તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્ય:સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી ભત્રીજો-જમાઈ પૈસા પડાવતા, રાજકોટના કાગદડીમાં મહંતનો આપઘાત, પરિવારે હાર્ટ-અટેકમાં ખપાવી અંતિમવિધિ કરી

રાજકોટ4 મહિનો પહેલા
1 જૂને મહંતનું મૃત્યુ થયુ હતું.
  • સ્યુસાઇડ નોટ મળતાં ખોડિયાર આશ્રમના ટ્રસ્ટીએ મહંતના ભત્રીજા અને જમાઈ સહિત ત્રણ વિરુદ્ધ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • ઝેરી દવા પી આત્મહત્યા કરી છતાં તબીબોએ હાર્ટ એટેકથી મૃત્ય થયાનું સર્ટિફિકેટ આપતા અનેક સવાલ ઉત્પન્ન

રાજકોટના કાગદડી ગામના ખોડિયાર આશ્રમના મહંતનું નવ દિવસ પૂર્વે થયેલું મૃત્યુ કુદરતી નહોતું પરંતુ મહંતે તેના કૌટુંબિક ભત્રીજા અને જમાઇ સહિત ત્રણ શખ્સના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો ધડાકો પોલીસ તપાસમાં થયો હતો. ભત્રીજા અને જમાઇએ બે વર્ષ પહેલા મહંત પાસે બે યુવતીને છ વખત મોકલી તેનું વીડિયો શૂટિંગ કરી લીધું હતું અને તેના આધારે મહંતને બ્લેકમેઇલ કરી રૂ.20 લાખ પડાવ્યા હતા અને આશ્રમ પચાવી પાડવા માટે રાજકોટના શખ્સની સાથે મળી દબાણ કરતા હોય મહંતે આપઘાત કર્યો હતો. પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસ ગુરુ પ્રેમદાસનું ગત તા.1ના મૃત્યુ થયું હતું. મહંતનું મૃત્યુ હાર્ટએટેકથી થયાનું તેના કૌટુંબિક ભત્રીજા કોડીનારના પેઢાવાડા ગામના અલ્પેશ પ્રતાપ સોલંકી અને સૂત્રાપાડાના પ્રશ્નાવડા ગામે રહેતા તેના બનેવી હિતેશ લખમણ જાદવ સહિતનાઓએ જાહેર કરી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહંતની અંતિમ વિધિ કરી નાખી હતી. જોકે ઘટનાના બે દિવસ બાદ આશ્રમના ઉપરના રૂમમાંથી મહંત જયરામદાસે લખેલી 20 પાનાની સ્યૂસાઇડ નોટ મળી આવી હતી, તે સ્યૂસાઇડ નોટ પોલીસને મળતાં કુવાડવાના પીઆઇ એન.એન.ચુડાસમા સહિતના સ્ટાફે તપાસ કરતાં જયરામદાસનું મૃત્યુ કુદરતી રીતે નહીં પરંતુ તેમણે આપઘાત કર્યાનું ખુલ્યું હતું.

આરોપી વિક્રમ સોહલા
આરોપી વિક્રમ સોહલા

સ્યૂસાઇડ નોટના આધારે આશ્રમના ટ્રસ્ટી રામજીભાઇ જેશાભાઇ લીંબાસિયાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે અલ્પેશ સોલંકી, હિતેષ જાદવ અને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા વિક્રમ દેવજી સોહલાના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, જયરામદાસ સત્તર વર્ષથી ઉપરોક્ત આશ્રમમાં રહેતા હતા અને આશ્રમના ટ્રસ્ટમાં તેના કૌટુંબિક ભત્રીજા અલ્પેશ અને તેના બનેવી હિતેષને ટ્રસ્ટી બનાવ્યા હતા.

બે વર્ષ પહેલા સાળા બનેવીએ મહંત પાસે છ વખત બે યુવતીને મોકલી હતી અને જયરામદાસ તથા યુવતીઓનો છ વખત વીડિયો ઉતારી લીધો હતો, વીડિયો ઉતાર્યા બાદ અલ્પેશ, હિતેશ અને તેનો મિત્ર વિક્રમ સોહલા જયરામદાસને વીડિયો જાહેર કરી બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા. બે વર્ષમાં 20 લાખ જેવી રકમ પડાવી લીધી હતી અને હવે આશ્રમ પર કબજો જમાવવા મહંત પર દબાણ કરતા હોય તેના ત્રાસથી કંટાળી મહંતે આપઘાત કરી લીધો હતો. પોલીસે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ શરૂ કરી હતી.

