હિરાસર એરપોર્ટની સોમવારે જિલ્લા કલેક્ટર અરૂણ કુમાર મહેશ બાબુએ સ્થળ સમીક્ષા કરી હતી. હાલ હિરાસર એરપોર્ટ પર એપ્રન, પાર્કિંગ ટેક્સી ટ્રેક, કમ્યુનિકેશન બિલ્ડિંગ સહિતની કામગીરી પૂર્ણ થઈ છે. તેમજ આ એરપોર્ટ પર બોઈંગ 747 લેન્ડ થઇ શકશે. જ્યારે ફાયર સ્ટેશનની કામગીરી આ માસમાં પૂરી થઈ જશે.
કલેક્ટર સાથે પ્રાંત અધિકારી સંદીપ વર્મા સહિત વિવિધ વિભાગના અધિકારીએ એપ્રોચ રોડથી રનવે સુધીની તમામ સાઈટની મુલાકાત લીધી હતી. આ તકે એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાંધે અને ડેપ્યુટી જનરલ મેનેજર અમિતાભ ચક્રવર્તીએ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટની કામગીરી રજૂ કરી હતી. જનરલ મેનેજર લોકનાથ પાંધેના જણાવ્યા મુજબ એરપોર્ટ ખાતે હાલ 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં બોક્સ ક્લવર્ટ સહિતનો 3045 x 45 મીટરનો રનવે કે જેની ક્ષમતા બોઇંગ 747 લેન્ડ થઈ શકે તે પ્રકારની છે.
આ સાથે એપ્રન, પાર્કિંગ ટેક્સી ટ્રેક, કમ્યુનિકેશન બિલ્ડિંગ સહિતનીની કામગીરી 100 ટકા, બાઉન્ડરી વોલની કામગીરી 90 ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની 95 ટકા અને ઇન્ટ્રિમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી આ માસના અંતે પૂર્ણ થઈ જશે. મેઈન ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થાય તે પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલ આવી પહોંચ્યો છે. એપ્રોચ રોડ પર કલાત્મક પ્રવેશ દ્વારા તેમજ રોડ વચ્ચે ડિવાઇડરમાં કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.