નવા વર્ષે રાહ ચીંધનારૂ ગુજરાતનું ગામ:રાજકોટના રાજસમઢીયાળામાં ગુટખા ખાવા અને વેચવા પર પ્રતિબંધ, હજી સુધી એક પણ ગુનો નોંધાયો નથી, નિયમ ભંગ કરનારને પંચાયત દંડ કરે છે

રાજકોટ22 દિવસ પહેલા
  • હજી સુધી ક્યારેય ગ્રામપંચાયતની ચૂંટણી થઇ નથી, સમરસ જાહેર કરવામાં આવે છે
  • કોઇ વ્યક્તિ વસ્તુ ખરીદે તો પેકેટ પર તેનું નામ લખાય જેથી કોણે ફેંક્યું તે ખબર પડે

રાજકોટમાં ગઈકાલે દિપાવલીની હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરાઇ હતી. ઝગમગતી રોશની, ફટાકડાની આતશબાજી અને માવા મીઠાઇ સાથે લોકોએ મોજથી દિવાળી ઊજવી હતી. ત્યારે આજે વિક્રમ સંવત 2078ના પ્રારંભની સાથે નવા વર્ષની શરૂઆત થઈ છે. ત્યારે અમે તમને રાજકોટ જિલ્લાના એક એવા ગામની જ્યાં ગુટખા વેચવા પર પ્રતિબંધ છે. અહીં હજુ સુધી એક પણ ગુનો નોંધાયો નથી અને નિયમભંગ કરનારને ગ્રામ પંચાયત દંડ કરે છે. વાત થઈ રહી છે રાજકોટ જિલ્લાના રાજસમઢીયાળા ગામની...

દરેક ચૂંટણીઓમાં 100 ટકા મતદાન થાય છે
સૌરાષ્ટ્રમાં સૌથી નોંધપાત્ર ગામ તરીકે રાજકોટથી 22 કિલોમીટરના અંતરે આવેલા રાજસમઢિયાળાનું નામ દરેકના હોઠે આવી જાય. કારણ કે આ ગામમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાતી જ નથી અને સમરસ જાહેર થાય છે. ગ્રામ પંચાયત સિવાયની ચૂંટણીઓમાં 100 ટકા મતદાન થાય છે. અહીં મતદાન ન કરનારને ફટકારવામાં આવે છે દંડ. વર્ષોથી ગ્રામ પંચાયતે નિયમ બનાવ્યો છે કે, મતદાન ન કરનારને 51થી 1000 સુધીનો દંડ ભરવો પડે છે.

ગામમાં વૃક્ષ વાવવું ફરજીયાત
રાજસમઢીયાળામાં 2005થી ગામ પ્લાસ્ટિક મુક્ત બન્યું, ગામના નિયમો જ કાયદો અને લોકઅદાલત જ સુપ્રિમ છે. અહીં જુગાર, દારૂ અને પાન-મસાલાના વેચાણ પર પ્રતિબંધ છે અને વૃક્ષ વાવવું ફરિજીયાત છે. રાજસમઢીયાળા ગામને નિર્મળ ગામનો એવોર્ડ પણ મળ્યો છે. ગામમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. ગામની દરેક શેરીઓમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે. તેમજ સાઉન્ડ સિસ્ટમને કારણે તત્કાલીન મિટિંગ બોલાવવાની થાય તો ગ્રામ પંચાયતની અંદર જ બોલતા ગામના અગ્રણીઓ હાજર થઇ જાય છે. ગામની દરેક સ્ટ્રીટ લાઇટ સોલાર પર ચાલે છે.

