ભાસ્કર એક્સક્લુઝિવ:હાજરી કૌભાંડમાં નડતા સોલિડ વેસ્ટ શાખાના કર્મીને અધિકારીની સામે કોન્ટ્રાક્ટરે ધમકી આપી!

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • વોર્ડ 6માં સફાઈ કર્મચારી પૂરા પાડતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ 16 સેનેટરી ઈન્સ્પેક્ટરે પત્ર લખી કરી ફરિયાદ
  • ફેસ ડિટેક્ટરમાં હાજરી ન પૂરી હોય તેમને ચોપડે હાજર રાખવા જી.ડી. અજમેરાએ દબાણ કર્યું, એલફેલ બોલ્યા : વાઘેલા

રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે શહેરમાં કામ થતા અને જે કર્મચારીઓ આ મિલીભગતમાં આડખીલી રૂપ હોય તેને પરેશાન કરવામાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પાછી પાની કરતા નથી. આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કોન્ટ્રાક્ટરે અધિકારીને ફોન કરી કર્મચારીને કચેરીમાં બોલાવી ફોન પર જ તે કર્મચારીને ધમકી આપી છતાં અધિકારીએ કડક કાર્યવાહી ન કરી એટલે કર્મચારીઓએ લેખિતમાં ફરિયાદ કરવી પડી.

મનપામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કર્મીઓએ ફેસ ડિટેક્ટર મશીનમાં હાજરી પૂરવાની હોય છે મશીન બગડે તો સેનેટરી ઈન્સ્પેક્ટર ચોપડે ઓન ડ્યૂટી નોંધે, પણ આ પદ્ધતિનો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ ગેરલાભ ઉઠાવ્યો છે જે સફાઇ કર્મચારી આવ્યા ન હોય તેમને પણ ચોપડે ઓન ડ્યૂટી બતાવી પગાર જમા થાય છે આ કૌભાંડ ઘણા સમયથી ચાલે છે.

આ દરમિયાન અન્ય વોર્ડની જેમ વોર્ડ નં 6/બમાં સફાઈ કર્મચારી પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ જી.ડી. અજમેરા એજન્સી પાસે છે ત્યાં સેનેટરી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મનપાના કર્મચારી અશ્વિન વાઘેલાની જવાબદારી હાજરી ચેક કરવાની હોય છે. તેઓના જણાવ્યા અનુસાર ‘ફેસ ડિટેક્ટરની હાજરીની નોંધ કરવાની તેમની જવાબદારી છે.

કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરાએ તેમના કેટલાક કર્મચારીઓને ઓન ડ્યૂટી બતાવવા કહ્યું હતું. આ કર્મચારી કામ પર ન દેખાતા હોવાથી ના પાડી દેતા તેઓ ગુસ્સે થયા હતા. બાદમાં પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર સાથે વાત થઈ હતી અને મને કચેરીમા બોલાવ્યો અને ઈજનેરે મને ફોન આપ્યો જેમાં જી.ડી. અજમેરાએ એમ કહ્યું કે, સાહેબ કહે છે ઓન ડ્યૂટી ભરવાનું કેમ ના પાડો છો, સમજી જાઓ હું ત્યાં આવી જઈશ બાદમાં આ મુદ્દે ઘણી ગરમાગરમી થઈ હતી.’ એક મહિના પૂર્વે બનેલી ઘટનામાં કોન્ટ્રાક્ટર સામે પગલાં ન લેવાતા એકસાથે 16 કર્મચારીએ પત્ર લખી કાર્યવાહી કરવા માંગ કરી છે.

પરેશ જોશી પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીની વચ્ચે ફસાયા’તા
મનપાના ઈજનેર પરેશ જોશીએ થોડા મહિના પહેલા આપઘાત કરી લીધો હતો. તેઓ કોન્ટ્રાક્ટર અને ઉપરી અધિકારીઓ વચ્ચે સૂડી વચ્ચે સોપારી બન્યા હતા. ખોટી સહીઓ પરેશ જોશી પાસે કરાવવા દબાણ કરતા હતા જેથી કંટાળી તેઓએ આ પગલું ભર્યું હતું. હવે સોલિડ વેસ્ટ શાખામાં પણ કોન્ટ્રાક્ટર કર્મચારીઓને દબાવી રહ્યાની ઘટના સામે આવતા સાબિત થયું છે કે કૌભાંડ કરનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ સામે મ્યુનિ. કમિશનર કે કોઇ પદાધિકારીનું કશું જ ઉપજતું નથી.

અન્ય સમાચારો પણ છે...