ફરિયાદ:મંજૂરી વગર ગરબાનું આયોજન કરનાર આયોજક સામે ફરિયાદ

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાલાવડ રોડ, સરાજા હોટેલમાં કાર્ડ છપાવી કર્યું’તું આયોજન

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી પોલીસ તંત્ર દ્વારા રાસ-ગરબાની મંજૂરી લેવા અને મંજૂરી વગર આયોજન કરનાર સામે કાર્યવાહી થશે તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં ઘણી જગ્યાએ મંજૂરી વગર છાનેખૂણે પાર્ટી પ્લોટ કે હોટેલમાં આયોજન થયા હોવાનું પોલીસના ધ્યાન આવ્યું છે. ત્યારે શહેરના કાલાવડ રોડ પર આવેલી સરાજા હોટેલમાં રાસગરબાનું આયોજન થયું હોવાની તાલુકા પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પીઆઇ જે.વી.ધોળા સહિતના સ્ટાફે બુધવારે રાતે હોટેલમાં તપાસ કરતા અહીં લોકોનું ટોળું પણ જોવા મળ્યું હતું.

તપાસમાં હોટેલમાં પાવર ગરબા ફિટનેસ ઇવેન્ટ દ્વારા આયોજન થયું હોવાનું અને તેના આયોજક ઋતુ ભોજાણી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આયોજકને બોલાવી પૂછપરછ કરતા આયોજકે કોઇ મંજૂરી લીધી ન હોવાનું જણાવ્યું હતું. આમ મંજૂરી વગર રાસગરબાનું આયોજન કરનાર આયોજક ઋતુ ભોજાણી સામે પોલીસે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

આ ઉપરાંત તાલુકા વિસ્તારમાં બાર વાગ્યા પછી પણ દુકાન ખુલ્લી રાખીને બેઠેલા દુકાનદારો નવસાદ અલ્તાફ ઓડિયા, લાલજી મુના બાંભવા, વિપુલ ધીરૂ દોમડિયા, રૂત્વિક વિજય જોષી, મોહસીન ઉમર કુરેશી અને ગોરધન રણછોડ વસોયા સામે કાર્યવાહી કરી છે. જ્યારે યુનિવર્સિટી પોલીસે આકાશવાણી ચોકમાં આવેલા મેરેડિયન સ્પા સેન્ટર અને સાધુવાસવાણી રોડ પર બોડીકેર સ્પા નામની દુકાનો ખુલ્લી જોવા મળતા તેના સંચાલકો સામે જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય બનાવમાં શહેરમાં અગાઉ 40થી વધુ ચીલઝડપના બનાવને અંજામ આપી તરખાટ મચાવનાર મનહરપરા-8માં રહેતો રીઢો ગુનેગાર શક્તિ ઉર્ફે ટબૂડી વિનુ સોલંકી સામે પાસાની દરખાસ્ત તૈયાર કરાઇ હતી. જે દરખાસ્ત પર મંજૂરીની મહોર લાગતા એ ડિવિઝન પોલીસે શક્તિ ઉર્ફે ટબૂડીની અટકાયત કરી હતી. જરૂરી કાર્યવાહી કરી પાસા હેઠળ અમદાવાદ જેલહવાલે કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...