શોકિંગ પરિણામ:રૂપાણીના રાજકોટમાં ગાબડું, જિ.પં.ની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસની જીત, ભાજપનાં સૂપડાં સાફ, બાવળિયા ગઢ સંભાળવામાં અસફળ

રાજકોટ19 દિવસ પહેલા
શિવરાજપુર અને સાણથલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની જીતનો જશ્ન.
  • ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નં.5ની પેટાચૂંટણીમાં ભાજપ પર કોંગ્રેસનો પંજો ફરી વળ્યો

રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું, જેનું આજે પરિણામ આવ્યું છે. એમાં ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયાં છે અને કોંગ્રેસનો પંજો ઊંચો રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે, આથી ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી હતી. જોકે એમાં તેઓ અસફળ રહેતાં તેમના જ ગઢમાં ગાબડું પડ્યું છે. જોકે સીધો ફટકો વિજય રૂપાણીના હોમટાઉનમાં પડ્યો છે.

શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા
કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના સભ્યનું અવસાન થતાં ખાલી બેઠક પર પેટાચૂંટણી આવી હતી, જેમાં ભાજપમાંથી છગન તાવિયા અને કોંગ્રેસમાંથી વિનુ મેણિયા વચ્ચે જંગ ખેલાયો હતો. એમાં છગન તાવિયાને 4868 મત મળ્યા છે અને વિનુ મેણિયાને 5621 મત મળ્યા છે, આથી કોંગ્રેસના વિનુ મેણિયાએ ભાજપના છગન તાવિયાને 2084 મતથી હાર આપી છે.

સાણથલી બેઠક પર કોંગ્રેસનાં મહિલા ઉમેદવારનો વિજય.
સાણથલી બેઠક પર કોંગ્રેસનાં મહિલા ઉમેદવારનો વિજય.

સાણથલી બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર 235 મતથી વિજેતા
કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનું અવસાન થતાં ખાલી પડેલી આ બેઠકની પેટાચૂંટણી આવી હતી, જેમાં કોંગ્રેસમાંથી શારદાબેન વિનુભાઇ ધડુક અને ભાજપમાંથી રસીલાબેન વેકરિયા વચ્ચે જંગ ખેલાયો હતો. એમાં કોંગ્રેસનાં શારદાબેનને 5103 મત મળ્યા હતા અને ભાજપનાં રસીલાબેનને 4868 મત મળ્યા હતા, આથી કોંગ્રેસનાં શારદાબેન 235 મતથી વિજેતા થયાં છે.

આ પણ વાંચોઃ રાજકોટ જિ.પં.ના પ્રમુખે કહ્યું- એક બેઠક ઓછી થવાથી કંઇ ફરક પડ્યો નથી, બાવળિયા અને બોઘરાની આંતરિક લડાઇમાં મતદારોએ નારાજગી દર્શાવી

ઉપલેટામાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવારનો વિજય.
ઉપલેટામાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવારનો વિજય.

ઉપલેટામાં પણ કોંગ્રેસનો પંજો ફરી વળ્યો
રાજકોટના ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નં.5ની પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ છે. ભાજપનાં મહિલા સભ્યનું કોરોનામાં મૃત્યુ થતાં બેઠક ખાલી પડતાં પેટાચૂંટણી આવી હતી, જેમાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર દક્ષાબેન વેકરિયાની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર કૃણાલ સોજીત્રાને 885 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેનને 1098 મત મળ્યા છે.

મતગણતરીના સ્થળે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ.
મતગણતરીના સ્થળે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ.

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ બોઘરા અને બાવળિયા વચ્ચે આંતરિક ખટરાગનું પરિણામ
જસદણ તાલુકાની આ બંને બેઠકમાંથી શિવરાજપુર બેઠક કોંગ્રેસ પાસે હતી. જ્યારે સાણથલી બેઠક ભાજપ પાસે હતી. પરંતુ આ પેટાચૂંટણીમાં સાણથલી બેઠક પણ કોંગ્રેસે કબ્જે કરી લેતા જિલ્લા ભાજપમાં સોંપો પડી ગયો છે. જસદણ તાલુકાના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા વચ્ચે ક્યાંકને ક્યાંક આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે. આથી સાણથલી બેઠક ઉપર ભાજપની હાર થઇ છે. જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બંને બેઠકના અગાઉના ઉમેદવારોનાં કોરોનાથી નિધન થતા આ બંને સીટો ઉપર પેટાચૂંટણી યોજાઇ હતી ઉલ્લેખનીય છે કે, આ પેટા ચૂંટણીમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર પણ પ્રચારમાં ઉતર્યા હતા.

(કરસન બામટા, આટકોટ)

1 બેઠક ઓછી થવાથી ફરક નહીં પડે
ક્યાંકને ક્યાંક ચૂક રહી છે તેનો અભ્યાસ કરાશે. જિલ્લા પંચાયતની સત્તા ભાજપ પાસે છે. એક બેઠક ઓછી થવાથી કોઈ લાંબો ફરક પડ્યો નથી. જિલ્લાના દરેક ગામ અમારા માટે સમાન છે. ભાજપ હોય કે કોંગ્રેસ કામમાં કોઈ ફેર નહીં પડે. > ભૂપત બોદર, પ્રમુખ, જિલ્લા પંચાયત, રાજકોટ

​​​​​​​આપથી કોંગ્રેસના મત તૂટશે તે અનુમાન ઊંધું પડ્યું
​​​​​​​બન્ને બેઠક પર આપની ભૂમિકા મહત્ત્વની રહી છે. આપના ઉમેદવાર જીતવામાં સફળ રહ્યાં નથી, પરંતુ ભાજપને હરાવામાં સફળ રહ્યાં છે. શિવરાજપુર બેઠક પર આપના ઉમેદવારને 1,949 મત અને સાણથલી બેઠક પરથી 2868 મળ્યા છે. આંતરિક રીતે ભાજપને એવો આત્મવિશ્વાસ હતો કે, આપનો ઉમેદવાર કોંગ્રેસના મત તોડશે. જેનો ફાયદો ભાજપને મળશે પરંતુ પરિણામો તેની સંપૂર્ણ વિરુદ્ધ રહ્યાં છે.

ભાજપની હાર છતાં બાવળિયાની જીત?
સૂત્રોનું માનીએ તો મંત્રીમંડળમાંથી બાદબાકી થઈ ત્યારથી બાવળિયા નારાજ છે. તેની વચ્ચે પેટાચૂંટણી આવતા પક્ષને સીધી રીતે પોતાની તાકાત બતાવી દીધી છે. માત્ર પ્રચાર કરવા ખાતર બાવળિયા મેદાને ઉતર્યા હતા. આંતરિક રીતે બાવળિયા નિષ્ક્રિય રહ્યા હતા. જો ચૂંટણીમાં રસ લીધો હોત તો શિવરાજપુર બેઠક પર ભાજપ જીતી શકે તેવી સ્થિતિમાં હતું. બીજી તરફ બાવળિયાએ આડકતરી રીતે એ પણ બતાવી દીધું છે કે, વિધાનસભામાં મારી ટિકિટ કપાશે તો આ સ્થિતિ માટે પક્ષ તૈયાર રહે.​​​​​​​અન્ય સમાચારો પણ છે...