ખાડામાં પણ રાજકારણ:રાજકોટમાં મેયરના વોર્ડમાં કોંગ્રેસે ખાડા પૂર્યા, મેયરે કહ્યું- અવિરત વરસાદથી મોરમ-કપચી ધોવાઇ, કોંગ્રેસ ફોટો સેશન કરી નાટક કરે છે

રાજકોટ4 મહિનો પહેલા
કોંગ્રેસ મેયરના વોર્ડ નં.12માં ખાડા પૂર્યા.
  • કોર્પોરેશનાના અધિકારીઓ ખડેપગે રહી આશરે 150 જેટલા લોકોનું શાળા નં.70માં સ્થળાંતર કરવામાં આવ્યું

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે મેયરના વોર્ડ 12 નંબરમાં રસ્તા પર ખાડા પૂરવાનું અભિયાન હાથ ધર્યું હતું. કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે, ખાડાની અંદર પાવડો નાખતા જોવા મળ્યું હતું કે 1થી 1.5 ફૂટ જેટલા ઊંડા ખાડાઓ પડી ગયા છે. રાજકોટ શહેરમાં ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ મેઘરાજાએ ખોલી છે. તેમજ રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પ્રિમોન્સુન કામગીરી કરવાની હોય તે ફક્તને ફક્ત કાગળ ઉપર કરેલી સ્પષ્ટ દેખાય છે. બીજી તરફ મેયર પ્રદીપ ડવે કોંગ્રેસને જવાબ આપતા જણાવ્યું હતું કે, 48 કલાકમાં 25 ઇંચ વરસાદથી રસ્તા ધોવાયા હતા. ખાડા પૂર્યા હતા પરંતુ અવિરત મેઘમહેરને કારણે કપચી અને મોરમ ધવોઇ ગયા છે. કોંગ્રેસ ખાડા પૂરવાનું નાટક સાથે ફોટો સેશન કરી રહી છે

ખાડા પૂરવાની કામગીરી જોઈએ એ પ્રમાણે થતી નથીઃ કોંગ્રેસ
કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે, રસ્તામાં ખાડા પૂરવાની જે કામગીરી કરવાની થતી હોય તે પ્રમાણે જોઈએ તો રાજકોટ શહેરના મોટાભાગના રોડ-રસ્તા ડેમેજ થયેલા હોય ત્યારે કામગીરી ફક્ત કાગળ ઉપર થયેલી સ્પષ્ટ થાય છે. ફક્ત એક જ વરસાદમાં રાજકોટ શહેરમાં ગેરેંટીવાળા રોડ-રસ્તાઓમાં ખાડા પડી ગયા છે અને રોડ તૂટી ગયા છે. ત્યારે ગેરેંટીવાળા રોડ રસ્તા રિપેરિંગ-મરામત કરવામાં રાજકોટ મહાનગરપાલિકા સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા બૂરો અભિયાનમાં વોર્ડ નં.12નાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો સાથે મળી શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ પુનીતનગર 80 ફૂટ મેઈન રોડ પરનાં ખોડલ ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ખાડા બૂરવામાં આવ્યા છે.

કોંગ્રેસ રિક્ષામાં કપચી લાવી ખાડા પૂર્યા.
કોંગ્રેસ રિક્ષામાં કપચી લાવી ખાડા પૂર્યા.

ભારે વાહનોની અવરજવરનાં કારણે મેટલ-મોરમનું ધોવાણઃ મેયર
બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.12ના કોર્પોરેટર અને મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું છે કે, ઓગસ્ટ માસમાં 48 કલાકમાં આશરે 25 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારબાદ આજ સુધી દરરોજ સતત વરસાદ આવી રહ્યો છે. જેના કારણે રોડ રસ્તાને નુકસાન થયું છે. આ રસ્તાને નુકસાન થયેલ છે તે રસ્તાની મરામતની કામગીરી તંત્ર દ્વારા થઈ રહી છે. પરંતુ ફરીને વરસાદના તેમજ ભારે વાહનોની અવરજવરના કારણે મેટલ-મોરમનું ધોવાણ થતું હોય છે, તંત્ર દ્વારા કામગીરી થઇ રહી છે, તે સૌ શહેરીજનો પણ જાણે છે.