રાજકોટનો વિક્રમ સોહલા મહંતને અવારનવાર માર મારતો
રામજીભાઇએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોડીનારના પેઢાવાડા ગામના અલ્પેશ પ્રતાપભાઇ સોલંકી, સુત્રાપાડાના પ્રશ્નાવાડા ગામના હિતેશ લખમણભાઇ જાદવ અને રાજકોટના વિક્રમભાઇ દેવજીભાઇ સોહલાનાં નામ આપ્યાં છે, જેમાં હિતેશ ભત્રીજો અને અલ્પેશ મહંતનો જમાઇ થાય છે. આ બંને મહંતને અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા તેમજ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો ક્લિપનો લાભ લઈ બંને મહંત પાસેથી અવારનવાર પૈસા પડાવતા હતા તેમજ રાજકોટના વિક્રમે મહંત પર અવારનવાર ત્રાસ ગુજારતો હતો અને મહંતને માર મારતો હતો. આખરે મહંતે માનસિક અને શારીરિક ત્રાસને કારણે કંટાળી ત્રણેય વિરુદ્ધ સુસાઇડ નોટ લખી આશ્રમના ઉપરના રૂમમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ ત્રણેય આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ 306 અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભત્રીજાએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતિમવિધિ પણ કરી નાખી હતી.
ભત્રીજાએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતિમવિધિ પણ કરી નાખી હતી.

દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતાઃ ડીસીપી
રાજકોટ ઝોન 1ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જયરામદાસ બાપુએ 31 મેના રોજ ગૌશાળામાં દવા પી લીધી હતી. 30 મેએ આરોપીઓ સાથે માથાકૂટ થઇ હતી. મહિલા સાથેનો વીડિયો બતાવીને આરોપીઓ બ્લેક મેઇલિંગ કરતા હતા. આથી દવા પી લેતા ઉલ્ટી થતા દેવ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પોલીસને આ અંગેની જાણ કરી હતી. દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા. મહિલા સાથેનો બાપુનો આપત્તિજનક વીડિયો હોવાથી બ્લેકમેઇલિંગ કરતા હતા. સીસીટીવી કબ્જે કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસે ગુપ્ત તપાસ ચાલુ કરી
મહંતની અગ્નિસંસ્કાર સહિતની વિધિ થઈ ગયા બાદ પોલીસને માહિતી મળી હતી કે મહંત જયરામદાસનું મૃત્યુ કુદરતી રીતે નહીં, પરંતુ જયરામદાસે ઝેરી ટીકડા પીને આપઘાત કર્યો છે. મળેલી માહિતી પર કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ ચૂડાસમા સહિતના સ્ટાફે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી હતી. આશ્રમમાંથી સુસાઇડ નોટ મળી આવી છે અને તેમાં જયરામદાસે તેના ભત્રીજા સહિતના શખસો દ્વારા કરવામાં આવતા બ્લેકમેઇલિંગને કારણે પગલું ભર્યાનો આક્ષેપ છે.

રાજકોટ નજીક કાગદડી ગામના પાટિયા પાસે આવેલો છે ખોડિયાર આશ્રમ.
રાજકોટ નજીક કાગદડી ગામના પાટિયા પાસે આવેલો છે ખોડિયાર આશ્રમ.

20 પેઇજની સ્યુસાઈડ નોટ અને 6 વીડિયો મળ્યા છે
ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, જયરામદાસ બાપુને 31 મેના રાત્રિના સમયે ઉલ્ટી થઈ હતી. ત્યારબાદ ટ્રસ્ટી સહિતનાને જાણ કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓ, સેવકો અને ભાવિકો દર્શન માટે આવ્યા હતા. મહંતના અંતિમસંસ્કાર બાદ 2 દિવસ પછી સ્યુસાઇડ નોટ મળી આવી છે. ખરેખર આ સ્યુસાઇડ નોટ બાપુના હાથે લખેલી છે કે કેમ તે અંગે તપાસ થશે. મહિલા સાથે અપત્તિજનક વીડિયો મળી આવ્યો છે તે પોલીસને મળ્યો છે. સ્યુસાઈડ નોટની હેન્ડ રાઇટિંગની તપાસ કરવામાં આવશે. આરોપી હિતેશ અને અલ્પેશ મહંત જયરામદાસના સંબંધીઓ છે. 6 તારીખથી આરોપીઓ ફરાર થઈ ગયા છે. મિલકતનો મુદ્દો કારણભૂત નથી. 20 પેઇજની સ્યુસાઈડ નોટ મળી છે જેને આધારે તપાસ થશે. 6 વીડિયો છે જેમાંથી 1 વીડિયો મોબાઇલમાંથી મળ્યો છે. સ્યુસાઈડ નોટમાં 30 તારીખે જયરામદાસ બાપુને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે.

