ભાસ્કર વિશેષ:સોયા ડિઓસીને કારણે સિંગખોળનો વપરાશ ઘટ્યો, મિલમાં 15% કામકાજ, નજીવા ઘટાડા વચ્ચે સિંગતેલનો ડબ્બો 2730

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંગખોળમાં રૂ.20 હજારનો ઘટાડો, આયાતી તેલમાં વેપાર પૂર્વવત થયા

સોયા ડિઓસીને કારણે ઘરઆંગણે સિંગખોળનો વપરાશ ઘટ્યો છે. ડિમાન્ડ નહિ રહેતા સિંગખોળની બજાર પણ તૂટી છે. જે સિંગખોળનો ભાવ પહેલા રૂ.50 હજાર હતો તેનો ભાવ અત્યારે રૂ.30 હજાર થઈ રહ્યો છે. એકમોમાં સિંગખોળનો ભરાવો થઈ રહ્યો છે. સામે ઓઈલમિલમાં પણ કામકાજ હાલ માત્ર 15 ટકા જ જેવા વધ્યા છે. જો સોયા ડિઓસી પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવે તો તેના ભાવ વધે અને સિંગખોળની બજારમાં ડિમાન્ડ નીકળે.

બીજુ આયાતી તેલમાં વેપાર પહેલાની જેમ રાબેતા મુજબ થયા છે. જેથી ભાવ હાલમાં સ્થિર જોવા મળે છે. જો વેપાર રાબેતા મુજબ રહેશે તો ભાવમાં હજુ ઘટાડો થવાની સંભાવના છે. તેમ સોમાના પ્રમુખ કિશોરભાઈ વિરડિયા જણાવે છે. તેમજ વેપારીઓના જણાવ્યાનુસાર હાલ મગફળીની બજાર પણ તૂટી છે.

મંગળવારે યાર્ડમાં ઝીણી મગફળીની આવક 2600 ક્વિન્ટલ હતી. જેમાં નીચો ભાવ રૂ.1090 બોલાયો હતો. જ્યારે ઊંચો ભાવ રૂ.1338 હતો. જ્યારે જાડી મગફળીમાં 900 ક્વિન્ટલની આવક હતી અને તેનો ભાવ રૂ.1055 થી 1288 સુધી બોલાયો હતો. વધુમાં તેલના વેપારીઓના જણાવ્યાનુસાર આયાતી તેલમાં વેપાર પૂર્વવત થવાથી હવે ખાદ્યતેલમાં કોઈ મોટી ઊથલપાથલની સંભાવના જોવા મળતી નથી. હજુ ભાવ ઘટે તેવી સંભાવના છે.

સૌરાષ્ટ્રના યાર્ડમાં સિંગદાણાની આવક નહિવત
​​​​​​​સિંગદાણામાં આવક નહિવત જોવા મળી રહી છે. મંગળવારે બેડી યાર્ડમાં સિંગદાણાની આવક 20 ક્વિન્ટલ, ગોંડલ યાર્ડમાં 87, ઉપલેટા યાર્ડમાં 3 ક્વિન્ટલ, ધોરાજીમાં 2 ક્વિન્ટલ, જેતપુરમાં 10 ક્વિન્ટલ, જસદણમાં 50 ક્વિન્ટલની આવક થઈ હતી. આજથી થોડા સમય પહેલા સિંગદાણામાં આવક અને વેપાર પણ મોટા પ્રમાણમાં થતા હતા, પણ હાલમાં તમામ યાર્ડમાં સિંગદાણામાં આવક અને વેપાર બન્ને ઘટી ગયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

સિંગતેલ અને સનફ્લાવર તેલનો ભાવ એકસરખો જ

તેલ1 મેનો ભાવ18 મેનો ભાવ
સિંગતેલ28102730
કપાસિયા27602680
પામોલીન26102515
સરસવ તેલ25102510
સનફ્લાવર26802730
કોર્ન ઓઈલ24802460
વનસ્પતિ ઘી26702650
કોકોનેટ ઓઈલ26202620
દિવેલ24302450

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...