અસમંજસ:કોન્ટ્રાક્ટરના કૌભાંડને છુપાવવું કે કર્મચારીને સમજાવવા, અધિકારી બંને બાજુ ફસાયા!

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નં. 6ના સફાઈ કોન્ટ્રાક્ટમાં હાજરી કૌભાંડ દરમિયાન અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે સૂડી વચ્ચે સોપારી થયેલા કર્મચારીઓએ ખોટી હાજરી બતાવવાની ના પાડતા કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરાએ અધિકારીની હાજરીમાં સેનેટરી ઈન્સ્પેક્ટર અશ્વિન વાઘેલા સાથે અણછાજતું વર્તન કર્યું તેમજ ધમકી પણ આપી દીધી આમ છતાં મામલો દબાયેલો રહ્યો પણ કર્મચારીઓએ એક થઈને અવાજ ઉઠાવતા તેમજ આખો મામલો ભાસ્કરે બહાર લાવતા હવે અધિકારીઓની સ્થિતિ સાપે છછૂંદર ગળ્યા જેવી સ્થિતિ થઈ છે.

શહેરના 16 સેનેટરી ઈન્સ્પેક્ટરે સમગ્ર ઘટનાને લઇને પત્ર લખી હાજરીમાં ફેસ ડિટેક્ટરમાં હાજરી અને તેમાં હાજરી ન પૂરી હોય તો ઓન ડ્યૂટી બતાવીને પણ નોંધ કરવાની પ્રણાલી સામે વાંધો ઉઠાવી બંનેમાંથી એક જ રાખીને કોન્ટ્રાક્ટરના અણછાજતા વર્તન રોકવા પત્ર લખ્યો છે કારણ કે મનપાના પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર અને નાયબ પર્યાવરણ ઈજનેર સોલંકી સહિતના અધિકારીઓને આ મામલે બધી જ માહિતી હતી છતાં કોન્ટ્રાક્ટર સામે કોઇ પગલાં લેવાયા ન હતા.

હવે આ મામલો બહાર આવતા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવે તો મનપામાં સફાઈ કામદાર આવ્યા ન હોય તો પણ હાજરી પૂરીને પૈસા કટકટાવાનું હાજરી કૌભાંડ સાબિત થઈ જાય અને અત્યાર સુધી આ કૌભાંડ ચાલી રહ્યું હતું તેથી અધિકારીઓ સામે તવાઈ આવે અને જો મામલો દબાવી દેવાય તો કર્મચારીઓમાં અસંતોષ થાય જેથી અન્ય ગેરરીતિઓ પણ બહાર આવે. આ રીતે અધિકારીઓની સાપે છછૂંદર ગળ્યા જેવી સ્થિતિમાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...