તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રમાં વિરોધ:પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે રાજકોટ કોંગ્રેસનો સાયકલ સાથે વિરોધ, ટીંગાટોળી કરી અટકાયત, જામનગરમાં થાળી વગાડી

રાજકોટએક વર્ષ પહેલા
કોંગ્રેસના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની અટકાયત કરાઇ
  • સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, જાહેરનામા ભંગનો ગુનો નોંધાવાની શક્યતા

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા આજે બુધવારે રાજકોટ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ સાયકલ રેલી યોજી વિરોધ કર્યો હતો. બાદમાં જમીન પર બેસી સરકાર અને ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. સાયકલ પર બેનરો લગાવવામાં આવ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે,   ભાજપ તેરે અચ્છે દિન જનતા તેરે બુરે દિન, દુનિયાભરમાં સોંઘુ પેટ્રોલ ભાજપ રાજમાં મોંઘુ પેટ્રોલ, સરકારી તિજોરી ભરવા પ્રજાની લૂંટ બંધ કરો. વિરોધ કરતા રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા સહિત 7 કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી છે. જામનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા થાળી વગાડી વિરોધ કરવામાં આવ્યો હતો. 

જામનગરમાં થાળી વગાડી વિરોધ 

જામનગર કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ રસ્તા પર એકત્ર થઇ થાળી-વેલણ વગાડ્યા હતા. જો કે, આ વિરોધમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. થાળી વગાડી કોંગ્રેસના કાર્યકરોએ સરકારને જગાડવાના પ્રયાસ કર્યો હોવાનું કાર્યકરોએ જણાવ્યું હતું. તેમજ ભાજપ અને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોની અટકાયત કરી હતી. 

કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા 

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કાર્યકરોએ સમુહમાં એકત્ર થઇ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ અમુકે તો મોઢા પઇ માસ્ક બાંધ્યા હોવા છતાં મોઢુ ખુલ્લું જોવા મળ્યું હતુ. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં બે વખત જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ થયો છે. ત્યારે આજે ફરી એકવાર ગુનો દાખલ થાય તેવી શક્યતા છે.  ગાયત્રીબા વાઘેલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ પોલીસના ઈશારે કામ કરી રહી છે. પોલીસ ભાજપના કાર્યકર બની રહી ગઈ છે.

ભાવનગરમાં સાયકલ રેલી યોજી 
પેટ્રોલ ડીઝલના ભાવ વઘારાના વિરોધમાં કોંગ્રેસના આગેવાનોએ સાઈકલ લઈને કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પત્ર પાઠવ્યું હતું. ભાવનગર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિત આગેવાનો પેટ્રોલ ડીઝલના ભાવ વઘારાના વિરોધમાં સાઈકલ પર કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે લોક ડાઉનમાં લોકોને સહાય આપવાને બદલે પેટ્રોલ ડિઝલના ભાવમાં જે વઘારો કર્યો છે તે અસહ્ય છે. લોકડાઉનના સમયમાં દરેક વર્ગના લોકોની આર્થિક હાલત ખરાબ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ તળિયે છે ત્યારે ભાવ ઘટાડવાના બદલે વઘારો કર્યો છે તે પરત ખેંચવામાં આવે તેવી રજૂઆત કરી હતી. 
(ભરત વ્યાસ, ભાવનગર/હસિત પોપટ, જામનગર)

અન્ય સમાચારો પણ છે...