આશરો આપો:રાજકોટના ખોડિયારનગરમાં 80 મકાનના ડિમોલિશનમાં અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ફાળવવા કોંગ્રેસની મનપા કમિશનરને રજુઆત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગઈકાલે ડિમોલિશનમાં લોકોએ ઘરવખરી રસ્તા પર મૂકી દીધી હતી. - Divya Bhaskar
ગઈકાલે ડિમોલિશનમાં લોકોએ ઘરવખરી રસ્તા પર મૂકી દીધી હતી.
  • સરકારની ગાઈડલાઈન્સ મુજબ બને ત્યાં સુધી ચોમાસા દરમિયાન ડિમોલિશન ન કરવું જોઈએ

રાજકોટમાં વોર્ડ નં.13માં ખોડિયારનગર વિસ્તારમાં ટીપી રોડ લઇને મનપાએ ગઈકાલે 80 મકાન પર બુલડોઝર ફેરવી દીધું. વરસતા વરસાદમાં લોકોએ પોતાની ઘરવખરી બહાર કાઢી રસ્તા વચ્ચે મૂકી દીધી હતી. જોકે હજી સુધી અસરગ્રસ્તોને મનપાએ ભર ચોમાસે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી નથી. ત્યારે આજે રાજકોટ મનપાના વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ મનપા કમિશનર અમિત અરોરાને અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક આવાસ ફાળવવા રજુઆત કરી છે.

મહાનગરપાલિકાએ સંવેદનશીલતા દાખવવી જોઈએ
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ રાજકોટ મહાનગરપાલિકાના કમિશરનને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ગઇકાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.13ના ખોડિયારનગર વિસ્તારમાં ટી.પી.રોડ ખુલ્લા કરવાની કામગીરીમાં માનવતાને નેવે મુકીને રાજકોટ મહાનગરપાલિકાએ ભર ચોમાસે ડિમોલિશન કર્યું હતું. ટી.પી. રોડ ખુલ્લો કરવો એ મહાનગરપાલિકાની રૂટીન કામગીરી છે. પરંતુ નાના માણસોના મકાનોનું ભર ચોમાસે ડિમોલિશન કરવામાં મહાનગરપાલિકાએ સંવેદનશીલતા દાખવવી જોઈએ.

વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં માનવતા દાખવવામાં આવે
વધુમાં જણાવ્યું હતું કે, સરકારની ગાઈડલાઈન્સ મુજબ બને ત્યાં સુધી ચોમાસા દરમિયાન ડિમોલિશન ન કરવું જોઈએ અને ડિમોલિશન કરતા પૂર્વે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ સ્થળે વર્ષોથી રહેતા પરિવારજનોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવી એ અત્યંત આવશ્યક છે. ત્યારે આ ડિમોલિશનમાં અસરગ્રસ્ત પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાલી પડેલા આવાસ યોજનાના ક્વાર્ટરની સોંપણી કરી વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં માનવતા દાખવવામાં આવે તેવી અમારી માગણી છે.

અગાઉ કમિશનરે વૈકલ્પિક આવાસ ફાળવ્યા હતા
અગાઉ ટી.પી. 7ના રોડ રોડ ખુલ્લા કરવામાં આવ્યા હતા ત્યારે તત્કાલિન મનપા કમિશનર મુકેશકુમાર દ્વારા આ અસરગ્રસ્ત પરિવારોને મોટા પ્રમાણમાં આવાસો ફાળવવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે આપ આ તમામ અસરગ્રસ્ત પરિવારોને આપ આવાસ યોજનાના ક્વાર્ટર ફાળવશો તેવી વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ માંગણી કરી છે.