તબીબો માનવતા ચૂક્યા કે કોઇનું દબાણ
ઉલ્લેખનીય છે પોલીસ તપાસમાં સ્યુસાઇડ નોટ મળતા ખુલ્યું છે કે મહંતે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. છતાં પણ દેવ હોસ્પિટલમાં કાર્યરત તબીબો દ્વારા બાપુની યોગ્ય રીતે તપાસ કરવાની જગ્યાએ હાર્ટ એટેકથી મૃત્ય થયું છે તેવું સર્ટિફિકેટ આપી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે. હોસ્પિટલના તબીબો આ પ્રકરણમાં માનવતા ચુક્યા કે કોઇનું દબાણનું આ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું છે તેવા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

મહંતને બ્લેકમેઇલ કરવા મુદ્દે તપાસ થશે
સુસાઇડ નોટ સાધુ જયરામદાસે જ લખી છે કે અન્ય કોઇ વ્યક્તિએ લખીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે?, જો મહંતે આપઘાત કર્યો છે તો તેના ભત્રીજા સહિતના શખસો કયા મુદ્દે મહંતને બ્લેકમેઇલ કરતા હતા એની તપાસ શરૂ કરાઈ છે. કુવાડવા પોલીસે ટ્રસ્ટીઓની પૂછપરછ શરૂ કરી છે. આશ્રમમાં કંઈ તો થયું છે એની મહંતના અનુયાયીઓમાં ચર્ચા થઇ રહી છે. રાજકોટ નજીક મહંત છેલ્લાં 18 વર્ષથી આશ્રમમાં હતા. તેઓ મૂળ જૂનાગઢ જિલ્લા બાજુના હતા.

આશ્રમમાં જમીનનો વિવાદ પણ થયો હતો.
આશ્રમમાં જમીનનો વિવાદ પણ થયો હતો.

મૃત્યુની આગલી રાત્રે મારામારી થઈ હતી
અનુયાયીઓમાં થતી ચર્ચા મુજબ, મંગળવારે એટલે કે મહંતના મૃત્યુની રાતે મહંત સાથે મારામારીની ઘટના બની હતી. આ ઘટના આશ્રમમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. જો સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય. આ ઉપરાંત ખોડિયાર આશ્રમ ટ્રસ્ટમાંથી મહંત અને તેના નજીકના લોકો સાથે ટ્રસ્ટમાંથી લાખો રૂપિયાના જેસીબી, હિટાચી વાહન ખરીદવા માટે પૈસાની લેતીદેતી કરવામાં આવી હોવાની પણ ચર્ચા થઇ રહી છે. કાગદડીમાં મંદિરની જગ્યામાં ખરાબાની જગ્યા પણ હતી. જોકે મહંતના સંપર્કને કારણે આ પ્રશ્ન ક્યારેય વિવાદમાં આવ્યો નથી. આ અંગે કરણી સેનાએ પણ ન્યાયિક તપાસ કરવા માગ કરી છે. આ પહેલાં દોઢ વર્ષ પહેલાં પણ મહંત પર હુમલો થયો હતો.

રાજકોટનો વિક્રમ સોહલા મહંતને અવાર નવાર મારકૂટ કરતો હતો
વિક્રમ સોહલા ખોડિયાર આશ્રમે અવાર નવાર જતો હતો, તે મહંત સાથે ગાયો જોવા પણ જતો હતો, એક વખત હિતેષના કહેવાથી વિક્રમે મહંતને મારમાર્યો હતો ત્યારબાદ તે અવારનવાર મારકૂટ કરતો હતો. મહંતને ફસાવવામાં વિક્રમે પણ ભૂમિકા ભજવ્યાની શંકા સેવાઇ રહી છે.

મહંત રેલવેની નોકરી છોડી સંન્યાસી બન્યા’તા
કોડીનારના વતની જયરામદાસ અગાઉ રેલવેમાં નોકરી કરતા હતા, નોકરી છોડીને તેમણે સાંસારિક જીવનનો પણ ત્યાગ કર્યો હતો. પ્રખર ગૌભક્ત તરીકે જાણીતા મહંત જયરામદાસે 1008ની પણ પદવી મેળવી હતી. ગત કુંભના મેળામાં મોટો જમણવાર પણ તેમના દ્વારા યોજવામાં આવ્યો હતો.

આરોપીઓ હાથ આવ્યા બાદ એ બંને યુવતીઓની પૂછપરછ થશે
મહંત પાસે મોકલાયેલી બે યુવતી પણ કાવતરામાં સામેલ હતી કે કેમ?, કોના કહેવાથી અને કયા ઇરાદા સાથે બંને યુવતી ત્યાં ગઇ હતી તેના બદલામાં તેને કોણે શું લાલચ આપી હતી સહિતના મુદ્દે તપાસ કરવા આરોપીઓ હાથ આવ્યા બાદ યુવતીઓને પણ બોલાવવામાં આવશે. યુવતીઓની પણ સંડોવણી ખૂલશે તો તેની સામે કાર્યવાહી થશે.