ભૂલકાં ક્યાં સુધી નહીં ભણે !:ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા સ્કૂલ સંચાલકોના ધમપછાડા, સરકારની ચૂપકીદી, દિવાળી પછી સ્કૂલો શરૂ થઈ શકે

રાજકોટ3 મહિનો પહેલા
  • બાળકોનું શિક્ષણ બગડે નહીં માટે સરકાર વહેલી તકે નિર્ણય લે તે જરૂરી છે : ગુજરાત સ્વનિર્ભર શાળાસંચાલક મંડળના ઉપપ્રમુખ
  • નવરાત્રી પહેલા ધો.1 થી 5 ના વર્ગો શરૂ કરવા પૂર્વ CMએ તૈયારી દાખવી હતી
  • નવી સરકાર પડકાર ઝીલશે કે ઝૂકી જશે !

કોરોનાની વૈશ્વિક મહામારી કારણે છેલ્લા દોઢ વર્ષથી શાળા કોલેજો બંધ થયા બાદ કોરોનાની બીજી ઘાતક લહેર પુરી થતા રાજ્ય સરકાર દ્વારા એક બાદ એક નિર્ણય કરી શાળા કોલેજ શરૂ કરવા નિર્ણય કરવામાં આવેલ છે. હાલ ધોરણ 6 થી 12 અને કોલેજ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે ફરી એક વખત શાળા સંચાલક મંડળ દ્વારા દિવાળીના ખુલતા વેકેશન દરમિયાન ધોરણ 1 થી 5 ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવશે. પરંતુ વારંવાર રજુઆત કરવા છતાં સરકાર શા માટે નિર્ણય નથી લઇ શકતી તે પણ મોટો સવાલ છે.

ધોરણ 6 થી 12 અને કોલેજ માટે ઓફલાઇન શિક્ષણ ચાલુ છે
ગુજરાત સ્વનિર્ભર શાળાસંચાલક મંડળના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે, ધોરણ 6 થી 12 અને કોલેજમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયા બાદ ધોરણ 1 થી 5 ના વર્ગોનું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ અમારી મુખ્ય માંગ છે. એકમ કસોટી પુરી થયા બાદ આગામી શનિવારથી દિવાળી વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે દિવાળીના ખુલતા વેકેશન એટલે કે 21 નવેમ્બર થી ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા મંજૂરી આપે તેવી મુખ્ય માંગ છે. ધોરણ 6 થી 12 અને કોલેજ માટે ઓફલાઇન શિક્ષણ ચાલુ છે બે માસ જેટલો સમય થયો શાળામાં 90% જેટલી હાજરી વિદ્યાર્થીઓની જોવા મળે છે છતા ગુજરાતમાં કોઇ પણ શાળા કે કોલેજમાં કોઇ અણબનાવ બનેલ નથી માટે હવે ધોરણ 1 થી 5 વર્ગો ઓફલાઇન શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે.

ગુજરાત સ્વનિર્ભર શાળાસંચાલક મંડળના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ
ગુજરાત સ્વનિર્ભર શાળાસંચાલક મંડળના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ

સરકાર વહેલી તકે નિર્ણય લે તે જરૂરી
વધુમાં તેમને જણાવ્યું હતું કે, બાળકો માટેની વેક્સિનને મંજૂરી મળી જવા પામી છે અને નવેમ્બર મહિનામાં 2 વર્ષથી 18 વર્ષના બાળકોને વેક્સિનેશન શરૂ કરવા કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે ત્યારે હવે દિવાળીના ખુલતા વેકેશન દરમિયાન ધોરણ 1 થી 5 ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા જોઈએ. કેટલાક વાલીઓ પણ શાળાએ આવી ધોરણ 1થી 5 ના વર્ગો શરૂ કરવા માટે શાળા સંચાલક સમક્ષ રજૂ કરી રહ્યા છે. આ સાથે મોટા વિદ્યાર્થીઓ અભ્યાસ અને વાંચન કરી આગળ અભ્યાસ કરી શકશે પરંતુ ધોરણ 3 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ આગળ થોડો મુશ્કેલ બન્યો છે. કારણ કે ધોરણ 1 અને 2 માં માસ પ્રમોશન આપ્યા હોવાથી વાંચન અને લેખન માટે મુશ્કેલ થઇ રહ્યું છે. બાળકોનું શિક્ષણ બગડે નહીં માટે સરકાર વહેલી તકે નિર્ણય લે તે જરૂરી છે.

શાળા સંચાલકો શા કારણે ઓફલાઈન વર્ગો શરૂ કરવા કરે છે માંગ ?
(1)
ગુજરાતમાં કોરોનાના નહિવત કેસ જોવા મળી રહ્યા છે
(2) મોટા ભાગે વાલીઓ અને શિક્ષકો વેક્સિનેટેડ છે
(3) વાલીઓ શાળાએ આવી સંચાલકોને કરી રહ્યા છે રજુઆત
(4) ઓનલાઇન અભ્યાસ થી બાળકનો સ્વભાવ ચીડિયો બની ગયો છે
(5) માસ પ્રમોશનના કારણે ધોરણ 2 અને 3 માં પહોંચેલા બાળકો માટે અભ્યાસ કઠિન બન્યો છે
(6) માસ પ્રમોશન થી બાળકને પાયાનું શિક્ષણ અધૂરું રહે છે જેમાં લેખન અને વાંચનમાં મુશ્કેલી જોવા મળી રહી છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સરકાર શા માટે નિર્ણય નથી કરી શકતી !
ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવરાત્રી સમયે ઓફલાઈન વર્ગો શરુ કરવા તૈયારી દાખવી હતી પરંતુ સરકાર બદલી જતા નવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ શાળા સંચાલક મંડળ દ્વારા રજુઆત કરવા છતાં નિર્ણય ન થતા સરકાર શા માટે નિર્ણય નથી કરી શકતી તે પણ સવાલ ઉદભવી રહ્યો છે. શું સરકારને સંક્ર્મણ વધશે તેનો ડર છે ? શું વાલીઓ સરકાર સમક્ષ આવી રજુઆત કરે તેની રાહ જોવાઈ રહી છે ?