વોર્ડના કોઈ પણ વિસ્તારની ચિંતા અમો કરી રહ્યા છીએઃ મેયર
કોંગ્રેસના મિત્રો દ્વારા આજરોજ અમારા પુનિતનગર વિસ્તારમાં ખાડા બૂરવાનું નાટક સાથે ફોટો સેશન કરી રહી છે. પરંતુ કોંગ્રેસના મિત્રોને જણાવવાનું કે વોર્ડના કોઈ પણ વિસ્તારની ચિંતા અમો કરી રહ્યા છીએ. અમો ચૂંટાયા બાદ પુનિતનગર વિસ્તારના રસ્તા બનાવવા માટે મંજૂર કરેલ છે. હાલ આ વિસ્તારમાં ડ્રેનેજ તેમજ સ્ટ્રોમ વોટરની કામગીરી થોડા સમય પહેલા જ પૂર્ણ થયેલ છે. હવે ચોમાસાની ઋતુ પુરી થયે ત્યારબાદ રૂ.5 કરોડના ખર્ચે પુનિતનગરથી વગળ ચોકડી સુધી પેવર કામ કરવામાં આવનાર છે. તે વિસ્તારના રહેવાસીઓ પણ જાણે છે.

કોંગ્રેસના નેતાઓએ ખાડા પૂર્યા.
કોંગ્રેસના નેતાઓએ ખાડા પૂર્યા.

ચાલુ વરસાદમાં કોર્પોરેશન દ્વારા કામગીરી કરાઇ
રાજકોટ શહેરમાં વરસેલા ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં રસ્તાના મેટલ મોરમ પેચ વર્ક, ડ્રેનેજ મેનહોલ ડીશિલ્ટીંગ, પાણી નિકાલ અને મોરમ પાથરવા સહિતની કામગીરી રાત્રિના સમયમાં પણ કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાના આદેશ અનુસાર વરસાદ પહેલા, ચાલુ વરસાદે અને વરસાદ બાદ તુરંત જ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મેનપાવર વધારી રાત્રે પણ રોડ-રસ્તા રિસ્ટોરેશન કરવાની કામગીરી તાત્કાલિક કરવામાં આવી રહી છે.

150 જેટલા લોકોનું શાળા નં.70માં સ્થળાંતર
વરસાદનું પાણી સરળતાથી પસાર થઇ શકે તે માટે તાત્કાલિક ધોરણે મેનહોલ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આજે પણ જ્યાં જ્યાં આવશ્યકતા દેખાય તે તમામ રોડ રસ્તાનું રિસ્ટોરેશન કરવાની કામગીરી થઇ રહી છે. તેમજ ગઈકાલ રાતે જંગલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં કોર્પોરેશનાના અધિકારીઓ ખડેપગે રહી આશરે 150 જેટલા લોકોનું શાળા નં.70માં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

મનપાએ 150 લોકોનું સ્થળાંતર કરી રાત્રે પણ રસ્તામાં ભરાયેલા પાણીના નિકાલ માટેની કામગીરી ચાલુ રાખી હતી.
મનપાએ 150 લોકોનું સ્થળાંતર કરી રાત્રે પણ રસ્તામાં ભરાયેલા પાણીના નિકાલ માટેની કામગીરી ચાલુ રાખી હતી.

પોપટપરા નાલામાં તાત્કાલિક સફાઈ કરાઇ
મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વરસાદના કારણે મેનહોલમાં ફસાયેલા કચરાને તાત્કાલિક સાફ કરવામાં આવ્યા છે, પોપટપરા નાલામાં તાત્કાલિક સફાઈ કામગીરી કરવામાં આવી હતી. તેમજ ચાલુ વરસાદે પણ સફાઈ કર્મચારી દ્વારા મેનહોલ ચોખી રાખવાની કામગીરી કરવામાં આવી હતી, જેનાથી વરસાદી પણ સરળતાથી વહી જાય અને પાણીનો સંગ્રહ ન થાય. વોર્ડ નં.2માં ગાંધીજીના સ્ટેચ્યુની સામેના વિવિધ વિસ્તારમાં, વોર્ડ નં.3માં મોચી બજાર, કોર્ટ ચોક વગેરે વિસ્તારો, વોર્ડ 7માં સોની બજારના વિસ્તારોમાં વિવિધ રોડ રિસ્ટોરેશનનની કામગીરી, વોર્ડ નં. 17માં સુભાષનગર સહિતના વિસ્તારો તેમજ વોર્ડ નં.14માં 80 ફૂટ રોડ ખાતે મેટલ/મોરમ પેચ કામ તથા પેવીંગ બ્‍લોક રીપેર કરવાની કામગીરી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...