રાજકોટના રેલનગરમાં સાર્વજનિક પ્લોટમાં કોર્પોરેશનની મંજૂરી વગર બંધાયેલા શિવ મંદિરને બે દિવસ પૂર્વે રાજકોટ મહાનગર પાલિકા ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આથી હિન્દુ ધર્મની આસ્થાને ઠેંસ પહોંચતા આજે કોંગ્રેસની ફરિયાદ સેલ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકર ભાવેશ પટેલે ભગવાન શંકરનો વેશ ધારણ કરી રસ્તા પર ચાલીને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. આ રીતે વિરોધ દર્શાવવામાં આવતા પોલીસે ભાવેશ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
બે દિવસ પહેલા શિવ મંદિર તોડી પડાયું હતું
રાજકોટ શહેરનાં વોર્ડ નંબર 3માં આવેલા રેલનગર વિસ્તારમાં આસ્થા ચોક ખાતે બે દિવસ પૂર્વે રાજકોટ મનપા દ્વારા ભગવાન શિવનું મંદિર તોડી પાડવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આજે બે દિવસ બાદ રાજકોટ શહેર કોંગ્રેસ ફરિયાદ સેલ દ્વારા આ જ જગ્યા પર ભગવાન શંકરનો વેશ ધારણ કરી હર હર મહાદેવનો નારો લગાવી રસ્તા પર વિરોધ નોંધાવ્યો હતો. જોકે કોંગી કાર્યકર્તાઓ રસ્તા પરથી મંદિરની જગ્યા સુધી પહોંચે એ પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.
સીધું બુલડોઝર ફેરવવું ગેરવ્યાજબીઃ કોંગ્રેસ
વિરોધ કરવા આવેલા કોંગી આગેવાનોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર હિન્દુત્વનાં નામની મોટી મોટી વાતો કરી રહી છે અને હિન્દુત્વનાં નામે સમગ્ર દેશમાં મત મેળવવા
પ્રચાર કરી રહી છે ત્યારે રાજકોટમાં વોર્ડ નંબર 3માં મનપા દ્વારા ભગવાન શિવનું જ મંદિર તોડી પાડવામાં આવતા લોકોની આસ્થાને ઠેંસ પહોંચી છે. જો આ જગ્યા પર શક્ય ન હોય તો
તેમને નોટિસ પાઠવી બાદમાં મંદિર માટે વૈકલ્પિક જગ્યા ફાળવી જોઈએ. પરંતુ આ કંઇ જ કર્યા વગર સીધું બુલડોઝર ફેરવવું ગેરવ્યાજબી છે.
શહેર કોંગ્રેસે પાવડા-તગારા ઉપાડી ખાડા બૂર્યા
રાજકોટ શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે. આથી શહેર કોંગ્રેસ દ્વારા છેલ્લા બે દિવસથી ખાડા બૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશ રાજપુત, મનપાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી, જસવંત ભટ્ટી સહિતના આગેવાનોએ પાવડા-તગારા ઉપાડી ખાડા બૂરવાનું કામ કરી રસ્તાનાં સમારકામ કરી રહ્યાં છે.
મહિલાઓએ હર હર શંભુ ભોળાની ધૂન બોલાવી હતી
બે દિવસ પહેલા કોમન પ્લોટ પર શિવ મંદિરને મનપાની દબાણ હટાવ શાખાએ તોડી પાડ્યું હતું. જોકે, સ્થાનિક લોકો મંદિરનાં ઓટા પર બેસી જતા પોલીસની લાંબી સમજાવટ બાદ નીચે ઉતર્યા હતા અને પોલીસનાં ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ હતી. સ્થાનિક લોકોએ સ્થાનિક કોર્પોરેટરો પર રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, અમારો વિસ્તાર વોર્ડ નં.3માં આવે છે. આ અંગે કોર્પોરેટરોને ફોન કરતા તમામનો ફોન સ્વીચઓફ આવતો હતો. ડિમોલિશન બાદ મહિલાઓએ હર હર શંભુ ભોળાની ધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.