ચોરી:બેંક મેનેજરના મકાનમાં ડુપ્લિકેટ ચાવીથી રૂ.4.21 લાખની તસ્કરીની ફરિયાદ

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા.16ના વહેલી સવારે એક શખ્સ ડેલી કૂદતો CCTV કેમેરામાં કેદ થયો

શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં બેંક મેનેજરના 8 દિવસ બંધ મકાનને નિશાન બનાવી રૂ.4.21 લાખની માલમતા ચોરી ગયાની ફરિયાદ નોંધાઇ છે. યુનિવર્સિટી રોડ, જલારામ-2માં આવેલા ડાયમંડ બંગ્લોઝ-2માં રહેતા એઝાઝભાઇ અમીનભાઇ બારેજિયા ફરિયાદ નોંધાવી છે. મૂળ જૂનાગઢના અને એસબીઆઇની કાલાવડ ગામની બ્રાંચમાં મેનેજર તરીકે નોકરી કરે છે.

તા.12-11ની સાંજે ઘર બંધ કરી પરિવારજનો સાથે રાજસ્થાન ફરવા ગયા હતા. 8 દિવસ બાદ તા.19ની બપોરે રાજસ્થાન ફરીને પરત રાજકોટ ઘરે પહોંચ્યા હતા. આ સમયે ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળતા ચોંકી ગયા હતા. જેની ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. તપાસમાં તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું સેન્ટ્રલ લોકમાં કોઇ તોડફોડ જોવા નહિ મળતા તસ્કરોએ ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઘરમાં તપાસ કરતા તસ્કરો ઘરમાંથી રૂ.1.50 લાખની રોકડ, સોના-ચાંદીના ઘરેણાં, લેપટોપ, કેમેરો વગેરે મળી કુલ રૂ.4.21 લાખની માલમતાનો હાથફેરો કરી ગયાનું જાણવા મળ્યું હતું.

મકાન આસપાસ જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા લગાડેલા હતા તેના ડીવીઆર કબજે લઇ તપાસવા તજવીજ હાથ ધરી છે. જેમાં તા.16ની વહેલી સવારે એક શખ્સ મકાનની ડેલી કૂદી અંદર જતો હોય તેવા ફૂટેજ મળ્યા હતા. ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...