રાજકોટના સમાચાર:પ્રોજેક્ટ ‘સોનેરી બાળપણ’ હેઠળ 30 આંગણવાડી તૈયાર, 70 સ્માર્ટ આંગણવાડી બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંગણવાડીઓને રંગબેરંગી ચિત્રોથી શણગારવામાં આવી. - Divya Bhaskar
આંગણવાડીઓને રંગબેરંગી ચિત્રોથી શણગારવામાં આવી.

ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્રની યોજના અમલમાં મૂકવામાં આવી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય તે પહેલાં તેના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. બાળકો હોંશભેર આંગણવાડીમાં દાખલ થાય તે માટે રાજકોટ જિલ્લામાં આવેલી ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્રોને આકર્ષિત બનાવવા હેતુસર જિલ્લા પંચાયત દ્વારા પ્રોજેક્ટ ‘સોનેરી બાળપણ’ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 30 આંગણવાડી તૈયાર થઈ ગઈ છે. જ્યારે 70 સ્માર્ટ આંગણવાડી બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે.

રંગબેરંગી ચિત્રો અને આલ્ફાબેટથી દીવાલો રંગવામાં આવી
આ પ્રોજેક્ટ હેઠળ નાના ભૂલકાઓ માટે આંગણવાડી કેન્દ્રોના બિલ્ડિંગની ડિઝાઈન અને કલર કામ ઉપર ખાસ ધ્યાન આપીને આકર્ષક બનાવવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લાના જુદા જુદા તાલુકામાં આવેલી 30 કરતા વધુ આંગણવાડી કેન્દ્રોનું રિનોવેશન થઈ ચૂક્યું છે. આ આંગણવાડી કેન્દ્રોના બિલ્ડિંગમાં BALA ટેકનિક (બિલ્ડિંગ એઝ લર્નિંગ એઈડ)ના ખાસ પ્રયોગ દ્વારા દીવાલો ઉપર ચિત્રકામ કરાવવામાં આવ્યું છે. આંગણવાડીના નાના-નાના ભૂલકાઓને ગમત સાથે અવનવું જ્ઞાન પણ મળી શકે તે હેતુસર રંગબેરંગી ચિત્રો, આલ્ફાબેટ, વિવિધ કેરેક્ટરો દ્વારા દીવાલોનું ચિત્રકામ કરવામાં આવ્યું છે.

આલ્ફાબેટ સાથેના ચિત્રો દોરવામાં આવ્યા.
આલ્ફાબેટ સાથેના ચિત્રો દોરવામાં આવ્યા.

આંગણવાડીઓમાં આવી સુવિધાઓ હશે
આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ વધુ વગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં સરકારી શાળાઓના બાળકો માટે ડ્રીમ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યા છે. ત્યારે ‘સોનેરી બાળપણ’ પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી કેન્દ્રોને રિનોવેટ કરીને બાળકોને આંગણવાડીઓ પ્રત્યે આકર્ષિત કરવાની આ એક અનોખી પહેલ છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ જિલ્લાની 30 આંગણવાડી કેન્દ્રની દીવાલો પણ હવે બોલશે. 70 સ્માર્ટ આંગણવાડી બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. આ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા, ડિજીટલ બોર્ડ, સ્ટાઈલીશ બેઠક વ્યવસ્થા, અવનવા રમકડાઓ સહિતની આધુનિક સગવડો સ્માર્ટ આંગણવાડીઓમાં હશે.

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વીડિયો કોર્ષનું આયોજન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રવિવારના રોજ સવારે 10.45 કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે GPSC તથા રાજ્ય સરકારની વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મદદ થવાના ભાગરૂપે ઓનલાઈન વીડિયો કોર્ષ શરૂ કરવાના અનુસંધાને વેબ સંકુલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ફ્રી મેગા સેમીનારનું દિપ પ્રાગટ્ય ગુજરાત રાજ્યના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગનાં મંત્રી અરવિંદ રૈયાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...