રાજકોટના સમાચાર:રાજકોટ જિલ્લાના 3,91,545 ખેતીવાડી વીજ ગ્રાહકોને બે વર્ષમાં 600 કરોડની સબસિડી ચૂકવવામાં આવી

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

વિધાનસભાના બીજા સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોને આપવામાં આવેલી વીજ સબસિડી વિશે માહિતી રજૂ કરવામાં આવી હતી. જે મુજબ તા.31-12-2022ની સ્થિતિએ રાજકોટ જિલ્લાના ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલમાં સબસિડી આપવામાં આવી છે. જેમાં વર્ષ 2021માં કુલ 1,94,171 ગ્રાહકોને અને 2022માં કુલ 1,97,374 ગ્રાહકો એમ છેલ્લા બે વર્ષમાં 3,91,545 ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલ સબસિડી આપવામાં આવી છે.

2022માં રૂ.329.88 કરોડની સબસિડી અપાઇ
જેમાં વર્ષ 2021માં રૂ.272.83 કરોડ અને વર્ષ 2022માં રૂ.329.88 કરોડની સબસિડી એમ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ.600.71 કરોડની સબસિડી રાહત પેટે ખેતીવાડી વીજ ગ્રાહકને ચૂકવવામાં આવી છે.
વિધાનસભામાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે અને ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ કાર્ય કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોના સમાધાન અને તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસિડી આપવામાં આવી રહી છે.

હીરાસર એરપોર્ટમાં નડતરરૂપ બે મકાનનું સ્થળાંતરણ શરૂ
રાજકોટ અમદાવાદ હાઈવે પર હીરાસર ગામ પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવાનુ કામ ચાલી રહ્યું છે, જેમાં અત્યારસુધી એરપોર્ટ ઓથોરિટીને પૂરેપૂરી જમીનનો કબજો મળ્યો ન હતો. જેમાં બે મકાનોનું સ્થળાંતર કરવાનું તથા સાત પવનચક્કી હટાવવાનું કામ બાકી હતું. આ કાર્યવાહી હાથ ધરવામાં આવતા હવે એરપોર્ટ ઓથોરિટીને પૂરેપૂરી જમીન મળી જતા હવે બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

7 જેટલી પવનચક્કી હટાવવાનું કામ શરૂ
અત્યારસુધીમાં હીરાસર ગામમાથી કેટલાક અરજદારોએ જમીન તથા કેટલાક લોકોએ રોકડ રકમમાં વળતર લીધું હતું. તેમ છતા પણ બે મકાનો બાકી રહી ગયા હતા, જેનો કબ્જો એરપોર્ટ ઓથોરિટીને મળી જતા અને એરપોર્ટ પાસે નડતરરૂપ 7 જેટલી પવનચક્કીઓ હતી. જેમાંથી 5 પવનચક્કીને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા હવે એરપોર્ટ બનાવવાનું કામ ઝડપથી થશે તેમ જિલ્લા વહીવટી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત નવી સરકારી ખરાબાની 4 હેક્ટર જમીન ઉપર નવુ હીરાસર ગામ વસાવવામાં આવ્યું છે.

કાલે મંત્રીના હસ્તે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરાશે
રાજકોટના વોર્ડ નં. 1માં આવેલ સંતોષ પાર્કમાં નિર્માણ પામનાર કોમ્યુનિટી હોલનું ખાતમુહુર્ત આવતીકાલે સવારે 10.30 વાગ્યે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાએ આજે 10 મિલકત શાખાએ સીલ કરી છે. તેમજ 2 નળ કનેક્શન કાપવામાં આવ્યા છે. આ ઉપરાંત 44 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારી 86.62 લાખની રિકવરી કરવામાં આવી છે. આજ દિન સુધીમાં 287.15 કરોડની આવક થઈ છે.

12.08 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.12.08 કરોડના ખર્ચે વોર્ડ નં.1માં આવેલ સંતોષ પાર્ક ખાતે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. જેનું આવતીકાલે સવારે 10.30 વાગ્યે ખાતમુહુર્ત કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવશે. આ સાથે રૂ.5.99 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ નવી 50 મિનિ ટીપરવાનને ફ્લેગ ઓફ કરવામાં આવશે.

કોમ્યુનિટી હોલમાં 700 લોકોની કેપિસિટી રહેશે
સંતોષ પાર્કમાં 3000 ચો.મી. જગ્યા પર 4655 ચો.મી. પર કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બે માળ બનાવવામાં આવશે. આ કોમ્યુનિટી હોલમાં 700 લોકોની કેપેસિટીવાળો નોન એ.સી., ફંક્શન અને ડાઈનિંગ હોલ અને બીજા માળે એસી હોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત આનુસંગિક અન્ય સુવિધાઓ આપવામાં આવશે.

50 મિનિ ટીપરવાન ખરીદવામાં આવી
સ્વચ્છ ભારત મિશન હેઠળ ટીપરવાનથી ડોર ટુ ડોર કામગીરીથી આગળ વધારવા માટે રૂ.5.99 કરોડના ખર્ચે 50 મિનિ ટીપરવાન ખરીદ કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારના 35 ટકા, રાજ્ય સરકારના 25 ટકા અને મહાનગરપાલિકાના 40 ટકાનો ફાળો રહેશે.

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેન ડાયવર્ટ કરાઇ
લખનઉ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેમાં ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 20.03.2023ના રોજ અને ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 24.03.2023ના રોજ વાયા વારાણસી-પરતાપગઢ-લખનઉ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અકબરપુર અને અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.

કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસનો ડાયવર્ટ રૂટ
ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ 22.03.2023ના રોજ અને ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 18.03.2023ના રોજ વાયા વારાણસી-લખનઉ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે, તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

અન્ય સમાચારો પણ છે...