રાજકોટમાં બંધને મિશ્ર પ્રતિસાદ:કોંગ્રેસ દ્વારા શાળા-કોલેજ બંધ કરાવતા NSUIના કાર્યકરોની અટકાયત, ટાયરો સળગ્યા

રાજકોટ16 દિવસ પહેલા

ગુજરાતમાં મોંઘવારી સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે સવારે 8થી 12 વાગ્યા દરમિયાન સાંકેતિક બંધનું એલાન આપ્યું હતું. રાજકોટમાં આજે બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જુના રાજકોટની અમુક બજારો થોડો સમય બંધ રહી હતી. બંધના એલાન દરમ્યાન શાળા-કોલેજો બંધ કરાવવા જતા NSUIના કાર્યકરોની પોલીસ સાથે બોલાચાલી થવા પામી હતી. જેમાં NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત પાંચ જેટલા હોદ્દેદારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જો કે એકમાત્ર કુવાડવા રોડ ખાતે ટાયરો સળગાવ્યાની ઘટના સિવાય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.

શાળા-કોલેજો બંધ કરાવવામાં આવી
શાળા-કોલેજો બંધ કરાવવામાં આવી

સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું
કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને લઈ સવારથી કોંગ્રેસના આગેવાનો બજારની અંદર સતત રાઉન્ડ ક્લોક ફરી રહ્યા હતા. ત્યારે સતત પોલીસ પાછળ હોય એસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા સોની બજાર સહિતનાં મુખ્ય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અને કોંગ્રેસના આગેવાન ડોક્ટર હેમંતભાઈ વસાવડા, રણજીત મુંધવા, ભાવેશ પટેલ, નિલેશ ગોહિલ, સંજયભાઈ લાખાણી સહિત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતની અટકાયત કરવામાં આવી હતી.

તમામની અટકાયત કરવામાં આવી
આ ઉપરાંત NSUIનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા શહેરની ભાલોડિયા તેમજ કણસાગરા કોલેજ બંધ કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો. અનેએનએસયુઆઈનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતનાઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે પોલીસ દ્વારા ભાલોડીયા અને કણસાગરા કોલેજ બંધ કરાવવા બાબતે તમામની અટકાયત કરવામાં આવી છે.

કોલેજ બંધ કરાવવા બાબતે તમામની અટકાયત, ટાયર સળગાવવામાં આવ્યા
કોલેજ બંધ કરાવવા બાબતે તમામની અટકાયત, ટાયર સળગાવવામાં આવ્યા

તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો
બીજીતરફ રાજકોટ શહેરનાં કુવાડવા રોડ ખાતે ટાયર સળગાવવામાં આવ્યા હતા. અજાણ્યા શખ્સો દ્રારા ટાયરો સળગાવવામાં આવતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો. અને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્રારા કરવામાં આવેલા આંશિક બંધના સર્મથનમાં આ ટાયર સળગાવવામાં આવ્યા હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

લોકોએ બંધને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો
કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત સૌરાષ્ટ્ર કોંગ્રેસનાં પ્રભારી રામકીશન ઓઝા આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહીં બપોરે તેમણે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ તકે ઓઝાએ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલું બંધનું એલાન સંપૂર્ણપણે સફળ રહ્યાનો દાવો કર્યો હતો. સાથે જ ​​​​​​ તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. જ્યારે કેન્દ્રમાં પણ હાલ ભાજપની સરકાર છે. જેને લઈ મોંઘવારી સતત વધી રહી છે. સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બન્યું છે. આમ છતાં કેન્દ્રનાં નાણામંત્રી કહે છે કે, મોંઘવારી કોઈ મુદ્દો નથી. તો હર્ષ સંઘવી વિશે જણાવતા કહ્યું હતું કે, તેઓ ખૂબ અનુભવી છે. પરંતુ અમારા દરવાજાની ચિંતા તેમણે કરવાની જરૂર નથી. કોંગ્રેસે શું કરવાનું છે તે કોંગ્રેસ સારી રીતે જાણે છે. .

અન્ય સમાચારો પણ છે...