રાહુલ ગાંધીને ઇડીએ સમન્સ આપતા રાજકોટ કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આવતીકાલે સોમવારે રાજકોટ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ અંગે શહેર કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આવતીકાલે રાહુલ ગાંધીને ઇડીમાં ખોટી રીતે સમન્સ કરવા સામે સમગ્ર દેશમાં ઇડીના મુખ્ય મથક સામે ધરણા અને પ્રદર્શનનું આયોજન છે. સરકાર વિરોધી અવાજને દબાવવા માટે ઇન્કમટેક્સ, ઇડીનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, ભાજપ ડરની રાજનીતિ કરે છે.
આંદોલન કરતા લોકો સામે ખોટા કેસ કરવામાં આવે છે કગથરાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 25થી 27 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે. તેમજ દેશમાં 8 વર્ષથી છે. આમાં માત્રને માત્ર લોકોને ડરાવવાનું લક્ષ્ય બની ગયું છે. લાખો યુવાને બેકાર છે, તેના પેપર ફૂટી જાય અને લોકો આંદોલન કરવા બહાર નીકળે તો એના પર કેસ કરી કારકિર્દી ખતમ કરી નાખવાનો ડર ઉભો કરે છે. કોંગ્રેસ પાર્ટીના એક વખતના ફાયનાન્સ મંત્રી હોય તો તેને ઇડીની નોટિસ મોકલવી આ બધુ લોકોમાં ડર પેદા કરવા માટે થાય છે.
ઉદ્યોગપતિઓ કહે છે સાહેબ અમારાથી ન બોલાય રાજકોટ એટલે ગાંધીજીની ધરોહર કહેવાય. ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા તેને પ્રાઇવેટને સોંપી દેવી આ બધુ એ કરે એ લીલા. સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉદ્યોગપતિઓ હોય, વેપારીઓ હોય તો તેઓ કહે છે કે સાહેબ અમારાથી ન બોલાય હો, અમને નોટિસ આવે. આમ કોઈ બોલી ન શકે તે ડર છે. રાજકોટની અંદર 20 વર્ષમાં મંદી નથી જોઇ એટલી ઉદ્યોગોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. તેમ છતાં વાહ વાહ કરવી પડે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી લડશે પણ ડરશે નહીં. કોઈને 35 વર્ષ પહેલાના કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવે છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટી ડરની સામે લડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.