ત્રીજી લહેરનો ડર:સૌરાષ્ટ્ર યુનિ.માં યુવક મહોત્સવ રદ, ઓનલાઇન પદવીદાન સમારોહ યોજવાની વિચારણા

રાજકોટ15 દિવસ પહેલા
ફાઈલ તસવીર
  • ભીડમાં કોરોના વકરે નહિ તેથી યુવક મહોત્સવ રદ કરવામાં આવ્યો છે: ઉપકુલપતિ

કોરોનાને લીધે રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટ રદ કરવા નિર્ણય કર્યા બાદ હવે તમામ જગ્યાએ કાર્યક્રમ મોકૂફ જાહેર થઇ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાન્યુઆરી માસમાં યોજાનારો યુવક મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. જ્યારે ફેબ્રુઆરી માસનો પદવીદાન સમારોહ પણ ઓનલાઈન યોજવા વિચારણા ચાલી રહી છે.

પદવીદાન સમારો પાછળના દિવસોમાં યોજાઇ શકે છે
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી હાલ યુનિવર્સિટીમાં કાર્યક્રમો - મેળાવડા બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. જાન્યુઆરી માસનો યુવક મહોત્સવ રદ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે પદવીદાન સમારોહ ઓનલાઇન યોજવા વિચારણા ચાલી રહી છે અથવા પદવીદાન સમારોહનો સમય ફેરફાર કરી પાછળના દિવસોમાં યોજાઇ તેવી શકયતા છે.

ઉપકુલપતિ ડો.વિજય દેસાણીની ફાઈલ તસવીર
ઉપકુલપતિ ડો.વિજય દેસાણીની ફાઈલ તસવીર

છાત્રોને ઘરે ડીગ્રી પહોંચાડવામાં આવશે
એક વિચારણા એવી પણ છે કે આ પદવીદાન સમારોહમાં માત્ર મેડલીસ્ટ વિદ્યાર્થીને બોલાવી પદવી આપવામાં આવશે. જ્યારે બાકીના છાત્રોને ઘરે ડીગ્રી પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજે કોરોનાને લઈને સાંજ સુધીમાં સરકાર નવી ગાઈડલાઈન જાહેર થઈ શકે છે. જોકે, સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, સરકાર હાલ કોઈ મોટા નિયંત્રણો રાખવાના મૂડમાં નથી. ગાઈડલાઈનમાં માસ્ક ફરજીયાત પહેરવા પર ભાર મુકાશે. માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઈનો કડક અમલ કરાશે. સાથે જ હોટલ, રેસ્ટોરન્ટ અને જિમ કાર્યરત રહેશે. જો કે હોટલ, રેસ્ટોરન્ટ અને જિમમાં ક્ષમતા અંગે નિર્ણય લેવાઈ શકે છે. સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડામાં છુટછાટ ઘટી શકે છે. રાત્રિ કરફ્યુના સમયમાં પણ બદલાવ થઈ શકે છે.