આક્ષેપો:રાજકોટમાં કોંગી નેતાએ કહ્યું- રૂપાણીએ શરૂ કરેલા નવા બ્રિજના કામો આ સરકાર સમયસર પૂરા નહીં કરી શકે, ભાજપના જૂથવાદથી લોકોને ટ્રાફિકની યાતના વેઠવાનો વારો

રાજકોટએક મહિનો પહેલા
કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડા.
  • રાજકોટને પડનાર મુશ્કેલીઓ માટે એકમાત્ર ભાજપની જૂથબંધી જવાબદાર

રાજકોટ શહેરમાં હાલ 8 નવા બ્રિજની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે લોકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે કોંગ્રેસના દિગ્ગજ નેતા ડો.હેમાંગ વસાવડાએ હાલની સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગોકળ ગતિએ ચાલી રહેલા બ્રિજના કામોને કારણે લોકોએ ટ્રાફિકની યાતના વેઠવાનો વારો આવ્યો છે. રૂપાણી સરકારે શરૂ કરેલા નવા બ્રિજના કામો આ સરકાર સમયસર પૂરા નહીં કરી શકે. રાજકોટ ભાજપના જૂથવાદ વચ્ચે લોકોએ ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે.

ટ્રાફિક ડાયવર્ઝનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી
વસાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના ગોંડલ રોડ, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, અમદાવાદ રોડ અને સિવિલ હોસ્પિટલ ચોક ખાતે એમ વિવિધ સ્થળે બ્રિજનાં કામો ચાલી રહ્યા છે. જેમાં અણઘડ અધિકારીઓની અણઆવડતને લીધે ટ્રાફિકની ગણતરી કે ટ્રાફિક ડાયવર્ઝનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. કાલે ગોંડલ રોડ પર એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફંસાઇ હોવાથી પૂર્વ વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ ટ્રાફિક ક્લિયર કરાવવો પડ્યો હતો. એના પહેલા પોલીસમાં ભરતી થવા આવેલી બે બહેનો દ્વારા અન્ય સ્થળે ટ્રાફિકજામ દૂર કરાવવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું.

રોજ કાલાવડ રોડ પર સાંજે ટ્રાફિકજામ થાય છે.
રોજ કાલાવડ રોડ પર સાંજે ટ્રાફિકજામ થાય છે.

એમ્બ્યુલન્સ ફસાય તેના માટે તંત્રને જ જવાબદાર ગણવું પડે
વધુમાં તેમણે કહ્યું હતું કે, એમ્બ્યુલન્સ જેવા વાહનો ફસાય તેના માટે તંત્રને જ જવાબદાર ગણવું પડે. હાલ લોકોમાં ચર્ચા છે કે, ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે અને રૂપાણી સરકારે શરૂ કરેલા તમામ પ્રોજેક્ટ ભુપેન્દ્ર પટેલની સરકાર કદાચ ટલ્લે ચડાવશે. સાથે મને પણ આ બાબતનો ડર સતાવી રહ્યો છે. કારણ કે, હાલમાં અધિકારીઓને સૂચના આપનારા ભાજપનાં નેતાઓ બદલી ગયા છે. જૂના નેતાઓ કોરાણે મૂકાયા છે. અને નવા નેતાઓ દેખરેખ રાખી રહ્યા છે. ત્યારે નવી સરકાર ઢીલી નીતિ અપનાવે અને કોઈ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ ન થાય તેવી શક્યતા છે. જો આવું થાય તો રાજકોટને પડનાર મુશ્કેલીઓ માટે એકમાત્ર ભાજપની જૂથબંધી જવાબદાર ગણાશે.

એસ્ટ્રોન ચોક પાસે પણ ટ્રાફિકજામ થાય છે.
એસ્ટ્રોન ચોક પાસે પણ ટ્રાફિકજામ થાય છે.
નવા બ્રિજ બનતા હોવાને કારણે શહેરના રસ્તા પર ટ્રાફિકજામ વધ્યો.
નવા બ્રિજ બનતા હોવાને કારણે શહેરના રસ્તા પર ટ્રાફિકજામ વધ્યો.
અન્ય સમાચારો પણ છે...