ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આપેલા સૂત્ર મુજબ આ વર્ષે ભૂતકાળના બધા રેકોર્ડ તોડી નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રનો રેકોર્ડ નવો હોવો જોઈએ તેવી પ્રધાનમંત્રીની વાત જનતાએ માન્ય રાખી છે. જેમાં સૌરાષ્ટ્રમાં પાછલી ચૂંટણીમાં મળેલ હારનો અભ્યાસ કરીએ તો આ વર્ષે ભાજપે પરિવર્તન સાથે સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો પૈકી 46 બેઠકો પર કેસરિયો લહેરાવ્યો છે. આની પાછળ મોદી ફેક્ટર કામ કરી ગયું અને કોંગ્રેસના ગઢમાં સભાઓ ગજવી તેમના કાંગરા ખેરવી નાખ્યા છે. તેમજ પાટીદારો અને કોળી સમાજ ભાજપ તરફી હોય તેવું પણ સાબિત કરી બતાવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના 9 જિલ્લામાં કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. ખંભાળિયામાં ગઢવી અને આહિર વચ્ચેની લડાઇમાં કોંગ્રેસે પોતાની સીટ ગુમાવવી પડી છે.
કોંગ્રેસ સાઇલન્ટ રહી તો પરિણામ પણ સાઇલન્ટ જ રહ્યું
કોંગ્રેસ સાઇલન્ટ થઇ હતી તેવું ખુદ પ્રધાનમંત્રી કહેતા હતા. પરંતુ મતદારોએ આ વખતે સાઇલન્ટ રહી કોંગ્રેસને જાકારો આપ્યો છે. એટલું જ નહીં વાંકાનેર, ઉના, અમરેલી જેવા વિસ્તારોમાં પણ ગાબડું પાડી ભાજપે સોળે કળાએ કમળ ખીલવી દીધું છે. તેની પાછળ જીતનો શ્રેય જો કોઈને આપવો હોય તો મોદી વેવ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત સૌરાષ્ટ્ર પ્રવાસના પ્રચારને આપી શકાય તેમ છે.
રાજકોટની 8 બેઠકમાં 1 કોંગ્રેસની બેઠક હતી તે પણ ગઈ
સૌ પ્રથમ વાત કરીએ તો સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ જિલ્લામાં કુલ 8 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં વર્ષ 2017માં કોંગ્રેસે 2 અને ભાજપે 6 બેઠક પર જીત મેળવી હતી. જો કે ત્યારબાદ કુંવરજીભાઇ ભાજપમાં પ્રવેશ કરતા રાજકોટ જિલ્લામાં કોંગ્રેસની એક માત્ર ધોરાજી બેઠક બચી હતી. જે પણ આ વખતે ગુમાવવાનો વારો આવ્યો છે. આજે રાજકોટ જિલ્લાની તમામ 8 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. જેમાં પાસ આંદોલનને કારણે જીત મેળવી ધારાસભ્ય બનેલા લલિત વસોયાએ પણ હારનો સામનો કરવો પડ્યો છે અને દરેક બેઠક પર આમ આદમી પાર્ટીએ ભાજપને ફાયદો કરાવી કોંગ્રેસને જરૂર નુકસાન પહોચાડ્યું છે.
વાંકાનેરમાં ભાજપે 50 વર્ષે કોંગ્રેસનો ગઢ તોડ્યો
બીજી તરફ સિરામિક નગરી તરીકે જાણીતા મોરબીમાં કુલ 3 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં વાંકાનેરને 50 વર્ષથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને પીરજાદા પરિવારના સભ્યો આ બેઠક પરથી ચૂંટાઇને ધારાસભ્ય બને છે. પરંતુ આ વર્ષે વાંકાનેરમાં પણ પીરજાદાનો ગઢ તોડી ભાજપના જીતુ સોમાણીએ જીત હાંસલ કરી છે. મોરબીમાં તાજેતરમાં બનેલી ઝુલતા પુલ દુર્ઘટનાની અસર જોવા મળશે તેવું ચર્ચાતું હતું. પરંતુ તેની કોઈ અસર આ ચૂંટણીમાં જોવા મળી હોય તેવું લાગતું નથી. એટલું જ નહીં હરહંમેશ ભાજપ અને ગેસના ભાવને લઇ સ્મૃતિ ઈરાની સામે ભાષણ કરતા પાસના કાકા લલિત કગથરાએ પણ ટંકારા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે.
