રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળી રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપાર-ધંધાના પડતર પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી સમક્ષ રાજકોટમાં ટોય પાર્ક બનાવવા સહિત 13 મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, રાજકોટમાં રમકડાંના 80 ટકા પાર્ટ્સ બનતા હોવાથી મુખ્યમંત્રી સમક્ષ ટોય પાર્ક બનાવવા માગ કરી હતી.
લાંબા સમયથી અટવાયેલા મુદાઓના નિરાકરણની ચર્ચા થઇ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વેપાર-ધંધાના પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. જેમાં રાજકોટના કન્વેનશન સેન્ટર તથા કન્ટેનર ડેપોનાં લાંબા સમયથી અટવાયેલા મુદાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા ઉપરાંત નવી GIDC તથા તેમાં FSI વધારા જેવા મુદાઓ પણ વહેલી તકે ઉકેલવા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બાહેંધરી આપવામાં આવી છે.
દર ત્રણ મહિને મિટિંગ કરવા મુખ્યમંત્રીએ જ સૂચવ્યુ હતું
રાજકોટનાં વેપાર ઉદ્યોગની મુશ્કેલીઓ ઉકેલવા માટે દર ત્રણ મહિને મિટિંગ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ સૂચવ્યુ હતું. તે અંતર્ગત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો ગઈકાલે ગાંધીનગર પહોંચ્યા હતા. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત મુખ્યસચીવ, ઉદ્યોગ કમિશનર સહિતના સિનિયર અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યાં હતા. દોઢ કલાક ચાલેલી બેઠકમાં દરેક મુદાની ચર્ચા કરવામાં આવી હતી અને શક્ય એટલી વહેલી તકે તેનો ઉકેલ લાવવાની બાહેંધરી આપવામાં આવી હતી.
મુખ્ય મુદ્દો સસ્તી જમીનનાં તથા FSIનો હતો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટની ભાગોળે ગઢકા તથા પડધરીમાં નવી GIDCની માગનો વહેલી તકે ઉકેલ લાવવા, 80 ફૂટના રોડ પરની સુચિત રામનગર GIDC માટે પૈસા ભરી દેવામાં આવ્યા હોવા છતાં કોઈ આગળની કાર્યવાહી થતી ન હોવા વિશે ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ સિવાય વર્તમાન GIDCને લગતા ચાર-પાંચ મુદા હતા તેમાં મુખ્ય સસ્તી જમીનનાં તથા FSIનો હતો.
રમકડાં માટેની ડાઈથી માંડીને 80 ટકા પાર્ટસ-સાધનો રાજકોટમાં જ બને છે
આ બધા વચ્ચે એક મહત્વપૂર્ણ રજુઆતમાં ટોય પાર્ક રાજકોટમાં સ્થાપવા માંગ ઉઠાવવામાં આવી હતી. રમકડાં માટેની ડાઈથી માંડીને 80 ટકા પાર્ટસ-સાધનો રાજકોટમાં જ બને છે. ત્યારે રાજકોટની પસંદગી વધુ અનુકુળ રહે તેમ છે અને ઔદ્યોગિક વિકાસમાં પણ મદદ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ટોય પાર્ક પ્રોજેક્ટ માટે રાજકોટ અને સાણંદને શોર્ટલીસ્ટ કર્યા છે.
6000 મીટર સુધીનાં પ્લોટ 50 ટકા કિંમતે આપવા માગ
GIDCની એફએમઆઈ 1.6 વાળી 1 કરી નાખવામાં આવી છે. તે ફરી વધારીને 1.6 કરવા માંગ મુકી હતી આ સિવાય અત્યારનાં નિયમ હેઠળ 3000 ચોરસ મીટર સુધીના પ્લોટ 50 ટકાના ભાવે અપાય છે.પરંતુ હવે એમએસએમઈની વ્યાખ્યા બદલાઈ ગઈ હોવાથી 6000 મીટર સુધીનાં પ્લોટ 50 ટકા કિંમતે આપવા માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત ઉદ્યોગની નીતિમાં ત્રણ કટોકટીમાં 1 નંબરની શ્રેણીમાં માત્ર જામકંડોરણા વિંછીયાને સામેલ કરાયા હતા. સહાયમાં મોટો તફાવત રહેતો હોવાથી તમામનો એક જ શ્રેણીમાં સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.