તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્ન પહેલા માતમ:રાજકોટના લોઠડા ગામે બે કાર સામસામે ધડાકાભેર અથડાઇ, આફ્રિકાથી આવેલા બે પુત્રની નજર સામે જ પિતાનું મોત, લગ્નની ખરીદી કરી ઘરે જતા હતા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કારનો કચ્ચરઘાણ અને ઇન્સેટમાં મૃતકની ફાઈલ તસવીર. - Divya Bhaskar
કારનો કચ્ચરઘાણ અને ઇન્સેટમાં મૃતકની ફાઈલ તસવીર.
  • કારની એરબેગ ખુલી જતા પુત્રને મોટી ઇજા ન થઇ પણ પિતાએ જીવ ગુમાવ્યો

રાજકોટ-કોટડાસાંગાણી હાઇવે પર ગતરાત્રે બે કાર સામસામે ધડાકાભેર અથડાતા એક કારના કૂરચેકૂરચા નીકળી ગયા હતા. જેમાં કોટડાસાંગાણીમાં રહેતા ખોજા પરિવારના મોભીનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાય ગયો છે. ખોડા પરિવાર રાજકોટથી લગ્નની ખરીદી કરી પોતાના ગામ કોટડાસાંગાણી કારમાં જઇ રહ્યો હતો. ત્યારે સામેથી રોંગસાઈડમાં આવતી કાર ધડાકાભેર અથડાઇ હતી. જેમાં મદતઅલી કરમાલીઅલી જેઠાણી (ઉં.વ.58)નું મોત નીપજ્યું હતું. જ્યારે તેના આફ્રિકાથી આવેલા બે પુત્રોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે આજીડેમ પોલીસ મથકનાં સ્ટાફે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પરિવાર કાર લઇને રાજકોટ લગ્નની ખરીદી કરવા આવ્યો હતો
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોટડાસાંગાણીના બેંક ઓફ બરોડાવાળી શેરીમાં ‘અમીધારા’ મકાનમાં રહેતા મદતઅલી કરમાલી અલી જેઠાણી (ખોજા) (ઉ.વ.58) અને આફ્રિકાના કિનસાસા સિટીમાં રહેતા તેમના બંને પુત્રો મોહસીન અદતઅલી જેઠાણી (ઉં.વ.26) અને મોટો પુત્ર અલનવાઝ મદતઅલી (ઉં.વ.28) એમ ત્રણેય પોતાની જીજે 03 એલબી 7047 નંબરની ક્રેટા કાર લઇ રાજકોટથી કોટડાસાંગાણી પોતાના ઘરે પરત ફરતાં હતા. જેમાં મોહસીન કાર ચલાવતો હતો અને તેની બાજુમાં તેમના પિતા મદતઅલી બેઠા હતાં અને અલનવાઝ પાછળની સીટ ઉપર બેઠો હતો.

અકસ્માતની ઘટનાને પગલે ટ્રાફિકજામ થઇ ગયો હતો
ત્યારે કાર લોઠડા ગામ નજીક ખોડિયાર ઇલેક્ટ્રોનિક દુકાન સામે પહોંચતા સામેથી કાળ બનીને રોંગ સાઇડમાં આવી રહેલી હોન્ડા સિટી કાર નં. જીજે 03 સીઆર 3302નાં ચાલકે ધડાકાભેર કાર અથડાવતાં કારમાં સવાર મદતઅલી અને તેમના બંને પુત્રોને ગંભીર ઇજા પહોંચતા તુરંત જ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં ત્રણેયની સારવાર શરૂ કરવામાં આવતાં મદતઅલીને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યુ હતું. જ્યારે અલનવાઝને માથામાં ઇજા થતાં તેઓને સારવાર આપવામાં આવી છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ એમ.ડી.પરમાર સહિતનાં સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતને પગલે થયેલા ટ્રાફિકને ક્લિયર કર્યો હતો.

ક્રેટા કારનો ભુક્કો બોલી ગયો.
ક્રેટા કારનો ભુક્કો બોલી ગયો.

મૃતકના બંને પુત્ર આફ્રિકામાં નોકરી કરે છે
તેમજ મોહસીનની ફરિયાદ પરથી અકસ્માત કરનાર હોન્ડા સિટી કારના જય હસમુખભાઇ મારકણા (રહે.નાનાવડાળા તા.કાલાવડ) સામે ગુનો નોંધી આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મદતઅલી જેઠાણીને સંતાનમાં બે પુત્રો છે. બંને આફ્રિકા રહી ત્યાં નોકરી કરે છે. મદતઅલી કોટડાસાંગાણીમાં રહી ડ્રાઇવિંગ કામ કરતા હતા. મોહસીને જણાવ્યું હતું કે, પિતરાઇ બહેનનો લગ્ન પ્રસંગ હોય માટે રાજકોટમાંથી ખરીદી કરી પોતાના ઘરે પરત ફરતા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. મોભીના મોતથી ખોજા પરિવારમાં માતમ છવાય ગયો છે.

અકસ્માત કરનાર કાર ચાલક સહિત ત્રણ ઘવાયા
લોઠડા ગામ નજીક અકસ્માતમાં ખોજા પરિવારનાં પ્રૌઢ મદતઅલીનું ગંભીર ઇજાથી મોત નીપજ્યુ હતું. આ અકસ્માત કરનાર કાલાવડના નાના વડાળા ગામનાં હોન્ડા સિટી કારના ચાલક જય મારકણા અને તેની સાથે બેઠેલા અન્ય બે વ્યકિત પણ ઇજાગ્રસ્ત થતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસમાંથી જાણવા મળી રહ્યું છે.

હોન્ડા સિટી કારમાં સવાર ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી.
હોન્ડા સિટી કારમાં સવાર ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી.

કારની એરબેગ ખુલી જતા મોહસીનને મોટી ઇજા ન થઇ પણ પિતાએ જીવ ગુમાવ્યો
ખોજા પરિવારની કારની સામે પૂરઝડપે ધસી આવેલી કારે હડફેટે લેતાં ચાલક મોહસીનનો બચાવ થયો હતો. તેમને નાની-મોટી ઇજા થઇ હતી. જ્યારે બાજુમાં બેસેલા પિતા મદતઅલીને માથામાં અને છાતીમાં ગંભીર ઇજા થતાં તેનું સારવારમાં મોત નીપજ્યુ હતું. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ટ્રાફિકજામ થતાં પોલીસે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતાં. પોલીસના જણાવ્યા મુજબ અલનવાઝના પત્ની બીમાર હોય તેની ખબર-અંતર પૂછી અને બાદમાં પિતરાઇ બહેનનાં લગ્નની ખરીદી કર્યા બાદ રાજકોટથી કોટડાસાંગાણી પરત ફરતાં અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...