શહેરના કોઠારિયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં છેલ્લા છ મહિનાથી માવતરે રહેતી ધર્મિષ્ઠા નામની પરિણીતાએ પતિ ચેતન બિપીનભાઇ નિમાવત સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આઠ વર્ષ પહેલા પ્રથમ લગ્નના છૂટાછેડા થયા હતા. તે લગ્નજીવન દરમિયાન ત્રણ પુત્રી છે. છૂટાછેડા બાદ માવતરે રહી કેટરર્સના કામે જતી હતી. જ્યાં ચેતન નિમાવત પણ આવતો હોય બંનેનો સંપર્ક થયો હતો. બાદમાં તે સંપર્ક પ્રેમમાં પલટાયો હતો. પોતે ત્યક્તા હોવાની અને સંતાનમાં ત્રણ પુત્રી હોવાની ચેતનને વાત પણ કરી હતી.
દરમિયાન બહેન, ત્રણેય પુત્રી, ચેતન સહિતનાઓ ભગુડા દર્શન કરવા ગયા હતા. જ્યાં બંનેએ માતાજીના મંદિરમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ ચેતન કામધંધા માટે સુરત ગયો હતો. થોડા સમય બાદ સુરતમાં ભાડાનું મકાન રાખી પોતાને તેમજ દીકરીઓને ત્યાં બોલાવી લીધી હતી.ત્યારે ચેતન ડ્રાઇવિંગ કામ કરતા હોય તે ઘરે જમવા આવી શકતા ન હોવાથી એક વખત ચેતનને ફોન કરી તમે જમી લીધું તેવું પૂછતા તે ગુસ્સે થઇ ગયો હતો અને તું મને માનસિક ત્રાસ આપે છે, મારે તારી સાથે રહેવું નથી. મારે તારી સાથે કોઇ સંબંધ રાખવા નથી. તારે જે કરવું હોય તે કર તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો.
આ સમયે પોતે સગર્ભા હોવા છતાં પતિ ચેતન પોતાને તેમજ પુત્રીઓને તરછોડીને જતો રહ્યો હતો. પોતે રાજકોટ આવ્યા બાદ ચેતનને ફોન કરવા છતાં તે ઉપાડતો ન હોય સાસુ-સસરા પાસે ગઇ હતી. ચેતને સાથે રહેવું ન હોવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યાર બાદ દીકરીનો જન્મ થયો હતો. અને છ દિવસ બાદ પુત્રીનું મોત થયું હતું. પોતાની આવી હાલત થઇ હોવા છતાં ચેતને પોતાની કોઇ દરકાર નહિ કરતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.