કામગીરી:રાજકોટના બે વોર્ડમાં ગટર ફરિયાદ નિકાલ માટે 39 % ઓનથી કોન્ટ્રાક્ટ

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાનગરપાલિકાની સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.2 અને 3માં ભૂગર્ભ ગટર ફરિયાદોનો નિકાલ કરવા માટે ખાનગી એજન્સીને 39 ટકા ઓનથી કામ  આપવા દરખાસ્ત મુકવામાં આવી હતી અને તે મંજૂર પણ કરી દેવામાં આવી છે. મનપાના અધિકારીઓને 26.40 લાખના એસ્ટિમેટ સામે 36.69 લાખ રૂપિયામાં કામ આપવા કોંગ્રેસના સભ્યના વિરોધ વચ્ચે બહાલી આપી દેવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં પ્રતિ વર્ષ બે લાખથી વધુ ફરિયાદ નોંધાઇ છે. જેમાં સૌથી વધુ ભૂગર્ભ ગટરને લગતી હોય છે. સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.2 અને 3માં ભૂગર્ભ ગટરની ગંદકી સફાઇ કરવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાં બે એજન્સી ખુશ્બૂ કન્સ્ટ્રકશન અને સાજિદ કન્સ્ટ્રકશન ક્વોલિફાય થઇ હતી. ટેક્નિકલ  ક્વોલિફાઇડ થયા બાદ ભાવની બીડ ખોલવામાં આવતા ખુશ્બૂ કન્સ્ટ્રકશને 48.50 ટકા જ્યારે સાજિદ કન્સ્ટ્રકશને 65 ટકા વધુ ભાવનું ટેન્ડર ભર્યું હતું. બાદમાં અધિકારીઓએ ખુશ્બૂ એજન્સી સાથે વાટાઘાટ કરતા એજન્સી 39 ટકા ઊંચા ભાવે કામ કરવા તૈયાર થતા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મુકાઇ હતી અને તે મંજૂર કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે વધારાના રૂ.10.29 લાખ ચૂકવવાના બદલે રી ટેન્ડર પ્રક્રિયા કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...