વિધાનસભા ચૂંટણી:કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ પાસે 200 કરોડની સંપત્તિ, વૈભવી કારનો શોખ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ વર્ષમાં રાજ્યગુરુની સંપત્તિ 59 કરોડ વધી, અભ્યાસ ધોરણ 12 પાસ
  • ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વિધાનસભા 68-69માં કોંગ્રેસે ઉમેદવારી નોંધાવી

વિધાનસભાની ચૂંટણી લડવા મેદાને પડેલા જનતાના સેવકોએ રાજકીય ક્ષેત્રમાં પોતાનો દબદબો જમાવ્યો છે એ રીતે જ પોતે જે ધંધા વ્યસાય સાથે જોડાયેલા છે તેમાં પણ તેઓ સતત ઊંચાઇ સર કરતા હોય છે, રાજકોટની ચાર બેઠક માટે ઉમેદવારી નોંધાવનાર મુખ્ય પક્ષોના ઉમેદવારો કરોડપતિ છે, ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસમાંથી વિધાનસભા 68 બેઠક માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વિધાનસભા 69 બેઠક માટે મનસુખ કાલરિયાએ ફોર્મ ભર્યા હતા, ફોર્મ સાથે કરેલા સોગંદનામામાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની તથા તેના પત્નીની મળી રૂ.200 કરોડની મિલકત દર્શાવી હતી, રાજ્યગુરુ પાસે વૈભવી ગાડીનો ખજાનો હોવાનું પણ જોવા મળ્યું હતું.

પૂર્વ ધારાસભ્ય અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેર કરેલા સોગંદનામા મુજબ તેમણે ધોરણ 12 પાસ સુધી અભ્યાસ કર્યો છે, તેમના હાથ ઉપર રોકડા રૂ.5.79 લાખ અને તેના પત્ની દર્શનાબેન પાસે રૂ. 34 હજાર દર્શાવ્યા હતા. 2021-22માં ઇન્દ્રનીલે રૂ.41 લાખનું અને પત્ની દર્શનાબેને રૂ.50 લાખનું રિટર્ન ભર્યું હતું, જ્યારે 2018-19માં ઇન્દ્રનીલે 33 કરોડનું રિટર્ન ફાઇલ કર્યું હતું. પોતાના બેંક ખાતામાં ઇન્દ્રનીલે થાપણ રોકાણ તરીકે રૂ.43 કરોડ, બતાવ્યા હતા, ઇન્દ્રનીલ વૈભવી કારના શોખીન છે, તેમના નામે વોક્સવેગન, લેન્ડરોવર, બીએમડબ્લ્યુ સહિતની કંપનીની કાર અને બીએમડબ્લ્યુ સહિતની કંપનીના બાઇક સહિતના રૂ.2.42 કરોડના વાહનો છે, પત્ની પાસે રૂ.33 લાખના વાહનો અને એક ડઝન વૈભવી કાર છે, ઇન્દ્રનીલ પાસે રૂ.34 લાખનું સોનું અને તેમના પત્ની પાસે રૂ.2.89 લાખનું સોનું છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે અનેક સ્થળે ખેતીની જમીન, મકાન, ફ્લેટ અને પ્લોટ છે. મુંજકાના વિવિધ સરવે નંબરો, સુરેન્દ્રનગર, હડમતિયા બેડી, કાળીપાટ, રૈયામાં ખેતીની જમીન, વાંકાનેર તાલુકા, ભગવતીપરા સહિતના વિસ્તારોમાં જમીનના પ્લોટ, જાગનાથ, રૈયા રોડ, મુંજકા, રૈયાગામ અને ધારીમાં 48 કરોડથી વધુ કિંમતના મકાનો છે. કન્સ્ટ્રક્શન અને હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાના પર રૂ.61 કરોડનું અને તેમના પત્ની દર્શાનબેન ઉપર રૂ.14 કરોડનું દેણું દર્શાવ્યું હતું. ઇન્દ્રનીલે જાહેર કરેલી મિલકતોમાં 92 કરોડની સ્થાવર, 87 કરોડની સ્વોપાર્જિત અને રૂ. 47 કરોડની વારસાગત મિલકતો દર્શાવી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુ 2017માં વિધાનસભા 69 બેઠક પર તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમણે ફોર્મ ભરતી વખતે રૂ.141 કરોડની મિલકત દર્શાવી હતી આમ પાંચ વર્ષમાં 59 કરોડની મિલકતનો વધારો થયો હતો. ઇન્દ્રનીલ સામે વર્ષ 2017માં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે.

આ ઉપરાંત વિધાનસભા 69 બેઠક માટે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર મનસુખભાઇ કાલરિયાએ બીએસસી કર્યું છે, તેમણે પોતાની પાસે હાથ ઉપર રૂ.1.50 લાખ, પત્ની નીતાબેન પાસે રૂ.3.75 લાખની રોકડ છે, મનસુખ કાલરિયાએ 2021-22માં 59 હજારનું રિટર્ન ભર્યું છે, તેમના પત્નીએ રૂ. 2.80 લાખનું અને પુત્ર પથિકે રૂ.15.31 લાખનું રિટર્ન ભર્યું છે, કાલરિયા પાસે એક કાર, એક સ્કૂટર છે, પત્ની પાસે 10 તોલા સોનું, પત્નીના નામે 42 લાખની જમીન અને એક દુકાન છે, પુત્ર પાસે રૂ.20 લાખની જંગમ 40 લાખની મિલકત દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...