કોંગ્રેસના ગઢ અમરેલીમાં તો કોંગ્રેસનું ખાતું જ ન ખુલ્યું
અમરેલીમાં પણ સ્થિતિ રાજકોટ જેવી સર્જાઈ છે અને તમામ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની પાંચે પાંચ બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી અને વિપક્ષ નેતા તરીકે પણ અમરેલીના પરેશ ઘાનાણીની પસંદગી કરવામાં આવી હતી આ વખતે પાર્ટીએ તેમને પણ રિપીટ કર્યા હતા પરંતુ મોદી વેવમાં તેમની પણ હાર થવા પામી છે. એક માત્ર રાજુલા બેઠક પર છેલ્લી ઘડી સુધી ભાજપના હીરા સોલંકી અને કોંગ્રેસના અંબરીસ ડેર વચ્ચે ટક્કર ચાલી પરંતુ અંતે પાતળી સરસાઇથી ભાજપના ઉમેદવાર હીરા સોલંકીની જીત થવા પામી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પૂર્વે અમરેલી આવી ભાજપના આગેવાનો સાથે બંધબારણે 45 મિનિટ ચર્ચા કરી અમરેલી કબજે કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જે સફળ નીવડતા આજે અમરેલીમાં પણ તમામ પાંચ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.
ગીર સોમનાથમાં કોંગ્રેસને એક જ બેઠક મળી
ગીર સોમનાથ જિલ્લામાં પણ સોમનાથ, તાલાલા કોડીનાર અને ઉના ચારેય બેઠક પર વર્ષ 2017માં કોંગ્રેસની જીત થઈ હતી. જેની સામે આ વર્ષે એકમાત્ર સોમનાથ બેઠક પર વિમલ ચુડાસમાને બાદ કરતા તાલાલા, કોડીનાર અને ઉનાની મળી કુલ ત્રણ બેઠક પર કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં પુંજાભાઈ વંશ જેવા દિગ્ગ્જ નેતાનો પણ સમાવેશ થાય છે. કોળી સમાજ હોય કે પાટીદાર સમાજ હોય પરંતુ આ વર્ષે તમામ સમાજે મોદી વેવમાં ભાજપ તરફ મતદાન કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને સીધી રીતે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને નુકસાન થયું હોવાનું ચિત્ર સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.
પોરબંદરમાં ભાજપ ફાવી શક્યું નહીં
પોરબંદર જિલ્લા પર નજર કરીએ તો પોરબંદર જિલ્લામાં પોરબંદર અને કુતિયાણા બે વિધાનસભા બેઠક છે. જેમાં પાછલા વર્ષે ભાજપ અને એનસીપીની જીત થઇ હતી. જેની સામે આ વર્ષે કોંગ્રેસ અને અન્યને ફાળે એક એક બેઠક આવી છે. એટલે કે અહીંયા ભાજપે બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. વર્ષ 2002ની જેમ 2022માં પણ બાબુ બોખિરિયાએ હારનો સામનો કરવો પડ્યો છે અને સતત બે વખત હારનો સામનો કર્યા બાદ આ વખતે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે. કુતિયાણામાં કાંધલરાજ યથાવત્ જણાતા સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાની જીત થવા પામી છે. જેઓ પાછલા વર્ષે NCPમાંથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા.
આખરે જામનગરમાં AAPનું ખાતું ખૂલ્યું
જામનગર જિલ્લામાં કુલ 5 વિધાનસભા બેઠકો સમાવેશ થાય છે. 5 બેઠકો પૈકી 2 બેઠક ભાજપ અને 3 બેઠક કોંગ્રેસના ફાળે હતી. જેની સામે આ વખતે 5 પૈકી 1 બેઠક આપ અને 4 બેઠક પર ભાજપની જીત થઈ છે. જામગરમાં આ વખતે સેલિબ્રિટી તરીકે રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા પણ ચૂંટણી મેદાનમાં હતા. જેઓની પણ જીત થઈ છે. જો કે, જામજોધપુર બેઠક પર કોંગ્રેસના ચિરાગ કાલરિયાની હાર થઈ છે અને અહીંયાં આપના ઉમેદવાર હેમંત આહિરની જીત થઇ છે.
જૂનાગઢમાં મોટો અપસેટ સર્જાયો
જૂનાગઢ જિલ્લામાં કુલ 5 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. અહીંયાં આ વખતે પરિણામમાં એક મોટું અપસેટ જોવા મળ્યું છે. જેમાં પાછલી ચૂંટણીમાં જીત મેળવી બાદમાં ભાજપમાં પ્રવેશ કરી ચૂંટણી મેદાનમાં ઉતરેલા હર્ષદ રીબડિયા અને જવાહર ચાવડા બન્નેની હાર થઈ છે. જેમાં જવાહર ચાવડા સામે કોંગ્રેસના અરવિંદ લાડાણી અને હર્ષદ રીબડિયા સામે આપના ભૂપત ભાયાણીની જીત થઈ છે. આમ કુલ 5 બેઠકો પૈકી 3 બેઠક પર ભાજપ અને 1-1 બેઠક પર કોંગ્રેસ અને આપની જીત થઈ છે.
