ભરતીમાં ફરી 'કાંડ' થશે !:NSUI દ્વારા સૌ.યુનિમાં અનુ.જાતિના ઉમેદવારો સાથે અન્યાય થયાની ફરિયાદ કરતા અનુ.આયોગે VC પાસે જવાબ માંગ્યો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણી - ફાઈલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણી - ફાઈલ તસવીર
  • અનુસૂચિત આયોગે ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણી પાસે 30 દિવસમાં જવાબ રજૂ કરવાની નોટિસ આપી
  • પ્રોફેસરોની ભરતીમાં અનામત ક્વોટા ન જળવાતા NSUI અને યુથ કોંગ્રેસે અનુસૂચિત આયોગેમાં ફરિયાદ કરી હતી

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરારી અધ્યાપકોની ભરતી પ્રક્રિયામાં અનામત નીતિનો છેદ ઉડાડાતા NSUI અને યુથ કોંગ્રેસે અનુસુચિત જાતિ આયોગને પત્ર પાઠવી આ અંગે તત્કાલ કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેને પગલે અનુસૂચિત આયોગે ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણી પાસે જવાબ માંગ્યો છે. અને 30 દિવસમાં જવાબ રજૂ કરવાની નોટિસ આપી છે.

ભરતીમાં ફરી વિવાદ થવાની સંભવના
નોંધનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક વર્ષ પહેલાં 11 માસના કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં માનીતા ઉમેદવારોનાં નામ મૂકી ભલામણ કર્યાની ઘટના સામે આવી હતી. જે બાદ ખુદ શિક્ષણમંત્રીએ ભરતી પ્રક્રિયા રદ કરી હતી. ત્યારે હવે ફરી ભરતીમાં વિવાદ થવાની સંભવના છે.

શું છે સમગ્ર ઘટના
આ અંગે NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 11 માસના કરાર આધારિત 56 જેટલા અધ્યાપકોની ભરતી માટે આગામી તા. 8 અને 9ના ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવનાર છે. આ ભરતી પ્રક્રિયામાં અનુસુચિત જાતિ,જનજાતિ અને ઓબીસી વર્ગના ઉમેદવારો માટે નીતિ નિયમ મુજબ બેઠકો અનામત રાખવી જોઇએ તે રાખવામાં આવી નથી. ભરતી પ્રક્રિયા માટે નિયત કરાયેલ અનામત નીતિનો છેદ ઉડાડી અનુ.જાતિના ઉમેદવારોને હળાહળ અન્યાય કરવામાં આવેલ છે.

અનામત નીતિનો ભંગ થયો છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ અંગે અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.ગિરીશ ભીમાણીને રજુઆત કરવામાં આવી હતી પરંતુ આ બાબતે હજુ સુધી કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. આ ભરતી પ્રક્રિયામાં અનામત નીતિનો ભંગ કરવામાં આવેલ હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ ભરતી પ્રક્રિયા પર તત્કાલ રોક લગાવવા માટે તેઓએ માંગણી કરી છે.