તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:રાજકોટ સિવિલમાં આવેલા મેડ ઈન ચાઇના મશીનનો કોંગ્રેસે વિરોધ કર્યો, 5 વર્ષમાં 57 કરોડ રૂપિયા ચાઈના જશે, ખરીદી કરનાર સામે કડક કાર્યવાહીની માંગ

રાજકોટ10 મહિનો પહેલા
કોંગ્રેસની પ્રેસ કોન્ફર્ન્સ - Divya Bhaskar
કોંગ્રેસની પ્રેસ કોન્ફર્ન્સ
  • અમદાવાદ મનપા કમિશનરની જેમ રાજકોટ કલેક્ટરને આઈસોલેશન કરી બદલી કરાશેઃ કોંગ્રેસનો આક્ષેપ
  • સિવિલના કોવિડ સેન્ટરમાં 20 લાખની કિંમતના 2 ચાઈનીઝ મશીન મૂકવામાં આવ્યા છે
  • ચીનની સરહદ પર તણાવભરી સ્થિતિ વચ્ચે લોહીના પરીક્ષણ માટે બે મશીન આવતા વિવાદ સર્જાયો

રાજ્ય સરકારે GMSCL (ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ)ના માધ્યમથી રાજકોટમાં લોહીના પરીક્ષણ કરવા માટે બે મશીન મોકલ્યા છે. આ મશીન ચાઇના બનાવટના છે. જેના પગલે આજે કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, અત્યારે ચાઇનીઝ કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ રાજ્ય સરકાર ચાઇનીઝ કંપનીના મશીન મંગાવી રાજકોટ સહિતની હોસ્પિટલમાં સપ્લાય કરે છે. જેથી ચાઈના મશીનની ખરીદી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. કારણ કે 5 વર્ષમાં 57 કરોડ રૂપિયા ચાઈના જશે.

કોન્ટ્રાક્ટ મુજબ 57 કરોડ રૂપિયા ચાઈના જશે: કોંગ્રેસ
કોંગ્રેસે ચાઈનાના મશીનનો વિરોધ કરતા કહ્યું કે આ મશીનમાં વપરાતા કેમિકલને 5 વર્ષ સુધી ખરીદવાનો સરકારે નિર્ણય કર્યો છે. એક દર્દી દીઠ રિપોર્ટમાં 30 રૂપિયાનું કેમિકલ વપરાય છે. શહેરમાં એક દિવસમાં 500 ટેસ્ટ થાય તો 15 હજાર રૂપિયાનો ખર્ચ થાય. આમ 25 મશીન મૂકવામાં આવે તો દર વર્ષે 11.25 કરોડ રૂપિયા થાય અને 5 વર્ષના કોન્ટ્રાક્ટ પ્રમાણે 57 કરોડો રૂપિયા ચાઈના જશે. જેથી ચાઈનાના મશીન ખરીદી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

કલેક્ટરને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા તે એક ષડયંત્ર છે: કોંગ્રેસ નેતા
કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કલેક્ટર અને મનપા કમિશનર વચ્ચે ઈગો પ્રોબ્લેમ છે. જેથી કોઈ અધિકારી કોઈનું માનતા નથી. આમ કામ ન થાય મને ચોક્કસ માહિતી છે કે કલેક્ટરની થોડા દિવસમાં બદલી થશે. જે રીતે અમદાવાદના મનપા કમિશનરની બદલી થઈ તે રીતે આ કલેક્ટરની પણ બદલી કરી દેવામાં આવશે. કારણ કે નેતાઓના કામ કલેક્ટર નથી કરતા એટલે તેમની બદલી થશે. હાલ કલેક્ટરને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. જે બદલી કરવાનું એક ષડયંત્ર છે.

કેમિકલ કીટ 5 વર્ષ સુધી ચીનથી ખરીદવામાં આવશે
એક તરફ ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. આ બધા વચ્ચે ગુજરાત સરકાર આર્થિક રીતે ચાઇનાને મદદ કરતી હોવાનો સીધો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હેમાંગ વસાવડાએ કર્યો છે. આ મશીન માં દર્દીઓના બ્લડનું પરીક્ષણ કરવામાં આવે છે અને આ પરીક્ષણ માટે વપરાતી કેમિકલ કીટ પણ આવતા 5 વર્ષ સુધી ચીનથી ખરીદવા નિર્ણય કર્યો છે. જેથી એક શહેરમાં 500 ટેસ્ટ થાય તો એક શહેર દીઠ રોજ ચીનને 15000 રૂપિયા ચીન સુધી પહોંચે તેવો દાવો પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હેમાંગ વસાવડા દ્વારા કરવામાં આવ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં 2 મશીન ચાઈનાથી આવ્યા છે
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લોહીના પરીક્ષણ માટે ચાઈનાથી બે મશીનો આવ્યા છે. 20 લાખની કિંમતના બંને મશીનને હાલમાં કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારના GMSCL દ્વારા રાજ્યભરની મેડિકલ કોલેજોમાં આ મશીન મૂકવામાં આવ્યા છે. જે કંપનીના આ મશીન છે તે કંપની ચાઇનીઝ કંપની છે. રાજ્યમાં આ પ્રકારના 16થી 17 મશીન આવ્યા છે. જે અલગ અલગ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. આમ એક તરફ ચીનની સરહદ પર તણાવભરી સ્થિતિ છે. ચીની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવા સરકાર લોકોને અપીલ કરે છે. તેવા સમયે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લોહીના પરીક્ષણ માટે ચીનના બે મશીન આવતા વિવાદ સર્જાયો છે.