આકરી કાર્યવાહી:કોમર્શિયલ કોમ્પ્લેક્સે વેરા ન ભરતા નળ કનેક્શન કપાયા, 13 મિલકતને સીલ અને 3ને ટાંચ જપ્તીની નોટિસ ફટકારાઈ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ નાણાકીય વર્ષના અંતિમ બે મહિનામાં લક્ષ્યાંક હાંસલ કરવા માટે મથી રહી છે જોકે 300 કરોડ રૂપિયા ઉઘરાવી શકાય તેવી સ્થિતિ નથી તેથી તેની વધુમાં વધુ નજીક 250 કરોડે પણ પહોંચી શકાય પણ હજુ તિજોરીમાં 213 કરોડ જેટલો વેરો ભરાયો છે તેથી વધુ 35 કરોડ ઉઘરાવવા માટે આકરી કાર્યવાહી શરૂ કરાઈ છે. રિકવરી ઝુંબેશના ભાગરૂપે સૌથી વધારે સેન્ટ્રલ ઝોનમાં કાર્યવાહી થઈ છે. બુધવારે એક જ દિવસમાં 11 મિલકતને સીલ કરાઈ હતી જ્યારે 4ને ટાંચ જપ્તીની નોટિસ અને 10 લાખની રિકવરી કરાઈ હતી.

બીજી તરફ વેસ્ટ ઝોનમાં 3 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ 13.83 લાખની રિકવરી જ્યારે ઈસ્ટ ઝોનમાં 2 મિલકતને સીલ તેમજ 2 ટાંચ જપ્તીની નોટિસ અપાઈ છે. વોર્ડ નં. 5માં આવેલી ઈસ્ટ લાઈફ બિલ્ડિંગનો પાણી વેરાની રકમ ઘણી બાકી હતી જેને લઈને રિકવરી સેલ સ્થળ પર જતા વેરો ન ભરાતા નળ કનેક્શન જ કાપી નખાયા હતા. આ ઉપરાંત ગોંડલ રોડ પર રાજ વિરાશ કોમ્પ્લેક્સની 9 દુકાનોને સીલ લગાવી દેવાયા હતા.

હરાજી કરવા અધિકારીઓને સૂચના, મિલકતોના જીઓ ટેગિંગમાં ડાંડાઈ કરતી એજન્સીને ફટકારી નોટિસ
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દરરોજ એક વોર્ડની મુલાકાત લે છે જેના ભાગરૂપે બુધવારે વોર્ડ નં. 14ની મુલાકાત લીધી હતી અને એક એજન્સીને નોટિસ ફટકારી હતી. શહેરમાં મિલકતોના જીઓ ટેગિંગ કરતી એમનેક્સ નામની એજન્સીનું વોર્ડ નં. 14માં નબળી કામગીરી જોવા મળતા ત્યારે કંપનીને નોટિસ ફટકારવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત પારડી રોડ પર આવેલા રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલમાં અમુક દુકાનો વેચવાની બાકી છે આ ખાલી દુકાનોની ઝડપથી હરાજી કરીને વેચાણ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.

​​​​​​​કમિશનરે આ બંને સૂચનાઓ ઉપરાંત વોર્ડમાં વેક્સિનેશન, ટેક્સ વસૂલાત, વોર્ડના તમામ વિસ્તારોમાં નળજોડાણની સ્થિતિ, વોંકળા સફાઈ, જાહેર સ્વચ્છતા, ડ્રેનેજ, કોલ સેન્ટરની ફરિયાદો સહિતના મુદ્દે ઈજનેરો અને અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. વોર્ડની મુલાકાત દરમિયાન તેમની સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જિનિયર એચ.એમ. કોટક, આસિ. કમિશનર એચ.કે. કગથરા અને આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી સાથે રહ્યા હતા અને પોતપોતાના કાર્યક્ષેત્રની વિગતો આપી હતી.

અન્ય સમાચારો પણ છે...