ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાં પ્રાણ ફૂંકવાની કવાયત જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. આજે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સહિત દિગ્ગજ નેતાઓ રાજકોટ આવી પહોંચ્યા છે. નેતાઓ બે દિવસ સુધી રાજકોટમાં ધામા નાખશે અને બે દિવસ દરમિયાન બે દાયકાથી પડી ભાંગેલી કોંગ્રેસને બેઠી કરવા અને વિધાનસભાની ચૂંટણી જીતવાની રણનીતિ ઘડે તેવું જાણવા મળ્યું છે. આજે કોંગ્રેસનો 137મો સ્થાપના દિવસ તેમજ સેવાદળના સ્થાપના દિવસ નિમિત્તે શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે તમામ નેતાઓએ એકઠા થઈને ધ્વજવંદન કર્યું હતું. આ પછી કાલ સુધી બેઠકોનો ધમધમાટ યથાવત રહેશે.
સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના નેતાઓ સાથે બેઠક કરશે
પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા સુખરામ રાઠવા, સહપ્રભારી જીતેન્દ્ર બધેલ ઉપરાંત અનેક ધારાસભ્યો આજે હાજર રહ્યા છે. બે દિવસ દરમિયાન હાર્દિક પટેલ સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ રહેશે. રાજકોટ આવી પહોંચેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા સુખરામ રાઠવા, સહ પ્રભારી જીતેન્દ્ર બઘેલ સહિતનાનો સમાવેશ થાય છે. આ નેતાઓ રાજકોટમાં હાજર રહીને સૌરાષ્ટ્રના આઠ જેટલા જિલ્લાના કોંગ્રેસી નેતાઓ સાથે અલગ-અલગ તબક્કે બેઠક યોજનાર હોવાનું શહેર પ્રમુખ અશોક ડાંગર તેમજ કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા રાજકોટમાં થનારા કાર્યક્રમોમાં આજે ધ્વજવંદન ઉપરાંત હેમુ ગઢવી ઓડિટોરિયમ હોલમાં ‘મોક વિધાનસભા’ પણ યોજવામાં આવી હતી.
સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના નેતાઓ સાથે ચિંતન બેઠક યોજશે
આ પછી આજે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા જેમાં અમરેલી, જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના કોંગ્રેસી નેતાઓ સાથે પ્રાદેશિક નેતાઓ ચિંતન બેઠક કરશે. દરેક જિલ્લાના નેતાઓ સાથે ટોચના નેતાઓ એક કલાક સુધી ચર્ચા કરશે અને તેમના જિલ્લામાં કોંગ્રેસના શાનદાર દેખાવ માટે શું કરવું જોઈએ? ઉપરાંત સંગઠનને મજબૂત કરવા ઉપર ભાર આપવા સહિતના મુદ્દાને અગ્રતા આપવામાં આવશે. જ્યારે આજે સાંજે પાંચ વાગ્યે નાગર બોર્ડિંગ ખાતે રાજકોટ જિલ્લા કોંગ્રેસની પણ ચિંતન બેઠક મળશે.
કાલે સવારે શહેર કોંગ્રેસ સાથે ચિંતન બેઠક યોજશે
દિગ્ગજ નેતાઓ આજે રાજકોટમાં જ રાત્રિ રોકાણ કર્યા બાદ કાલે સાંજ સુધી પણ વિવિધ જિલ્લાના આગેવાનો સાથે બેઠક યોજનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. કાલે સવારે રાજકોટ શહેર કોંગ્રેસની ચિંતન બેઠક મળ્યા બાદ બપોરે 12 વાગ્યાથી અલગ-અલગ જિલ્લાઓની બેઠક મળશે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, બોટાદ સહિતનાનો સમાવેશ થાય છે. જિલ્લાના નેતાઓ સાથે પણ એક-એક કલાક સુધી ચર્ચા કરવાનો કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમોમાં કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓ ઉપરાંત રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષી ઉપનેતા અને ધારાસભ્ય શૈલેષ પરમાર, સી.જે.ચાવડા પણ ખાસ હાજર રહેશે. જ્યારે હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓની પણ ખાસ હાજરી રહેશે.
કોંગ્રેસમાં ઘરવાપસી કરનાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂની ગેરહાજરી
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા પહેલીવાર રાજકોટ આવ્યા છે. કોંગ્રેસમાં ઘરવાપસી કરેલા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગેરહાજર રહ્યા છે. કોંગ્રેસ પક્ષના ધ્વજ વંદન અને મોકવિધાનસભામાં તેઓની ગેરહાજરી જોવા મળી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુની સૂચક ગેરહાજરીથી રાજકીય અટકળો વધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.