રાજકોટમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલના લેખિત આરોપથી સર્જાયેલા ખળભળાટ વચ્ચે કોંગી નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ 10 ફેબ્રુઆરીના રોજ પોલીસ ભ્રષ્ટાચારનો ભોગ બનેલા લોકો માટે ‘લોકદરબાર’ યોજવાનું એલાન કર્યુ છે.
પોલીસનો ભ્રષ્ટાચાર ખુદ ભાજપ ધારાસભ્યએ ખુલ્લો પાડયો છે
કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ, મિતુલ દોંગા, અતુલ રાજાણી, વશરામ સાગઠીયાએ નિવેદનમાં કહ્યું છે કે, રાજકોટ પોલીસનો ભ્રષ્ટાચાર ખુદ ભાજપ ધારાસભ્યએ ખુલ્લો પાડયો છે. પોલીસે સતાનો દુરુપયોગ કરીને અથવા હપ્તાખોરીથી લોકોને ખંખેર્યાના સંખ્યાબંધ કેસો હોવાનું સ્પષ્ટ છે ત્યારે આવા લોકોની વેદનાને વાચા આપવા કોંગ્રેસે 10 ફેબ્રુઆરીએ ગુરુવારે બપોરે 1થી5 વાગ્યા સુધી લોકદરબાર રાખ્યો છે. કાલાવડ રોડ, યુનિવર્સિટી ગેટ પાસે નીલ સીટી કલબ ખાતેની રાજયગુરુ વાડી ખાતે આ લોકદરબાર યોજાશે. પોલીસની સતાના દુરુપયોગનો ભોગ બનેલા લોકોને લોકદરબારમાં આવવા આહવાન કર્યુ છે.
રૂપાણીના કાર્યકાળમાં હવાલા પોલીસ કમિશનર લેતા હતા
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ મીડિયાને કોંગી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન કોઈપણ વાંધાવચકા માટે હવાલા નીતિન ભારદ્વાજ અને પોલીસ કમિશનર લેતા હતા. એટલું જ નહિ, સરકાર દ્વારા ગુજરાત પર દમનનું રાજકારણ IAS અને IPSના હાથે કરાવવામાં આવી રહ્યું છે. આ સાથે ભાજપના આગેવાનોએ જ કરેલા ગંભીર આક્ષેપ છતાં પણ અધિકારી સામે એક્શન લઇ સસ્પેન્ડ કરવામાં નહિ આવે, કારણ કે ભાજપ સરકાર IAS અને IPSને ભ્રષ્ટાચારના એજન્ટ બનાવી કામ કરાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.