદ છેડાતા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીએ આ નિર્ણય પાછો ખેંચાયાનું જણાવ્યું હતું.
હવે 24ના બદલે 48 પેજની ઉત્તરવહી આપીશું: પરીક્ષા નિયામક
નિલેશ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે વિદ્યાર્થીઓને પૂરક ઉત્તરવહી આપવામાં આવશે. પહેલા પૂરક ઉત્તરવહી ન આપવાની સૂચના હતી. પરિપત્રને લઇને વિવાદ ઉભો થયો હતો. આથી આ પરિપત્રમાં સુધારો કરાયો છે. આથી વિદ્યાર્થીઓએ ગભરાવાની કોઇ જરૂર નથી. આ ફક્ત સૂચન છે જે વિદ્યાર્થીને બ્લોકવાઇઝ સુપર વાઇઝરને આપવા માટેનું. પહેલા અમે 24 પેજની ઉત્તરવહી આપતા હતા હવે 48 પેજની ઉત્તરવહી આપવાના છીએ. જે વિદ્યાર્થી સારૂ લખે છે તેને આપણે ઉત્તરવહી આપવાના છીએ.
9 ઓગસ્ટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વાર ગત તારીખ 9 ઓગસ્ટના રોજ જે વિદ્યાર્થીઓના મોટા અક્ષરો હશે તેમજ વધારે જગ્યા છોડતા હશે તે વિદ્યાર્થીઓને પૂરક ઉત્તરવહી નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. યુનિવર્સિટીના આ નિર્ણય મુજબ, પરીક્ષાર્થીઓ મુખ્ય પ્રશ્નના પેટાપ્રશ્નની શરૂઆત બિનજરૂરી જગ્યા નહીં છોડી શકે. આ સિવાય ઉત્તરના લખાણ વચ્ચે બિનજરૂરી જગ્યા પણ નહીં છોડી શકાય. જો કોઈ પરીક્ષાર્થી નવા નિયમોનો અમલ નહીં કરે, તેઓને પૂરક ઉત્તરવહીં નહીં આપવામાં આવે.
યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે સંલગ્ન તમામ કોલેજોને લેખિતમાં સૂચના આપી હતી
આ નિર્ણય અંગે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે સંલગ્ન તમામ કોલેજોને લેખિતમાં સૂચના આપી નિયમનું પાલન કરાવવા જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોલેજોને આપેલી સૂચનામાં જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારની ઉત્તરવહીમાં પરીક્ષાર્થીઓએ બિનજરૂરી મોટા અક્ષરે જવાબો લખવાના નથી, બે શબ્દો વચ્ચે બિનજરૂરી જગ્યા રાખવાની નથી, દરેક મુખ્ય પ્રશ્નના પેટા પ્રશ્નોની શરૂઆત, બિનજરૂરી લીટીઓ છોડીને કરવાની નથી અને ઉત્તરના લખાણની વચ્ચે બિનજરૂરી લીટીઓ પણ છોડવાની નથી.
જૂના કોર્સની સેમે.5ની પરીક્ષામાં 24ના બદલે 48 પાનાની ઉત્તરવહી અપાશે
આગામી તારીખ 17મી ઓગસ્ટથી યુનિવર્સિટીના જૂના કોર્સના પાંચમાં સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે જેમાં 24ને બદલે 48 પાનાની ઉત્તરવહી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. યુનિવર્સિટી પાસે ઘણા વર્ષોથી 48 પાનાની ઉત્તરવહી સ્ટોકમાં પડી છે જેનો ઉપયોગ જૂના કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષામાં કરાશે. 48 પાનાની મુખ્ય ઉત્તરવહી આપ્યા બાદ પૂરક ઉત્તરવહી વિદ્યાર્થીઓને નહીં મળે તેવો પરિપત્રમાં ઉલ્લેખ કરાયો હતો.
50 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષામાં 2 લાખ પૂરક ઉત્તરવહીની ખપત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષે જુદી જુદી અંદાજિત 250થી વધુ પરીક્ષાઓ લેવામાં આવે છે જેમાં આશરે 3 લાખ જેટલી મુખ્ય ઉત્તરવહીનો તો ઉપયોગ થાય જ છે પરંતુ દર 50 હજાર વિદ્યાર્થીની પરીક્ષામાં અંદાજિત 2 લાખ પૂરક ઉત્તરવહીની પણ ખપત હોવાનું યુનિવર્સિટીના અધિકારી જણાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.