ગુજરાત સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં સુશાસન સપ્તાહની ઉજવણીમાં કરવામાં આવી રહી છે. ત્યારે આજે રાજકોટમાં ભાજપ દ્વારા ‘શહેરી જનસુખાકારી દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેની સામે આજે રાજકોટ કોંગ્રેસ દ્વારા ‘જન અધિકાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના કાર્યક્રમ સામે વિરોધના ભાગરૂપે રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરી સરકારની નિષ્ફળતાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં કોર્પોરેટરો સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી
શહેરના ન્યુ થોરાળા વિસ્તાર ખાતે સરકાર સામે ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ સમયે રાજકોટ વોર્ડ નંબર 15ના કોર્પોરેટરો અને શહેર કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોનો થોરાળા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અટકાયત સમયે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. તેમજ પોલીસ વેનમાં કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા.
ગઈકાલે ભાજપના વિકાસ સામે કોંગ્રેસનો વિકાસ ખોજ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો
રાજકોટમાં ગઇકાલે મનપા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે શહેરી જનસુખાકારી દિનની ઉજવણી અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ચેક અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેના વિરોધમાં શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 'વિકાસ કોનો? વિકાસ ખોજ અભિયાન શરુ કરી ફોનમાં ફ્લેશ લાઈટ ચાલુ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સાથે ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા. આ ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા 39 જેટલા કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક મહિલા અને કાર્યકરો રસ્તા પર પડી ગયા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.