• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Cong Leader And His Brother Fired On A BJP Worker In Connection With The Protest, The Incident Was Captured On CCTV, MP Mokria Arrived At The Scene

હુમલો:રાજકોટમાં કોંગી આગેવાન અને તેના ભાઈએ ભાજપના કાર્યકર પર ઉઘરાણીના મામલે કર્યું ફાયરિંગ, ઘટના CCTVમાં કેદ

રાજકોટ15 દિવસ પહેલા
  • લેતી-દેતીના પ્રશ્ને ભાજપ કાર્યકરને જે. કે. ચોકમાં બોલાવી ગાળો ભાંડી બાદમાં જ્યોતિનગર ચોકમાં લઈ જઈ પગ પાસે ફાયરિંગ કર્યું
  • સાંસદ મોકરિયા ઘટનાસ્થળે પહોંચ્યા

કાલાવડ રોડ અને એસએનકે સ્કૂલની વચ્ચે આવેલા જ્યોતિનગર ચોકમાં કોંગ્રેસના આગેવાન અને તેના ભાઈએ ભાજપના કાર્યકર પર રૂપિયાની લેતી-દેતીના મામલે પગ પાસે ફાયરિંગ કરી બંને આરોપી નાસી ગયા હતા. આ ઘટનાની જાણ થતા ભાજપના સાંસદ રામ મોકરિયા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ વોર્ડ નં.10માંથી મહાનગરપાલિકાની ચૂંટણી લડીને હારી ગયેલા કોંગ્રેસના આગેવાન અભિષેક તાળા અને તેના ભાઈ રાજદીપ તાળાએ ગત લોકસભાની ચૂંટણી સમયે ભાજપમાં ભળેલા હર્ષિત જાનીને રૂપિયાની લેતી-દેતીના મામલે ફોન કરીને જે. કે. ચોકમાં બોલાવ્યો હતો. જ્યાં હર્ષિતને ગાળો ભાંડ્યા બાદ આરોપી અને હર્ષિત બાજુમાં જ આવેલા જ્યોતિનગર ચોકમાં પહોંચ્યા હતા.

જ્યાં રૂપિયાની લેતી-દેતીના મુદ્દે મામલો વધુ ઉગ્ર બન્યો હતો આથી અભિષેક અથવા તો તેના ભાઈ રાજદીપે રિવોલ્વર જેવા હથિયારમાંથી હર્ષિતના પગ પાસે એક ફાયરિંગ કર્યું હતું જો કે એક ચર્ચા મુજબ બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનું જાણવા મળે છે.હર્ષિત જાની પર ફાયરિંગ કર્યા બાદ તાળા બંધુઓ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ હર્ષિતે રાજકોટના એક ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન કરીને સમગ્ર ઘટનાથી વાકેફ કરતા યુનિવર્સિટી પોલીસમથક અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો જ્યોતિનગર ચોક દોડી ગયો હતો અને આખી ઘટના શું છે, તેમાં કોણે રૂપિયા ચુકવવાના છે અને કેટલા તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.

આ બનાવની જાણ થતા રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયા પણ જ્યોતિનગર ચોક પહોંચ્યા હતા અને ઘટના અંગે જાણકારી મેળવી હતી.ફાયરિંગની ઘટના હોવા છતાં એક પોલીસ અધિકારીએ સમાધાનના પ્રયાસ શરૂ કર્યા હતા પરંતુ તાળા બંધુઓ ફાયરિંગ કરીને ભાગ્યા તેમજ ઝઘડો થયો તે સહિતની તમામ ગતિવિધિ બાજુમાં આવેલા એક રેસ્ટોરન્ટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

કેટલાક અગ્રણીઓ પણ સમાધાન માટે આગળ આવ્યા હતા જોકે ફાયરિંગ થયું તે વાત પોલીસ અધિકારીઓ પણ જાણતા હોવાથી મોડી રાત્રે આ ઘટના અંગે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. હર્ષિત જાની 2019માં લોકસભાની ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા બાદ તે નિષ્ક્રિય થઇ ગયો હતો અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાથે નિકટતા ધરાવતો હોવાનું પણ રાજકીય વર્તુળોમાંથી જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...