તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર હુમલો કરનાર સુપેડીના 5 સામે ફરિયાદ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાદડિયા અને દેસુર ભીંટે ધમકી આપી હુમલો કરાવ્યો’તો

ધોરાજીના સુપેડીમાં બે દિવસ પૂર્વે રાત્રીના રોયલ્ટી વિભાગના ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફ પર પાંચ ખનીજચોરોએ હિચકારો હુમલો કર્યો હતો. બે શખ્સે ખનીજ વિભાગના કર્મચારીઓની ફરજમાં રુકાવટ કરી ટ્રક અને જેસીબીના ડ્રાઇવરોને ઉશ્કેરી હુમલો કરાવ્યો હતો. પોલીસે પાંચ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

રાજકોટમાં ધરમ સિનેમા પાસેના સરકારી ક્વાટર્સમાં રહેતા અને ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સંજયભાઇ સુંદરજી બારૈયા (ઉ.વ.26)એ ધોરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુપેડીના પારસ જમન રાદડિયા, દેસુર નથુ ભીંટ, હુંડાઇ મશીનનો ડ્રાઇવર, જેસીબીનો ડ્રાઇવર અને ટ્રકના ડ્રાઇવરના નામ આપ્યા હતા. રોયલ્ટી ઇન્સ્પેક્ટર બારૈયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.12ના રાત્રીના પોતે તથા તેની ટીમના પાંચ સભ્ય સુપેડીમાં આવેલી ભાદર નદીના પટમાં ખનીજચોરી અટકાવવા માટે પહોંચ્યા હતા ત્યારે ઉપરોક્ત ત્રણ વાહનના ડ્રાઇવરોએ લોખંડની ટોમીથી તેમના પર હુમલો કર્યો હતો અને જેસીબીનું બકેટ ઊંચું કરી તે બકેટ મારવાનો પ્રયાસ કર્યો હતો.

રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર હુમલો થયો ત્યારે ત્યાં હાજર ખનીજચોર પારસ જમન રાદડિયા અને દેસુર ભીંટ ડ્રાઇવરોને ઉશ્કેરી રહ્યા હતા અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરને આ બંને શખ્સોએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રોયલ્ટી ઇન્સ્પેક્ટર બારૈયાએ હુમલો થતાં પોલીસને જાણ કરતાં જ પાંચેય ખનીજચોર નાસી ગયા હતા.

બારૈયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણેય વાહનોના ડ્રાઇવરને પોતે જોઇને ઓળખી બતાવશે જ્યારે પારસ રાદડિયા અને દેસુર ભીંટ અગાઉ પણ ખનીજચોરી અટકાવવા ગયા હતા ત્યારે માથાકૂટ કરવા પહોંચ્યા હોય તેના નામની જાણ હતી. પોલીસે પાંચેય સામે ગુનો નોંધ્યો હતો. સુપેડીમાં થતી બેફામ ખનીજચોરીમાં ખનીજચોરીને રાજકીય માથાઓના આશીર્વાદ હોવાથી ખનીજચોર બેફામ બન્યા હતા અને સ્ટાફ પર હુમલો કરતા પણ ખચકાયા નહોતા.

અન્ય સમાચારો પણ છે...