ગામના વિકાસમાં હરદેવસિંહ જાડેજાનો સિંહફાળો
રાજસમઢિયાળામાં ગુટખા વેંચવા પર જ પ્રતિબંધ છે અને એ કોઈ તોડતું નથી. આ તમામ વાતોનો સઘળો જશ રાજસમઢિયાળાના હરદેવસિંહ જાડેજાને જાય છે. એમ.એ.નું ભણીને એસઆરપીમાં જોડાયેલા હરદેવસિંહ જાડેજાનું મન અકળાયું એટલે નોકરી છોડી દઈ ગામની વાટ પકડી લીધી, પણ એ પછી તેમણે ગામને એવું કંડાર્યું કે બીજા ગામો રાજસમઢિયાળાના માર્ગે ચાલવા મજબૂર બન્યાં છે.

સ્ટ્રીટ લાઈટ સોલાર પેનલથી ચાલે છે અને ખુણે ખુણે સીસીટીવી કેમેરા.
સ્ટ્રીટ લાઈટ સોલાર પેનલથી ચાલે છે અને ખુણે ખુણે સીસીટીવી કેમેરા.

ગામની ડોક્યુમેન્ટરી પાંચ વખત દૂરદર્શન પર દેખાડવામાં આવી
રાજસમઢીયાળા ગામની સ્વચ્છતા, નિયમો અને ગ્રામવાસીઓ વિશેની ડોક્યુમેન્ટરી દૂરદર્શનમાં પાંચ વખત બતાવવામાં આવી છે. ગામની અંદર પ્રવેશતા જ નિયમોનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. આથી મહેમાનો પણ અંદર પ્રવેશે એટલે નિયોમનું પાલન કરી શકે. હરદેવસિંહ જાડેજા 1978માં સરપંચ બન્યા બાદ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધિ મેળવી. સરપંચ બન્યા બાદ તેમણે કચરો નાંખવાનો, દારૂ પીવાનો, જુગાર રમવાનો અને ઝઘડો કરનાર ગાળ બોલે તો તેની પાસેથી દંડ વસૂલ કરવો. એક જ વર્ષમાં તેણે 30 હજારનો દંડ વસૂલ્યો હતો.

પ્લાસ્ટિક ફેંકનારા માટે 1 હજારનો દંડ.
પ્લાસ્ટિક ફેંકનારા માટે 1 હજારનો દંડ.

આ ગામની લોકઅદાલતો સુપ્રિમ
આ ગામમાં છેલ્લા 30 વર્ષથી ક્રાઈમ રેટ ઝીરો છે એટલે કે આટલા વર્ષમાં ક્યારેય અહીં પોલીસની જીપ નથી આવી કે કોઈ ગુનો નથી નોંધાયો. ગામ લોકો અને પંચાયતે નક્કી કરેલા નિયમો જ આં ગામનો કાયદો છે અને અહીંની લોક અદાલત જ ગ્રામજનો માટે સુપ્રિમ છે. ગ્રામજનોએ ક્યારેય કોર્ટના પગથીયા પણ ચઢવા પડ્યા નથી કારણ કે અહીંની લોક અદાલત અને ગ્રામ પંચાયતની કમિટી જ ન્યાય કરે છે.

ગામની શેરીમાં પણ કોઇ કચરો ફેંકતું નથી.
ગામની શેરીમાં પણ કોઇ કચરો ફેંકતું નથી.

રાજ્યના પ્રથમ આદર્શ ગામની વિશેષતાઓ
પ્રાથમિક-માધ્યમિક શાળા, આંગણવાડી, PHC સેન્ટર, સબ પોસ્ટઓફીસ, વોટર સપ્લાય, સોલાર સ્ટ્રીટ લાઈટ, અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન, સિમેન્ટના રોડ, કચરો ફેંકનાર, ચોરી-વ્યસન કરનાર, વૃક્ષ કાપનારને દંડની જોગવાઈ છે. ઝઘડા, મતભેદ અને તકરાર હોય તો બધાના સમાધાન કમિટી જ કરે છે.

ગામના ઓટલે લોકો બેસી આનંદ મેળવે છે.
ગામના ઓટલે લોકો બેસી આનંદ મેળવે છે.