ખંભાળિયામાં આપનો CM ચહેરો ઈસુદાન હાર્યા
સૌથી મહત્વની અને અગત્યની બેઠક દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક કારણ કે આપના સીએમ પદના ઉમેદવાર અહિયાંથી ચૂંટણી લડ્યા હતા. જો કે અહીંયા તેઓની હાર થઈ છે. કોંગ્રેસના વિક્રમ માડમ અને આપના ઈસુદાન ગઢવી બન્નેને હરાવી ભાજપના વર્ષો જૂના નેતા અને પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાએ જીત હાંસલ કરી છે. આહિર અને ગઢવી સમાજના મતોનું વિભાજન થતા દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પર ભાજપને સીધો ફાયદો થયો છે અને આ બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે કબ્જે કરી છે.
ભાવનગરમાં 1 બેઠક પર આપનો વિજય
ભાવનગર જિલ્લામાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે. અહીંયા વર્ષ 2017માં 7 પૈકી 6 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. જેની સામે આ વર્ષે ભાજપે 6 બેઠક પર અને આપ એ 1 બેઠક જીત હાંસલ કરી છે. એટલે કે ભાવનગરમાં પણ કોંગ્રેસે ગુમાવવાનો વારો આવ્યો છે. ગારિયાધર બેઠક પાછલી ચૂંટણીમાં ભાજપ પાસે હતી. જો કે અહીંયા આપના ઉમેદવાર સુધીર વાઘાણી જીત હાંસલ કરતા ભાજપે ગુમાવવાનો વારો આવ્યો છે. જેની સામે તળાજાની કોંગ્રેસની બેઠક ભાજપે અંકે કરી ભાવનગરની 6 બેઠક જાળવી રાખી છે.
કચ્છમાં કોંગ્રેસના સૂપડા સાફ
કચ્છમાં કુલ 6 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં વર્ષ 2017માં ભાજપ પાસે 4 કોંગ્રેસ પાસે 2 બેઠક હતી. જેની સામે આ વખતે કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. અહીં પણ મોદી મેજીક કામ કરતા મતદારો ભાજપ તરફી વળ્યા હોવાનું જણાઇ આવે છે.
બોટાદના કમળ પર આપનું ઝાડુ ફરી વળ્યું
બોટાદ જિલ્લાની બે બેઠક જેમાં ગઢડા અને બોટાદનો સમાવેશ થાય છે. 2017માં ગઢડા બેઠક પર કોંગ્રેસ તો બોટાદ બેઠક ભાજપે જીત મેળવી હતી. જેની સામે આ વખતે અહીંયા ગઢડા બેઠક પર ભાજપના શંભુપ્રસાદ ટુંડીયાની જીત થઇ છે. જ્યારે બોટાદ બેઠક પર આપના ઉમેશ મકવાણાની જીત થઈ છે. જો કે પાછલા વર્ષે બોટાદ બેઠક પરથી સૌરભ પટેલની માંડ માંડ જીત થઈ હતી. આમ છતાં બોટાદમાં ભાજપ ડેમેજ કંટ્રોલ ન કરી શકતા બેઠક ગુમાવવાનો વારો આવ્યો અને બોટાદના કમળ પર આપનું ઝાડુ ફરી વળ્યું.
સુરેન્દ્રનગરમાં કોળી મતદારો ભાજપ પર કળશ ઢોળ્યો
વર્ષ 2017માં સુરેન્દ્રનગર જિલ્લાની કુલ 5 બેઠક પૈકી 4 બેઠક પર કોંગ્રેસ અને એક માત્ર વઢવાણ બેઠક પર ભાજપની જીત થઈ હતી. જો કે આ વર્ષે કોંગ્રેસને મોટો ફટકો પડતા કોંગ્રેસે અહીં તમામ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે અને આ તમામ બેઠક ભાજપે અંકે કરી સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય બેઠક પર કમળને જીત અપાવી છે. કોળી મતદારો નિર્ણાયક હોય છે તેવું તો માનવામાં આવે છે પરંતુ આ વખતની ચૂંટણીમાં કોળી મતદારો પણ ભાજપની સાથે હોય તેવું ચિત્ર સૌરાષ્ટ્ર-કચ્છના પરિણામ પરથી સાબિત થઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.